Raghu Rabari

Inspirational

4.4  

Raghu Rabari

Inspirational

બળદનાં દાન

બળદનાં દાન

10 mins
135


સવારનો સૂરજ ભાગ્યની રેખાઓ બદલી નાખવા ઉગમણી કોરે કેસરિયાં કિરણો પાથરી રહ્યો છે. તેનાં હેરિયાં રાધનપુર નવાબની કચેરીમાં શાખ પુરવા ઉતરી રહ્યાં છે. કચેરીને લીલા કિનખાબી કાપડના રંગે રંગી છે. વર્ષાઋતુમાં લીલુડી બનેલી ધરતીની જેમ કચેરીએ લીલી ચાદર ઓઢી છે. રાજમહેલના નોબતખાનામાં ચોઘડિયા મીઠા સરોદો છેડી રહ્યાં છે. કચેરી હેકડે ઠઠ જામી છે. કારણ નવાબી સેનામાં સૈન્યની ભરતી અને પદવી અપાઈ રહી છે. યોદ્ધા પોતે બતાવેલા કરતબનું પરિણામ જાણવા અધિરા બન્યા છે, એવા ટાણે કચેરીમાં ખુમારી ભર્યો મીઠો અવાજ આવ્યો ; "ઝાઝા જવાર.....નવાબ સાહેબને... રાધનપુરના ધણીને ઝાઝા જવાર..."

"ઓ..હો..આવો કવિરાજ આવો. તમારે ચારણકાથી રાધનપુર આવવું પડ્યું વાવડ મૂક્યા હોત તો વેલડું મુકત..?" નવાબે આવકારતાં કહ્યું. 

"ના...ના.. એવું હોય..અમ રૈયતને આટલો પ્રેમ ઘણો છે સરકાર." દેવીદાન ચારણે કહ્યું. 

 દેવીદાનને નવાબના આંગણે આવેલા જોઈને રાજપૂતોના કસુંબામાં રંગ આવી ગયો. એક આધેડ રાજપૂતે "આવો..! આવો..! દેવીપુતર આવો...! આપ તો ડાયરાની શોભા છો." કહીને દેવીદાનને આગ્રહથી ડાયરામાં વચ્ચે સ્થાન આપી બેસાડ્યા. ગઢવીને આવેલા જોઈને ગુલતાનમાં આવી ગયેલા રાજપુતો કહેવા લાગ્યા ; " લ્યો, કવિરાજ ! પહેલો કસુંબો મીઠો કરો." ડાયરામાંથી એક વ્યક્તિએ પોતાના મોટા તાસક જેવડા હાથની હથેળીમાં કસુંબો લીધો. તેનો ચહેરો ક્ષત્રિય પરિવારના રૂવાબદાર તેજની ઝાંખી ખાઈ રહ્યો છે. માથે વઢિયારી પાઘ, મોટા ભાલ અને ભ્રમરોની વચ્ચે કુમકુમથી રાજતિલક તાણેલ છે. મૂંછોનાં થોભિયામાં ક્યાંક ક્યાંક સફેદવાળ અવસ્થાની ચાડી ખાય છે. એમનો આવકારો અને ખોંખારો સાંભળી દેવીદાનથી ન રહેવાયું અને મુખમાંથી મા સરસ્વતીની જાણે સરવાણી છૂટી. 

અજાણે દઈ આશરો, ઝૂમ્યું હૈયે હેત,

વારે વાઘેલા આયો,ખરા ટાણે ખાનજી.

દોહો બોલી ગઢવી રાજપૂતના ધોબામાં રહેલ કસુંબામાં અનામિકા આંગળીને બોળી સૂર્યનારાયણની સામે આકાશમાં કસુંબો ચડાવ્યો. ધરતી માતાની ઉપર છંટકાવ કર્યો "રંગ છે રાજપૂત, બાપ ! " આવા ઉદ્દગાર કાઢતાં દોડો ભરી કસુંબો પી ગયા. કસુંબાનો ઘૂંટડો ઉતર્યા ભેગો જ બીજો દોહો લલકાર્યો. 

મેણાં ખાતર માનવી,જીવન જેના જાય,

ભૂલી ના ભૂલાય, મનની વાતો ખાનજી.


મોટા દલનો માનવી,નાનો શીદ ગણાય,

પૃથ્વી પર પંકાય, દાનની વાતો ખાનજી.


"અરે..! ‌હાં..હાં..ગઢવી.. આ શું ? કરો છો." આખા ડાયરામાંથી એક સાથે ના પડી. 

"આ નવાબની કચેરી છે બાપ ! ધીરજ રાખો આપ. ખાનજીની પ્રસંશા ચમ..ગાઓ..છો." એક આઘેડ વ્યક્તિએ કહ્યું. દેવીદાન ગઢવી ફરી ધોબો ભરીને કસુંબો પી ગયા. અને બોલ્યા ; "ભલા માણહ હું જો આજ છાનો મરુ તો મારી ખાનદાની લાજે. "

ઘોડાને માણું બાજરો,ધોરીને ઘીની નાળ,

પીવરાવે તું રાણ, ભલે ખંતથી ખાનજી.


હવે નવાબથી ના રહેવાયું ને બોલ્યા ; "આ શું છે ? મારી કચેરીમાં રજપૂતની પ્રસંશા... કેમ અમારાથી કાંઈ ઓછું પડ્યું ? કવિરાજ ! આપ રાજપૂતની વાતો કરો છો ? આટલા શબ્દો રાધનપુર નવાબ ઉચ્ચારે ત્યાં તો ત્રીજો ધોબો કસુંબાનો પીને દેવીદાન બોલ્યા ; " સરકાર આપતો બસોને બ્યાસી ગામના ધણી છો પણ એ ખાનજી ! તો સાંભળો નામદાર ! 

વડા વંશ વાઘેલમા,મોરવાડાએ જાણ,           

દલ દાતારા રાણ,ખમ્મા તુને ખાનજી.


આફત વેળા એકલો,મન રાખે મજબૂત,

વચન પાળે રાજપુત,ખમ્મા તુને ખાનજી.

આવા શબ્દો રાધનપુરના નવાબની સામે કોઈના નીકળે નહીં પણ દેવદાન ચારણના મુખમાંથી નીકળતા જ ડાયરો આખો નિ:શબ્દ થઈ ગયો. 

વાત જાણે એમ છે સાત મહિના પહેલાં અષાઢ મહિનાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યયો. ખેતરમાં વરાપ આવી ગઈ હતી. હળોતરાની તૈયારીઓ થઈ. ચારણ સવારે વાડે બળદ લેવા ગયો. ગજબ થયો વાડામાં તો એક બળદ મરેલો પડ્યો હતો. ચારણના માથે આભ ફાટ્યું ! આવા વાવણી ટાણે કોણ બળદ આપે. મનમાં બબડ્યો ; "મુ કેને ભણાં કે મોરે બળદ દિયો." રૂપિયા હતા એતો બીજવારામે ખરચે નાખ્યા.

ત્રણ ત્રણ કાઠાં વર્ષ કાઢ્યા પછી આ વર્ષે થોડી આશા બંધાણી હતી.એમાં અધુરામાં પુરું હળોતરા ટાણે બળદ મરી ગયો. આભ ફાટે ત્યારે ઠીગડું ક્યાં મારવું ? દેવીદાન ચારણ ભોળાનાથનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવ્યા. ચારણિયાણીએ કહ્યું ; "કિં ચારણ ચહેરો ઉદાસ છે, કેં કારણ."

દેવીદાને કહ્યું ; "કંઉ ભણાં ચારણિયાણી ઓ ઘોળીયો બળદ તો મરેં ગયો." આટલું બોલતાં ગઢવીની આંખે જરજરિયાં આવી ગયાં. ચારણિયાણીએ હિંમત આપતાં કહ્યું "હશે ભગવતીને જે ગમ્યું એ ખરું ! પણ આમ માથે હાથ દેંન બીહેં રવાથી આંઈ થોડી જિંદગી પાર પસેં. વઢિયારમેં જાવ કોઈ ખેડૂનો લુલો-લંગડો,થાકલ ઢાંઢો લેં આવો. બાકી અટાણે વાવેતર ટાણે કમણ અભાગિયો બળદ વેચશે."

 દેવીદાન ગઢવી શિવના પરમ ભક્ત. શિવ સિવાય કોઈ સામે હાથ લાંબો નહીં કરેલો. ચારણિયાણીના કહેવાથી બળદની શોધમાં ચારણકાથી ફાંગલી, ઝઝામ, દુદોસણને ડુંગળા સુધી દશ ગાઉની વાટ કાપી નાખી ક્યાંય કોઈ ખમતીઘર ખોરડું ના મળ્યું કે ત્યાં બળદ માગવાનું મન થાય. ચાલતાં ચાલતાં, અગિયાર ગાઉનો પંથ કાપીને ગોધુલી ટાણે ગઢવી મોરવાડા ગામને પાદરે આવીને એક ઝાડ નીચે બેઠા. એક તો સફરને પાછી ઉદાસી શરીરમાં થાક વર્તાણો એટલે ચલમ ભરી. 

ચારણ વિચારે છે આવડા મોટા ગામમાં કોઈના ઘરે લુલો, લંગડો કે પાકો થઈ ગયેલો બળદ હોયને જીવાડવો આલે તો સુખેદુઃખે ઓંણનું વરસ પાર પડી જાય. મન ચકરાવે ચડ્યું છે. વિચારતાં ધુમાડાના ગોટા ઉડાડે છે.

ગામના બેચાર યુવાન મે'માનને દૂરથી પહેરવેશ થી ઓળખી ગયા કે ચારણ લાગે છે આવીને બોલ્યા ; "જય માતાજી" 

દેવીદાન ; "જય માતાજી." 

એક યુવાને પૂછ્યું; "પરોંણા છો ? ચના ઘરે જાવું શે ?"

દેવીદાન ; "ચોરાડમાંથી આવું છું, બંધાણી માણસ છું. મને કોઈ ખમતીધર દરબારનું ખોરડું બતાવો તો મારે રાતના ચાર પોર વાહો કરવો છે." 

યુવાન હોઠમાં હસીને બોલ્યો ; "ખમતીધર ખોરડું તો અમારા ગામમાં ખાનજી વાઘેલાનું શે." 

બીજાએ ટાપસી પુરી ; "હા, હો..! ખાનજી બાવા જેવડો મોટો મનેખ આ ગામમાં કોઈ નઈ હેંડો તમને વાઘેલાની ડેલી દેખાડું." 

અજાણ્યા વટેમાર્ગુને શું ખબર કે આ ખાનજીની મજાક ઉડાવે છે. યુવાનોએ દૂરથી ખાનજી વાઘેલાનું ઘર બતાવ્યું. 

ચઢતા દિનું પારખું ઘર આવે મે'માન, 

પડતા દિનું પારખું ઘર ન આવે શ્વાન. 

દેવીદાન ચારણ શેરીમાં આગળ જાય છે. આગળ જઈ ખાનજી વાઘેલાનું ઘર પૂછ્યું. છાતી સરખી લાજ કાઢેલી બાઈએ હાથ લાંબો કરી કુંડ(છાપરી) બતાવી. 

હોશિયાર ચારણ પરિસ્થિતિ પામી ગયો. ખોરડું તો ખમતીધર છે, પણ ગરીબી ચારે દિશાથી ભીડો ભીડાવીને બેઠી છે.

ખાનજી ભેંમજી વાઘેલા દરબાર, ખાડું ચારી ઘરડી મા અને પોતાનું ગુજરાન ચલાવે.બાવળની કટલી ખોલી ડોકાઈને "ખાનજી દરબારનું ઘર ને ?" ચારણે ખાતરી કરવા પૂછ્યું. વાણ ટૂટીને નીચે ચીંથરા લટકતા ખાટલા પર ખાનજી બેઠા છે.

"હા, આવો..આવો..મે'માન, હું પોતે જ ખાનજી" ઊભા થતાં થતાં ખાનજી બોલ્યા. ચારણનો પોષક જોઈ આવકારો આપ્યો ; "એ આવો..! આવો ! કવિરાજ, આવો. હાથ લાંબો કરી રામ રામ કરતાં કહ્યું ; "રામ હરી !" 

કવિરાજ ને માટે ખાનજીએ બીજો ઢોલિયો ઢાળતાં ખબર અંતર પૂછ્યા ; "ચમ ચમ છે, માજાનું શે તો બધું હધરુ ને ? " 

કુબામાંથી લાવી ઢોલિયા ઉપર ગાભાનું ગોદડું પાથરી મે'માનને ઢોલિયે બેસાડ્યા.

"ચ્યાં રે'વુ મેમાન ?" ખાનજીએ મહેમાનની ઓળખ માગી.

"ચારણકા "

 "ચારણકા, અહો.. હો..તો તો ચોરાડના તમે, ભલે ભલે, કેવાં મે'પાણી ,કવિરાજ ?" 

"ઉપરવાળાની મહેર બાપુ, હેય.. ને ધરવા ધરવ પડ્યો છે હો ! અમારે તો હાળોતરા થઈ ગયા."

ચારણે ઘડીક વિષાદને હેઠો મૂકી દીધો.

"લ્યો પાણી પીવો" ટાઢા મોરિયામાંથી લોટો ભરી પાણી આપ્યું.   

પાણી પીતા ચારણની નજર પરિસ્થિતિનો તાગ મેળવતી હતી.સિંગતરા અને બહુડાના સડાભરીને બનાવેલ કુડ (છાપરી) ઉપર ડીલાનાં નિરિયાં ઉડતાં હતાં. છાપરીમાં વૃદ્ધ મા આને ખાનજી રહે છે. 

ઘરમાં મે'માનને જમાડવા માટે સીધું હતું નહીં. વૃદ્ધ ક્ષત્રાણીએ ખોરડાની આબરુ રાખવા ઘરમાં રહેલી તલવાર વાણીયાને આપી સીધું લાવી મે'માનને શીરાનું વાળું કરાવ્યું. 

ખુલ્લા આંગણામાં ખાનજી વાઘેલાની અને દેવીદાનની પથારી કરવામાં આવી. પરસ કરતાં મહેમાન અને યજમાન વાતે વળ્યા,ગામ ખેતર,ઢોર-ઢાંખરની લાખેણી વાતો થઈ. વાતોમાં ને વાતોમાં ચારણે ઘરનો તાગ મેળવી લીધો. અડધી રાત થઈ,ગઢવી મગનું નામ મરી પાડતા નથી. એમણે ઘરની પરિસ્થિતિ માપી ને નક્કી કરી લીધું કે બળદ ની માગણી હવે કરાય નહીં.

આ બાજુ ખાનજી વિચારે છે કે મે'માન અષાઢના તાકડે ચમ આવ્યા હશે. પણ પૂછાય કઈ રીતે "ચમ તમે આયા ?" જીભ ઉપડતી નથી. સામે દેવીદાને પણ નક્કી કરી લીધું છે કે, બસ આજની રાત મહેમાનગતી કરી સવારે રજા લઈને નીકળી જાવું. બન્નેના મનમાં ગડમથલ ચાલુ છે. ખાનજી મૂંઝાય છે. વિચારે છે કે જો ના પૂછે તો રાત આખી પડખાં બદલવામાં જશે.

"વાવણીને તાકડે કાંઈક કામે નીકળ્યા હશો કવિરાજ ? મારા જોગ કાંઈ કામ હોય તો કેજો ?" છેવટે દરબારથી ના રહેવાયું તેથી ખાટલામાં આડે પડખે થાતાં થાતાં ધડાકો કરી દીધો.

"કામ તો, હતું પણ...."ચારણ અચકાયા.

"હેં... કામ હતું ! તો અત્યાર હુધી બોલ્યા ચમ નઈ .?" દરબાર ખાટલામાં બેઠા થઈ ગયા.

"જે કામે આવ્યા હોય, તે બેધડક કઇ દ્યો, મારાથી થાશે એટલું કરીશ."

"પણ બાપુ , હવે...જાવા દ્યો.. " ચારણે વાતને વાળવા મથામણ કરી.

ખાનજીએ મે'માનને સમ આપ્યા; "કવિરાજ, તમે હાસુ ના કો તો મારા ગળાના હમ શે."

ચારણે કહ્યું ; પણ સમય એવો છે.

ભર અષાઢી પંચમી જો હોય વાદળને વીજ

ધાન વાવી ધન કરો, રાખો બળદને બીજ.

ભર અષાઢી પંચમી જો ઝબૂકે વીજ,

નદી નાળાં ભરાઈ જશે રાખો બળદને બીજ.

ચારણની આખી વાત ખાનજી સમજી ગયા. દેવીદાને કહ્યું ; "મને ગામના યુવાનોએ કીધું છે કે અમારા ગામમાં ખાનજી બાવા જેવા ધનવાન કોઈ નથી એ જાણી આપના આંગણે બળદની આશાએ આવ્યો હતો." આ શબ્દો જ્યારે ખાનજી વાઘેલાએ સાંભળ્યા દરબાર ભોંઠો પડી ગયો. ડગે તો એ ક્ષત્રીય શાનો ? બીજી જ ક્ષણે સ્વસ્થ થતાં કહ્યું ; "ઓ હો એમને કવિરાજ કંઈ વાંધો નહીં, તમતમાર આરામથી ચાર પોરની નીંદર કરો. કાલે સવારે ઘોડાને પાછા પાડે એવા ગોદલા આપીશ." 

ચારણે અગિયાર ગાઉનો પંથ કાપેલો થાકના લીધે વાતો કરતાં કરતાં ઊંઘી ગયા. પણ ખાનજી વાઘેલાને ઊંઘ ક્યાંથી આવે ? 

હૈડા ભીતર દવ બળે કોઈ ન જાણે સાર,

કાં મન જાણે આપણું કાં જાણે કિરતાર.

 ખાનજી દરબાર ગામનું ખાડુ ચારતા હતા. એમની પાસે બળદ ક્યાંથી હોય ? પણ આજ મારે આંગણ ચારણ આવ્યા છે. એથી મોટીવાત કે ગામમાંથી કોઈએ મારું ઘર બતાવ્યું છે. ચારણને બળદ તો આપવા જ છે. મારું તો ઠીક છે પણ મે'માનનું પણ અપમાન કર્યું છે. આમ વિચારી પથારીમાંથી ઊભા થયા. આખા પંથકમાં નજર દોડાવી કયા ખેડૂને ઘણા બળદ છે. ઓચિંતા યાદ આવતાં હરખાતાં મનોમન બબડ્યા "અરે મુયે છું ને કાખમાં છોકરું ને ગામમાં ગોતું. બળદ તો આર્યા સોનેથમાં જકશી ઓડ (ચૌધરી)ને બાર-બાર સાંતેડાં તો હેંડે છે એને એક સાંતેડું બંધ રેશે તો કાંઈ ફેર નઈ પડે."

મે'માનને ઊંઘતા મૂકી સોનેથની વાટ પકડી. એક ગાઉના અંતરે સોનેથ ગામ હતું. જકશી ચૌધરીના વાડામાં એક નહીં પણ એક એકથી ચડિયાતા અસલ પુરા બાર સાંતીના કાંકરેજી ઘાઘડિયા બાંધેલા છે. ખાનજી વિચારે છે આ ધોળા ઇંડા જેવો વાછડો આપવા જેવો છે. ઘોળા ઘાઘડિયને ખીલેથી છોડી અછોડો ખીલે જ રાખી ડચકારી આગળ કર્યો. રસ્તામાં જ દરબાર શામળિયાને યાદ કરીને કહે‌ છે ; "હે કાળિયા ઠાકર મેં આજ ધર્મશંકટમાં આવીને ચોરી કરી છે માફ કરજે મારા નાથ."  

ખાનજી આવીને ગઢવીને ઉઠાડે છે દાતણ-પાણી આપી ને કહે છે ;"લ્યો ગઢવી આ વછેરા જેવો ઘાઘડિયો." ચારણ તો પોતાની ખોવાયેલી વસ્તું પાછી મળેને રાજી થાય એમ રાજી થયા. હેંડો ઝટ ચા-પાણી કરો હું તમને સેંમાડા સુધી વળાવવા આવું છું.ગઢવી અને ખાનજી વાઘેલો બળદ લઈને નીકળ્યા. ગઢવીને ચારણકા જવાનું તો સામે સોનેથ ગામનો સિમાડો આવે જ બન્ને વાતો કરતા ચાલ્યા જાય છે.

આ બાજુ જકશી ઓડ ડેલીમાં બેઠા બેઠા વિચાર કરે છે આખી જિંદગી એક ખીલી સરખીય વસ્તુ કદી ચોરાણી નથી, ને આજ બળદ ચોરાયો !

ચોરી તો થાય જ નહીં પણ કોઈક જરૂરિયાત વાળો બળદ લઈ ગયો હશે. બળદ ભલે લઈ ગયો પણ ચોરીનું પગેરું લેવું જ પડશે. ચોરાયેલ બળદનું પગેરું લેવાની તૈયારી થઈ ગામમાંથી સેંધા પગીને બોલાવ્યા.

સેંધા પગીએ આવીને કહ્યું ; "પટ્યોલ ચોરે ધાર્યું હોત તો અહીં બાર બળદ બાંધેલા હતા બારે બાર લઈ જોત ચમ એકજ બળદ લઈ જયો ? કાંક રહસ્ય તો હશે જ હો"  

 સો જેટલા ગામ લોકો એકઠા થયેલા. જકશી ચૌધરી, બીજા બે ત્રણ આગેવાનો, પગી અને ગામલોકો બધા પગેરું લઈ ને ઊપડયા.

સીધે સીધું પગેરું મોરવાડાના સીમાડે પહોંચ્યું, સામે બળદ હાંકીને દેવદાન ચારણ અને ખાનજી દરબાર આવી રહ્યા છે. બન્ને પક્ષ સામસામે આવી ગયા. ખાનજી દરબાર જકશી ઓડની પાસે જઈ વિનંતી કરતાં. "પટેલ,હું જ તમારો ચોર " દરબાર નતમસ્તક થઈ બોલ્યા.

"શું વાત કરો છો દરબાર ?" પટેલને આશ્ચર્ય થયું.

"આ ચારણની વાવણી બગડતી હતી એટલે મેં તમારા ઘરે ચોરી કરી છે." દરબાર ગળગળા સાદે બોલ્યા.

"તમારે બળદની જરૂર હતી તો હું ન'તો બેઠો ?

તમારે મને કે'વુ'તુને.

"મારી પાસે સમય ન હતો ને ચારણની વાવણી ખૉટી થાતી હતી. વાવણી ના ટાંણે લાખ રૂપિયા આપોને તોય કોઈ આ તાકડે બળદ વેચવા તૈયાર ના હોય. અને તમે છો ખમતીધર એટલે મારી નજર તમારા ઘર ઉપર ઠરી."

જકશી ઓડ દરબારની વાત સાંભળે જ જતા હતા. ખાનજી વિનંતી ભર્યા શબ્દો બોલ્યા ; "તમે બોલો એટલી બળદની હું કિંમત તમારો હાળી રહીને ચૂકવીશ પણ આટલો બળદ એમને આલો."

"ગઢવીની વાવણી ખોટી થાતી હતી એમાં કાંઈ ગતાગમ ના પડી ઈ શું ?" જકશી ચૌધરીને વાતમાં સમજણ ના પડી.

ખાનજી દરબારે પછી માંડીને ગઢવીની આખી વાત કરીને કહ્યું "આ હારે છે ઈ ગઢવીને બળદ સાથે વળાવવા આવ્યો છું, તમારો હું ગુનેગાર તમે ચાહો તેમ કરવા હું તિયાર પણ આજ મારી આબરુ રાખો મારા આંગણે થી ચારણ પાછો જાય ઈ પેલાં ભગવાન મોત આલે."

"તમારી પાઈએ પાઈ હું ચૂકતે કરી દઈશ." દરબાર ખાનજી પડી ગયેલા ચહેરે બોલ્યા.

દરબારને આમ ચારણ માટે કરગરતો જોઈ પટેલનું મન પણ ગળ્યું. "દરબાર, તમારે મારા ચોરેલા બળદની કિંમત ચૂકવવીજ છે ને ? " જકશી પટેલ સહજ ભાવથી બોલ્યા.

ખાનજી ; "હા, પટેલ તમારો બોલને મારું માથું." 

"તમારે મારા બળદની કિંમત ચૂકવવી હોય તો એક કામ કરવું પડે" દરબાર સામે જોતાં પટેલે કહ્યું. "તમે જે ઘાઘડિયો ગઢવીને આપ્યો તે ઘાઘડિયો અને ગઢવીના ઘરે ઊભો છે તે બળદની સરખી જોડ નહીં થાય, મારા ઘરે ઊભેલો બીજો ઘાઘડિયો એ આ ઘાઘડિયાની જોડ છે. હેંડો અમારા ગામ, ને મારા ઘરે ઊભેલા બીજા ઘાઘડિયાને આજને આજ ચારણકા પહોંચતો કરો .જો તમે મારું કીધું કરશો તો તમે ચોરેલા બળદની કિંમત મને મળી ગઈ એમ હું સમજીશ."

ગઢવી આ બે વઢિયારીઓની મીઠી રકઝક સાંભળી રહ્યા છે ! પગેરાના માણસો બે દિલેર માણસોની વાત સાંભળી મોંમાં આંગળાં નાખી ગયા.

દેવીદાન ચારણ પહેલાં ખાનજી વાઘેલાને અને જકશી ચૌધરીને બાથમાં લઈ ભેટી પડ્યા.અને જકશી ઓડને કહ્યું ; " આજથી મા ભગવતી ધનધાન્યમાં ખોટ નહીં આવવા દે અને દૂધમાં કદી મેળવણ(છાસ) નહીં નાખવું પડે. 

જકશી ઓડની જોડે પોતે હાળી રહીને પણ બળદની કિંમત ચૂકવીશ આવી આજીજી કરતા ખાનજીને જોઈને એ સમયે દેવીદાને પ્રતિજ્ઞા લીધી; "વાહ ! મારા ક્ષત્રિય વાહ ! બાવા તેં તો ખાનદાની બતાવી જાણી પણ એક દિવસ લાડો ના બનાવું તો હુંય ચારણ નહીં." 

***

વચન પાળવા આજ રાધનપુરના નવાબની કચેરીએ દેવીદાન ચારણ આવ્યા હતા. દેવીદાનના મુખે ખાનજી વાઘેલાનું વૃતાંત જાણ્યા પછી નવાબે ફરમાન કર્યું કે ખાનજી વાઘેલાને કચેરીએ બોલાવો.ખાનજી હાજર થયા. ફરી કસુંબો થયો. રંગનાં છાંટણાં કરી રાધનપુર નવાબના તાબા હેઠળના થરાદનો વહિવટ આપવામાં આવ્યો.આગળ જતાં ખાનજી વાઘેલા થરાદના રાજા બન્યા.

નોંધ : 

(૧) જકશી (ઓડ)ચૌધરીનો પરિવાર આજે દૂધમાં છાસનું મેળવણ નથી નાખતો. દૂધને સાંભળે એમ બોલે છે. મેળવણ પડી જાજે. અને જો ના બોલે તો દિવસો સુધી દૂધ બગડતું નથી. 

(૨) ખાનજી વાઘેલાની દસમી પેઢીએ મહાવીરસિંહ ભારતસિંહ વાઘેલા થરાદમાં છે. 

(3) લોકવાર્તા રૂબરુ મુલાકાત લઈને લખેલ છે.

- રઘુ શિવાભાઈ રબારી "રાઘવ વઢિયારી"

કથાબીજ 

(૧) સ્વ. રામાભાઈ કરમસીભાઈ અઝાણા કોલાપુર (મૂળ વતન સોનેથ ) સહયોગ 

(૨) શ્રી ભીખાભાઈ ભૂંભળિયા સોનેથ  

(૩) પાંચાજી રાજપૂત શિક્ષક (મોરવાડા)   

(૪) સુબાજી ઠાકોર (મોરવાડા)

(૫) રામજીભાઈ રબારી (ચલવાડા)

(૬) નવઘણસિંહ વાઘેલા 

(૭) લાલુદાન એસ.ગઢવી


Rate this content
Log in

Similar gujarati story from Inspirational