Raghu Rabari

Tragedy

3  

Raghu Rabari

Tragedy

વિખરાયો માળો

વિખરાયો માળો

7 mins
276


વઢિયારનું રણકાંઠાનું અંતરિયાળ ગામ. ગામના લોકોને દેશ-દુનિયાથી કોઈ લેવાદેવા નહીં. ગામની સંસ્કૃતિ અને રહેણી-કરણીએ આધુનિકતાનો આંચળો ઓઢેલ નહી. બાવળના વળાં ઉપર વાંસની ખપાટો ગોઠવી એના ઉપર કપાસની સાંઠીયું અને સેંગતરા પાથરી ને દેશી નળિયાં ઢાંકેલા થોડાક જ ઓરડા. મોટા ભાગના તો સાંઠીયાંના સડા ભરેલા ને ઉપર સેંગતરા કે ઘાસનાં નીરીયાં વાળા કુબા જ હતા. સારસ બેલડી જેવાં ગગુ અને ગોવિંદ નાના ખોરડામાં રહેતાં. ગગુને પિયરમાં કોઈ આગળ-પાછળ નહોતુ, તો ગોવિંદને પણ કાકા કુટુંબ કોઈ નહી. વિધાતાએ બન્ને સમદુખિયાંને પૂર્વજન્મના પ્રતાપે જ ભેગાં કર્યાં હશે ! બન્ને મહેનતું અને સંસ્કારી.

           લગ્નની પ્રથમ દેવદિવાળીના દિવસે દેવના ગણ જેવા દીકરાને ગગુએ જન્મ આપ્યો. ઘરમાં ગોવિંદ સિવાય બીજું કોઈ જ કામ કરનાર નહીં. ગગુએ સુતક પાળ્યું નહીં. સુવાવડના બીજા જ દિવસે પથારી છોડી દીધી. રવિપાકની સીઝન હતી. ગગુએ ગોવિંદને મોંસૂઝણે ગાડાના પૈડા જેવડા બે રોટલા ટીપીને ભાથું બાંધી ખેતરે રવાના કર્યો. ગગુને આંગણમાં વાસીદું વાળતી જોઈ શેરીમાં જતી સ્ત્રીએ ટકોર કરી ; "અલી બઈ, તુ તો માણહ શે કે જનાવર, હજુ બે દાડા જ થયા શેન ઊભી થઈ જી, દહ દા'ડા તો ખાટલે રેવું'તુ !"

           થોડીવારમાં ગગુને આકરો તાવ ચડ્યો, આંખે અંધારાં આવ્યાં, આંગણથી કુબાની ઓસરીમાં પહોંચતાં સુધીમાં તો ફસડાઈ પડી. પથારીમાં સુતેલ નવજાત બાળક રડવા લાગ્યું. બાળકનો રડવાનો અવાજ આવતાં પાડોશી મંગુ ડોસી દોડતાં આવ્યાં. હાથમાં સાવરણા લઈ ઓસરીમાં લાશ જેમ પડેલી ગગુને જોઈ. ઉંઆ...ઉંઆ...ઉંઆની કાળી ચિસો બાળક પાડતુ હતું. નજીક આવી જોયું તો ગગુને દાંથોટ પડી ગયા હતા. મંગુ ડોસીએ ટહુકો પાડ્યો ; "એ...સોડી...ઝટ ખરપિયો(તાવિથો) લાય ખરપિયો..આ મૂઈ ભમરાળી તો બેભાન પડી શે. અન આ હાઉડો(છોકરો) તો રોઈ રોઈન રાતો સોળ થઈ જ્યો શે. ગોદો ઘરે નથી ને આ રેઢાંને રેઢાં મા-દીચરો ચ્યારનાંય પડ્યાં હશે."

            મંગુ ડોસીએ પૌત્રને બુમ પાડી,"અલ્યા સમના, એ બટા સમનિયા. ધોડ જે મારા દીચરા ! જા શેતરેથી ગોદાને હાકરતો(બોલાવતો) આવ. ધોડ ! ચેવો ધોડે ! મારો વાઘ રેવાલ હો !" 

"મા, ગોદો કાકો ચિયા શેતરે હશે ?" 

ગગુના ભીડાયેલા દાંતને મંગુ ડોસીએ ઉખણિયાથી ખોલવા મથતાં મથતાં કહ્યું ; "એમ ચાં તારા બાપ ! ગોદીયાને આઠ-દહ શેતર શે આંણી રાંડના !!" 

            ચમને જવાબ સાંભળી પાધરી ઝાંપેથી કપાવી.

            ખેતરેથી ગોવિંદ આવ્યો. મંગુ ડોસીએ ખોબામાં પાણી લઈ જોરથી ઝાપટો માર્યો. ગગુ ભાનમાં ન આવી. ભીડાયેલા દાંત ખોલતાં હોઠપર ખરપિયો કયાંક અડી ગયેલો. પેઢાં લોહીવાળાં થયાં હતાં.   

            ગગુને દવાખાને લઈ ગયા. તેને આઈસ્યુમાં રાખવામાં આવી. હવે ગોવિંદની જવાબદારી બેવડી થઈ ગઈ. ગોવિંદે હોસ્પિટલમાં રહેવું પડ્યું. એક બાજુ ખેતીનો બગાડને બીજી બાજુ બાળક પાળવાનું અને ગગુની માંદગી. ગોવિંદે મનોમન બાધા રાખી ; "હે ! હડુમન દાદા મારા હાઉડાને ગગુને હેમખેમ પાછાં લઈ જઈશ તો તારા પારે એનું નામ પાડીશ." 

            ગોવિંદ આર્થિક રીતે ધોવાઈ ગયો. એને કાકા-કુટુંબ ન હતુ પણ એણે ગામમાં લોકોના હાળી રહીને બે સાંતીની જમીન ભેગી કરી હતી. બીમાર ગગુને સાજી કરવા એણે શાં શાં વાનાં નહોતાં કર્યાં ! 

            દવાખાનાની ફી ભરવા માટે પાડોશમાં રહેલાં બીજાં દર્દીનાં સગાંને ગગુને બેચાર કલાક સાચવવાનું કહી ગોવિંદે ગામડે આવી માધવલાલ મુખી પાસે પોતાની જમીન અડાણી મૂકવા. પૈસા માટે હાથાજોડી કરી કરગરતા ગોવિંદને જોઈ માધવલાલની પત્ની મોંઘીના મુખમાંથી ઉદ્ગારો નીકળી પડ્યા,"ફટ ! મૂઆ, દખના દેનારા તારુ નખોદ જાય ! તને આ સારસની જોડી સિવાય ગામમાં કોઈ ના જડ્યું ? એનો સંસાર રોળી નાખ્યો.!!"

            એક બઉટાવા જમીન ગામના મુખી માધવલાલને ગીરવે આપી દીધી. મુખીની દાનત તો ખોરા ટોપરા જેવી હતી. કેમે કરીને ગોવિંદની જમીન હડપી લઉં ! પણ મોંઘી ભલી બાઈ હતી. મુખીને કહ્યું ; "પટેલ, એક સાંતી તો એના એ ફુલ હાટુ રાખો ! હજુ એણે આ દુનિયામાં આવીને ધરઈને માનું ધાવણ કે મોંઢુય જોયુ નથી."

            ગોવિંદે દવાખાને આવી ફી જમા કરાવી. જાણે ફીની રાહ જોઈ બેઠેલા ડૉક્ટરે કમ્પાઉન્ડરને કહ્યું ; "ગગુબેનના સગાને બોલાવ." કમ્પાઉન્ડરે મોટેથી બૂમ પાડી; "ગગુબેનના સગાને સાહેબ બોલાવે છે અંદર જાવ." અઠવાડિયાથી હડિયાપટ્ટી કરી થાકેલો ગોવિંદ કેટલાય કોડ લઈ ઊભો થઈ ડૉક્ટરની ચેમ્બરમાં આવ્યો.

ડૉક્ટરે કહ્યું ; "તમે ગગુબેનના શું સગા છો ? 

"ચમ સાયબ, હું એનો ઘરવાળો છું ? એનો માણહ શું છે ? સાહેબ એ મારી વઉ...." એક શ્વાસે બોલી ગયો, આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. 

"તો જૂઓ બહેનને કોઈ દવા માફક આવતી નથી આપ હવે એમને ઘરે લઈ જઈ સેવા કરો. બીજે આગળ લઈ જવામાં પણ કાંઈ સાર નથી.બાકી તમારી મરજી" કહી હાથમાં ફાઈલ આપી. 

"સાબ, તમે કાંક કરો ! મા-બાપ મારી ગગુને હાજી કરો ! એ સાયબ, મારા હાઉડા હામુ તો જોવો....!" આટલું બોલી આગળ એક શબ્દ પણ ના બોલી શક્યો.

            આટ-આટલો ખર્ચો કર્યો છતાં. ડૉક્ટર ના "ઘરે લઈ જઈ સેવા કરો" શબ્દો સાંભળતાં ગોવિંદના પગ નીચેથી જમીન સરકતી લાગી. જનરલ વોર્ડ તરફ પગને ઢસડીને ચાલ્યો.

            પથારીમાં પડેલી હાડ-પિંજર જેવી ગગુને જોઈ ઊંડો નેહાકો નાખ્યો. જાણે આંખો ગાઈ રહી હતી.

"પંખીડાં ઉડી ગયાં, પગની રહી ગઈ નિશાની,

હંસલીને હંસલાની જોડલી વિખાણી...!"

             ગગુએ ગોવિંદ સામે જોઈ કહ્યું ; "હાઉડાના કાકા તમારા ઉપર તો દખનાં હવન ઝાડવાં ઉજયાં શે, મને અભાગણી, નપિયરીને ના તાં હખવારો મળ્યો ના આંય. મેં તો ભમરાળીએ તમારોય જન્મારો બગાડ્યો...!" 

ગગુના માથે હાથ ફેરવતાં ફેરવતાં ગોવિંદ બોલ્યો ; "આવાં વેણ ના કાઢ હાઉડાની બઈ ઈતો લસ્યું હરીનું થાશે..!" 

ગગુ પોતાના લીધે દુ:ખી થતા પતિને સાંત્વના આપતાં બોલી. "હવે મને ઘરે જ લઈ લો ! છેલ્લી વારનાં ગામનાં ઝાડવાં જોવાંશે !

            ગગુને હોસ્પિટલથી ઘેર લાવી. કુબાની ઓસરીમાં એક ખાટલામાં હાડપિંજર જેવી ગગુને સુવરાવી. બાજુમાં ઘોડિયામાં બાળકને ઊંઘાડ્યું. બધાં ગગુની ખબર કાઢવા આવતાં હતાં. પણ કેટલા દિવસ આખર છેલ્લે તો ગોવિંદ એક જ વધવાનો ને !

            ગોવિંદ હદિયામાં(પરોઢે) ઊઠી ઘરકામ બધુ લપેટી. મશળકે ખેતરે નીકળી જાય. બપોરે ઘરે આવી ગગુ માટે રાબ બનાવે. દીકરાને નવરાવી ધોવરાવી બકરીનું દૂધ પીવરાવે. આ નિત્યકામ બની ગયું. ગગુના શરીરમાં થોડી ટાઢક થઈ. આમ, ખેતરને ઘર અને ઘરને ખેતરમાં ગોવિંદે શિયાળો ઉતાર્યો. ગગુ પથારીમાં જ પડી રહેતી. ગગુનાં કપડાંલતાંથી ઝાડા-પેશાબ પણ ગોવિંદ સાફ કરી નાખતો. આ બધુ જોઈ પડી પડી ગગુ પોતાના જીવને ઠપકો આપતી ; "અરે ! જીવડા, એવાં તે તેં શુ કરમ કર્યા હશે ! તે ધણીયાંણી થઈ ધણી પાસે ના કરવાનાં કામાં કરાવે છે !"  

દરોજ સાંજ-સવાર ભગવાનને પ્રાર્થના કરતી ; "હે ! મારા નાથ શામળા ! મારા હાઉડાની અને એના કાકાની લાજ રાખજે !!"

            હોળી કયારે આવીને ગઈ એ પણ ગોવિંદને ખબર ના રહી. હોળીએ પગે લાગવા જતાં-આવતાં લોકોનાં ગીતો સાંભળી એણે બે હાથ જોડી પ્રાર્થના કરી ; " હે ! હોળીમા ઓણસાલ તો રહ્યું. આવતા વરહ મારા હાઉડાને ધામધૂમથી પજે લગાડીશ ને આખાય ગામને ખજૂર, ધાણીને પતાહાં વેચીશ. મા દયા કરજે ! "

            સવાપોર દાડો ચડ્યો હશે. ગોવિંદ વાડીએ ઘઉં વાઢવા ગયો છે. ખાટલામાં હાડકાંનો માંડવો પડ્યો હોય એમ ગગુનું હાડપિંજર પડ્યું છે. છેલ્લા બે દિવસથી અન્નનો એક દાણો પણ કોઠામાં ટકતો નથી. શરીર પણ કેટલું ઝાલે. પોતાના વ્હાલસોયા દીકરાની ચિંતા કરતી પથારીમાં પડેલી ગગુની નજર છાપરાના વળામાં ચકલીએ બનાવેલ માળા પર પડી. 

            આમ, તો ચકલીનું માળો બનાવવાનું કામ દિવસથી ચાલું હતું. ગગુએ જૂએલું. ચકીને ચકો માળો બનાવતાં હતાં, જયારે ગગુને પોતાનો માળો વિંખાતો હતો. એકવાર તો મનોમન બબડી પણ ખરી ; "અમારા માળાને કોકની નજર લાગી જઇ." 

             આજ એણે માળાને કંઈક અલગ રીતે જોયો. ઉપર નજર રાખીને જીવનમરણ વચ્ચે ઝોલાંખાતી ગગુ એ તો ઓળખતી જ હતી કે આ માળામાં કઈ ચકીને ચકો રહે છે. આજે માળામાં દરોજ જોવા મળતી હતી એ ચકલી જોવા મળતી નથી. પણ બીજી જ ચકલી માળામાં આવે છે. ચકો સાથે હોય ત્યારે ચાંચમાં ચણ લાવે છે ને શાંત બેસી રહે છે. પણ જેવો ચકો ચણ લેવા કે બીજા કામથી માળા બહાર ઉડીને જાય છે. ત્યારે ચકલી માળામાં રહેલા બચ્ચાને ચાંચો મારીમારીને બહાર ધકેલે છે. બચ્ચું વળામાં રહેલા સેંગતરાની સળીયો પર પગ ભીડાવી માળામાં જવા જાય છે. ફરી ચકલી ચાંચનો મારો ચાલું કરે છે. એકવાર તો ગગુએ હાથ ઊંચો કરી હાકોટો કરવાની વ્યર્થ કોશિશ પણ કરી. ના એના મુખમાંથી એટલો અવાજ થયો કે ના હાથ ઊંચો થયો. જો એ કાદચ ઊભી થઈ શકતી હોત તો "ઊભી રે મારી શોક્ય નવી ! " એમ કહી ચકલીને સાવરણીનો ઘા કરતી. 

           ચૈતર-વૈશાખના બળબળતા બપોરે સૂરજ માથા માથે આવ્યો ત્યારે ગોવિંદ ખતરેથી નીકળ્યો. સખત ગરમી પડી રહી છે. ગરમીના લીધે પવનની મીઠી લહેરખીઓએ લૂનું સ્વરૂપ ધારણ કર્યું છે. કાળઝાળ ગરમીમાં ચકલુંય ફરકતું નથી. ગોવિંદ ઘરે આવ્યો. ગગુને રાબ રાંધી ખવડાવવા માટે ગયો. હાથમાં તાંહળી લઈ ગગુને આપી "લે હાઉડાની મા આજ થોડુ મોડુ થઈ જયું છે ખઇલે." ગગુના મગજમાં તો પેલી ચકલી રમતી હતી. એણે કહ્યું ; "મારી એક વાત માનો તો ખઉ નહિતર મને હરામ છે." 

રાબની તાંહળીમાં ફૂંક મારતાં મારતાં બોલ્યો ; "પણ ગાંડી એવી શું વાત છે. અન તારા અને મારા વચ્ચે શાનું છે પણ છું, ખઇ લે આજ થોડું મોડુ થયું છે!!"

"ના પણ તોય તમે માનો તો કહું!!."

"હા, તારે જે કે'વું હોય તે કે પણ ખઇ લે."

ગગુએ માળો બતાવી ચકલીની વાત કીધી. 

તાંહળામાંથી હાથમાં કોળીયો લઈ," લે , હવે તો ખઇ લે !" કોળીયો મોં નજીક કરતાં, 

"અરે ગાંડી તુ પણ ચકી-ચકાની વાતને આટલી મનમાં રાખી પડી છે."

મોંઢુ બાજુમાં ફેરવી ધીમા અવાજે ગગુએ કહ્યું ; "ના પણ તમે કો કે મને કાંઈ થાય તો તમે બીજુ કાંઈ નઈ કરો !"

"હા, નઈ કરુ... નઈ કરુ ...એકવાર નઈ હોવાર...બસ હવે ખઇ લે !!"

"હાસ ! હવે મારો જીવ ગતે જાશે." ખુશ થતાં ગગીએ રાબનો કોળીયો ખાધો.

            ગગુએ ખાતાં ખાતાં જ કહ્યું ; "મુખીએ કહેવડાવ્યું છે કે હાઉડાનો બાપ આવે તો મારા ઘરે મેલજો." ગોવિંદ ખાઈ પરવારીને મુખીના ઘેર ગયો. મુખીનો દિકરો મોહન મુંબઈથી આવતો હતો. મુંબઈમાં કોરોના વાયરસ રૂપી અજગરે ભરડો લીધો હતો. મોહનને લેવા ગોવિંદને ગાડુ લઈ રેલવે સ્ટેશન મૂક્યો. ગોવિંદ મુખીએ કરેલી મદદના બદલામાં ના પાડી શક્યો નહીં. જાણતા જોતાં મોતના મુખમાં ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy