Raghu Rabari

Others

4.7  

Raghu Rabari

Others

લોકડાઉન

લોકડાઉન

7 mins
599


   મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પરના ટ્રુકોલરમાં વી. કે. પરમાર નામ જોયું. મેં કૉલ રિસીવ કર્યો. સામેથી અવાજ આવ્યો ; "હેલ્લો, શેઠ.કે.બી.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી.કે.પરમાર સાહેબ બોલું છું, આપ રઘુભાઈ બોલો છો ?" 

"હા, નમસ્કાર સાહેબ રઘુ બોલું છું." મેં વાળ ઓળતાં ઓળતાં કહ્યું. સાહેબે વાત આગળ વધારી, "આપને પાંચ તારીખથી અહીંયા સુપરવિઝનમાં આવવાનું છે." 

"સાહેબ, હું આપનો વિદ્યાર્થી છું," 

મેં વાતને આડા પાટે ચડાવી.

સાહેબના અવાજમાં ચમક આવી "એમ, કઈ સાલના ?"

મને પણ સાહેબ સાથે વાત કરવામાં મજા આવતી હતી. ભણતા ત્યારે તો સામુ બોલી પણ ના શકતા એમનો કોલ હતો. મેં કહ્યું ; "સાહેબ, 97-98માં આપ ધોરણ દસમાં મારા વર્ગશિક્ષક હતા. એ વખતનો હું તમારો રેઢો વિદ્યાર્થી !" (હા, એ વખતે 1996નો ક્રિકેટ વર્લ્ડ કપ જોઈ મને સચીન બનવાના અભરખા જાગેલા એટલે વર્ગ કરતાં મેદાનમાં વધારે રોકાતો.) તમે મારી હાજરી ઓછી પડતાં મને મેડિકલ સર્ટીફિકેટના આધારે પરીક્ષા ફોર્મ ભરવાની સલાહ આપેલી ને ફોર્મ ભરી આપેલું. 

સાહેબ હસ્યા ; "સારુ, તો તમે પાંચ તારીખે આવી જજો,"

મેં કહ્યું ; "ના સાહેબ સાત તારીખ સુધી આવી શકું તેમ નથી."

"કેમ ?" સાહેબ સખતાઈથી બોલ્યા. 

મેં કહ્યું ; "સાહેબ મારે બે દિવસ ગાંધીનગર, જીવન શિક્ષણ વર્કશોપ અને ત્રણ દિવસ નિષ્ઠા તાલીમ છે. પાછું મારા વિદ્યાર્થીઓનું શું ? તેમનો પણ અભ્યાસક્રમ બાકી છે."

"એ તમારે વિચારવાનું, તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ઓર્ડર છે, તમે એમને જાણ કરજો." આટલું કહી બીજી વ્હાલપની વાતો કરી સાહેબે મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં કૉલ કાપ્યો.

હું પણ બબડ્યો; "ટી.પી.ઈ.ઓ. કે ડી.પી.ઈ.ઓ. સાહેબનો પરિપત્ર એટલે સિદ્ધરાજ જયસિંહનો તાંબાપત્રે લખેલો લેખ !"

        ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની હતી. હાઈસ્કૂલનો સ્ટાફ ઓછો પડતાં પ્રાથમિક શાળાના શિક્ષકોને બોર્ડની પરીક્ષાના ખંડ નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. અન્યનું કામ જયારે આપણને સોંપવામાં આવે ત્યારે લોકો ગામ સામે જ ગોળા નાખે સ્વાભાવિક છે. હું ગાંધીનગર હતો એટલે રૂબરુ મળી શકાય તેમ નહોતું. મારા આચાર્ય સાહેબ અને ટી.પી.ઈ.ઓ. સાહેબને મેં કોલ કરી મારી પરિસ્થિતિ જણાવી. આખરે સાત તારીખથી મારે હાજર થવું એવું નક્કી થયું.

         સાત તારીખે સવારે નવના ટકોરે હું શેઠ. કે. બી. હાઈસ્કૂલમાં પહોંચ્યો. પરમાર સાહેબ આવ્યા. એમના ચરણસ્પર્શ કરી મેં કહ્યું ; "સાહેબ હું રઘુ, મારો આજે પ્રથમ દિવસ છે, પરીક્ષા કામગીરી માટેની મિટિંગ ભરેલી નથી, મને થોડી પ્રાથમિક માહિતી આપશો જેથી મને અડચણ ના પડે. સાહેબે આશ્વાસન આપ્યું કે હું એક બીજા શિક્ષકને આપની મદદમાં મૂકીશ. એટલામાં બીજા મારા સાથી મિત્રો આવ્યા બધાએ અભિવાદન કર્યું. સાહેબે મારા સામે હાથ લંબાવી કહ્યું ; "દાનાભાઈ, ભાઈને મદદ કરજો."

"કોને રઘુને ! ના હોય સાહેબ એતો બધુ ચલાવી લે."

મેં કહ્યું ; "કેવી રીતે અઠેકઠે ?"

અને મારી બધી વિનંતીઓ ફોક ગઈ. વાતાવરણ હળવું થયું.

        સરકારી પ્રતિનિધિએ પેપરનો બંચ આપ્યો. ઉપર ટાઈમ લખી સાહેબે પટાવાળા પાસે બંચનો સીલ તોડાવ્યો. મરેલા ઢોરની વાધરી ઉખેડતો હોય તેમ ચૈડદઈ ઉપરનું કવર કાપી પેપર મૂક્યા. બધા સ્ટાફને એક લાઈનમાં રાખી ઓનલાઈન ફોટો પાડી ઉપર મૂકવામાં આવ્યો. કયા શિક્ષકને કયા બ્લોકમાં મૂકવા એ માટેની ચિઠ્ઠીઓ ઉપાડવામાં આવી. દાનાભાઈએ ચિઠ્ઠી બતાવી મને કહે ; "જોતો રઘુ કયો બ્લોક છે ?" 16 (સોળ)નો આંકડો લખેલો ચિઠ્ઠી મારા હાથમાં ઊંધી આવી મેં કહ્યું ; "91 ( એકાણું )" બધા હસ્યા અને બોલ્યા ; "એટલા તો બ્લોકે નથી !" 

મેં સાહેબ સામે જોયું, સાહેબના ચહેરા પર નૂર ના લાગ્યું, બબડ્યા પરીક્ષાની ગંભીરતા સમજો. મેં હળવેક રહી બીજા મિત્રને કહ્યું ; "કાંઈ પરાણે થોડી પ્રિત થાય !" એણે મને સંભળાવ્યું ; "હાઈસ્કૂલમાં કયાં દકાળ પડ્યો તે અમને જોતર્યા !" 

દાનાબા કહે ; "દતાળીએ તણાય એટલા છે."

સાહેબે મનોમન વિચાર્યું અઘરી નોટો ભેગી થઈ ગઈ છે.

એટલામાં મેં ચિઠ્ઠી ઉપાડી 'બ્લોક નંબર વન' 

        બધાંને બ્લોક વાઈઝ સપ્લીમેન્ટરીઓ, બ્રાઉન કવર, ઓ.એમ.આર. સીટો, બારકોડ સ્ટીકર, સપ્લીમેન્ટરીને સીલ મારવાના નાના કવર, હિસાબી કવર, અને એટેન્ડન્ટસીટનો મોટો કાગળ આપ્યો. સૌ પોતાના વર્ગ તરફ ચાલ્યા. મેં પટાવાળામાંથી ક્લાર્ક બનેલા રાજુભાઈને કહ્યું ; "રાજુભાઈ બ્લોક નંબર વન કઈ બાજુ છે ?" એમણે હસીને કહ્યું ; "આઠ એચનો વર્ગ હતો એ યાદ છે ! એજ બ્લોક નંબર એક." 

       બ્લોક નંબર એકમાં આવ્યો. મારા શાળા સમયના દિવસો મારી સામે ખડા થઈ ગયા. આજે બ્લોક નંબર એક હતો એ મારા ધોરણ આઠનો વર્ગખંડ એચ હતો. મેં પહેલાં દરવાજા બહાર નજર કરી, જે લીમડાની સોટીયોએ ચિત્રના શિક્ષક શિવાભાઈ પ્રજાપતિ અને હિન્દીના પાંડવી સાહેબે માર્યા હતા એ લીમડાઓને નવુ મકાન ભરખી ગયું હતું. મારા એ વર્ગમાં જૂનું કંઇ હોય તો ખાલી ચામાચિડિયાંની લીંડીઓ, ઉપરનાં વિલાયતી નળિયાં અને વરણ હતું એ જ પણ નવા કલરથી રંગાયેલું, ખારવાળી ભીંતોએ નવાં ટાઇલ્સ રૂપી કપડાં પહેર્યાં હતાં. જાણે કોઈ ગ્રામીણ સ્ત્રી શહેરમાં જઈ ગાઉન પહેરેને વરવી લાગે એમ એ દિવાલો લાગતી હતી.

મેં વર્ગમાં વિદ્યાર્થીઓ જોયા નહી, હું બહાર આવી ગયો. દરવાજા પર કાગળમાં માર્કરપેનથી બ્લોક નંબર એક લખેલું જોઈ બ્લોક તો એજ એમ વિચારી ફરી અંદર આવ્યો. ત્રીજી પાટલીએ ફક્ત એક વિદ્યાર્થી બેઠો હતો. મેં એને સપ્લીમેન્ટરી અને ઓ.એમ.આર. સીટ આપી પૂછ્યું ; "બીજા વિદ્યાર્થીઓ નથી આ વર્ગમાં." તો એણે જવાબ આપ્યો ; "ના સર, એક હતો પણ એને આજે પેપર નથી એને એ ગ્રુપ છે મારે બી." મને એમ કે વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ હશે બધાની સહી કરતાં, હોલ ટિકિટમાં સહી કરતાં, સ્ટીકર લગાડતાં, એક્સ્ટ્રા પુરવણીઓ આપતાં, ત્રણ કલાક થઈ જશે. પણ મારે ભારતવર્ષ લોકડાઉનની સ્થિતિમાં છે. એના બે અઠવાડિયા પહેલાં લોકડાઉનમાં મૂકાવાનો વારો આવ્યો હતો.

      માનવની પ્રકૃતિ એવી છે. એને જો એકલું મૂકી દેવામાં આવે કે એક જગ્યાએ રોકી રાખવામાં આવે તો કંટાળી જાય છે. એને કેદથી વધારે કાંઈ લાગતું નથી. મેં પરીક્ષાર્થીને પૂછ્યું ; "તને એકલા ફાવે છે ?" એણે કાંઈ જવાબ આપ્યો નહીં. ચૌધરી સાહેબ આવી પેપર સેટ આપી ગયા. મને સૂચના આપી પેપર સેટ સીલબંધ છે એમ સી.સી.કેમેરાને બતાવી પરીક્ષાર્થીની કવર ઉપર સહી કરાવી પછી જ ખોલવાનું. ખૂણામાં સી.સી.કેમેરો અમારા બન્નેની ચોકી કરતો. એને મેં પેપર સેટ ઊંચો કરી બતાવ્યો. પરીક્ષાર્થીએ નિકુંજ એચ. મહેશ્વરી એવી સહી કરી. પછી પેપર આપવાનો ઘંટ વાગ્યો એટલે પેપર આપ્યું. મેં વિદ્યાર્થીની હોલ ટિકિટ જોઈ વાંચી એમાં સહી કરી. વિદ્યાર્થીને 'બેસ્ટ ઓફ લક' કહી કહ્યું ; "લખ મોજથી ભાઈ !"

       વિદ્યાર્થી પેપરના પાના ફેરવી વાંચતો હતો. મારી પાસે સાડા ત્રણ કલાકનો સમય હતો. ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો તોય સમય જતો રહે એકમાં કરવું શું ? એમાંય પાછો અડધો કલાક વધારાનો સમય દિવ્યાંગતાનો લાભ. મેં એનું નિરીક્ષણ કર્યું. એ રંગસૂત્રની ખામીગ્રસ્ત દિવ્યાંગ હતો. એનો રંગ એકદમ સફેદ બપોરના સૂર્યના કિરણ જેવો હતો. કાળું શર્ટ, ક્રિમ પેન્ટ, ગળામાં અને હાથમાં કાળો દોરો, કાળી પેન, કાળાં બૂટ, ઘડિયાળ પણ કાળી જ હતી. મારા અને એનામાં એક સમાનતા હતી, બ્રાઉન(ભુરા)વાળ ! એટલામાં આચાર્ય સાહેબ આવ્યા હું બેન્ચ પર પગ ચડાવી બેઠો હતો ઊભો થયો.

          સાહેબે મને કહ્યું ; "જૂઓ, આ પત્રક એકમાં ઓગણત્રીસ વિગતો છે. કેન્દ્ર નંબર 132, જૂનુ બિલ્ડિંગ, કેન્દ્ર શેઠ. કે. બી. હાઈસ્કૂલ, બારકોડ નંબર આ છાપેલ છે તે B210644 અહીંયાં પ્રશ્નપત્ર સેટ ક્રમાંક G/56 પશ્નપત્ર સિરિયલ નંબર 1209030, OMR પર છાપેલ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 01, બારકોડ સ્ટીકર પરનો જવાબવાહી નંબર B210644 પુરવણી નંબર નીલ , પુરવણી સંખ્યા એક, પરીક્ષાર્થીએ લખેલ પાનાંઓની સંખ્યા અને આ બધુ જ મટીરીયલ મળ્યા બદલની પરીક્ષાર્થીની સહી. સાહેબ પ્રાથમિક શાળાની પ્રાર્થનામાં વિદ્યાર્થી ગોખી લાવેલા ઘડિયા બોલે એમ ફટાફટ બોલતા હતા.

        હું ફકત, હા સર, હા સર કહ્યા કરતો હતો. સાહેબે ચાલુ જ રાખ્યું બ્રાઉન કવરમાં અને ગ્રીન કવરમાં OMR ની જૂઓ વિગતો લખેલી જ છે. ચૌદ ચૌદ જેટલી છે અને તમારે ટોટલ દસ જેટલી સહી કરવાની થશે. ઉતરવહીની કુલ સંખ્યા 1, વપરાયેલી પુરવણીની સંખ્યા 1 સ્થળ સંચાલકની સહી, ખંડ નિરીક્ષકનું પુરુ નામ, સહી અને તારીખ, ગેરહાજર પરીક્ષાર્થીઓના બેઠક નંબરની નોંઘ,ગેરહાજરના બારકોડ ચોટાડવાના, ગેરરીતિમાં પકડાયેલ પત્રકના નંબર, ઈમરજન્સી બારકોડ સ્ટીકર, વપરાયેલ બારકોડ સ્ટીકર, બધામાં નીલ, બ્લોકમાં ફાળવેલ વિદ્યાર્થીઓની હાજર સંખ્યા 1 , ગેરહાજર સંખ્યા નીલ, ખંડ, કેન્દ્ર, સ્કૉડ મેમ્બરની સહી, સમય-તારીખ, વિષય-જીવ વિજ્ઞાન, વિષય કોડ-056, અને આ નાનું સ્ટીકર GSHSEB પેપર લખાઈ જાય પછી ઉતરવહીને સીલ મારવા. આ બધુ જ ધ્યાનમાં રાખજો. "જી સર," મેં કહ્યું.

       સાહેબ ગયા મારે તો બધુ જ સુપરવિઝનનું કામ સાહેબની હાજરીમાં પુરુ થઈ ગયું. હું તો લોકડાઉનની સ્થિતિમાં આવી ગયો. વર્ગમાં ફરી મેં વર્ગની પાટલીઓ ઉપરની ધૂળ આઘી કરી જોઈ કયાંય અમારા અક્ષરો કોતરેલા દેખાય, પણ પાટલીઓ પણ નવી હતી. ડાફેરા માર્યા તો ચાર વીજળીના બલ્બનાં હોલ્ડર, ગણપતિની ધૂળ ચડેલી લાકડાની મૂર્તિ, ચુંટણીપંચનું અર્ધ ફાટેલું પોસ્ટર, સરસ્વતી માતાની છબી, પારસમણી ચાની એડવાળું રામ,લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનું કેલેન્ડર અને બીજુ ગજાનંદ ચાનું ગણપતિ, સરસ્વતી અને લક્ષ્મીજીના ફોટોવાળું આ બે જૂનાં કેલેન્ડરનાં પાનાં પુરાં થતાં ફોટા લટકતા હતા. પંખાના ખુલ્લા પીળા વાયર, બે પંખા વિનાના પંખા ગોઠવવાના સળિયા, બે પંખા, ચાર રેગ્યુલેટર, આઠ સ્વીચો, આચાર્યની સુચનાઓ સંભળાવતું સ્પીકર, ધૂળ ચડેલી પાટલીઓ, ધાતુની ઉખડેલી પટ્ટીયો વાળું ટેબલ, હાઈવે હોટલમાં ચાની લારી પર હોય એવું પ્લાસ્ટીકનું ગોળ સ્ટૂલ, વર્ગની ત્રણ બારીઓ, બે દરવાજા, દરવાજા બહારથી ઉડી આવતી ધૂળની ડમરીઓ, અને ઉપર ઈશાન ખૂણામાં કોરોના વાયરસ જેવો સી.સી. કેમેરો. બેસવું ય કેમ કરી ! ખુરશી પણ ન હતી. 

         દરવાજા પરથી મેદાનમાં શેરબાગની બાજુ ગોઠવેલી પાણીની પરબે મારી નજર ગઈ મને એ પરબે ઈંટો ભીડાવી ઉપર ચડી ઊંચા થઈ પાણી પીતા'તા એ દિવસો યાદ આવ્યા. હું પાણી પીતો હતો બે શહેરના છોકરા વાત કરતા હતા. આ એફ, જી, અને એચ એટલે ઠોઠિયાઓના વર્ગ. હું એચનો હોશિયાર પણ ઠોઠ વિદ્યાર્થી આવું એ દિવસે જાણવા મળેલું. એમની વાતો સાંભળી કે આપણા મકવાણા સાહેબ, અખાણી સાહેબ આ બધા અ,બ,ક ના વર્ગ શિક્ષકો એમના તાસ પણ લેતા નથી. અને વાતે સાચી એ સમયે અમ ગામડાના વિદ્યાર્થીઓને કયા પૂણ્યના પ્રતાપે એફ,જી કે એચ વર્ગો ફાળવતા એતો ઈશ્વર જાણે અને બીજા એ પક્ષપાતી શિક્ષકો. સુધરેલી પ્રજાની આવી રાજરમત હોય ! મને એ દિવસે પરબે જાણવા મળી. અમારે ગામડાવાળાઓ ને મન તો 'અ' ને 'એચ' બન્ને સરખા ! અમને ગામડાના વિદ્યાર્થીઓને એચ વર્ગમાં વરસો પહેલાં લોકડાઉન કરતા. પણ આજ આનંદ હતો, કે જે એચ વર્ગનો હું લોકડાઉન વિદ્યાર્થી હતો. 'એચ' વર્ગમાં એટલે કે બ્લોક વનમાં ધોરણ બાર સાયન્સ બાયોલોજીના પેપરમાં સુપરવિઝન કરતો હતો. વોર્નિંગ બેલ વાગ્યો મેં પરીક્ષાર્થીને પૂછ્યું ; "પુરવણી જોઈએ છે." એણે "ના..." આટલો ટૂંકો જવાબ વાળ્યો. મેં એના કુલ લખેલાં પાના ગણી નોંધ્યા અને બેલ વાગ્યો ટનટનટનનનન.


Rate this content
Log in