PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

જગજિતસિંઘ - અજિત ભાઈ ! કહાં હો તુમ ?

જગજિતસિંઘ - અજિત ભાઈ ! કહાં હો તુમ ?

3 mins
165


કોઇપણ વ્યક્તિ એ આપણને કોઇપણ તબક્કે મદદ કરી હોય તો તેને ભૂલવા જોઈએ નહીં. આને લગતો જગજીતસિંઘનો એક પ્રસંગ:

" કોણ ગાવાનું છે આ ગીત ?"

" તમે નહીં ઓળખો એમને. 

છે એક 'જગજિતસિંઘ' કરીને પંજાબી જુવાનડો !" 

" તારું આ બહુ મોટું દુઃખ છે, અજિત ! તું ગમે તેને પકડી લાવીને મારી સામે ઊભો કરી દે છે. 

શું નામ કહ્યું, જગજિતસિંઘ ? 

ક્યાંથી પકડી લાવ્યો એને ? વર્ષ 1967 માં મુંબઈ ના એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સંગીતકાર અજિત મર્ચંટ અને સાઉન્ડ રેકોર્ડિસ્ટ મીનુ કાત્રક વચ્ચેનો આ સંવાદ છે. જૂનાગઢના એક અભણ, પણ ધુની અને કલારસિક જીવ, શ્રી શિવલાલ તન્ના જે આમ તો કરિયાણાના વેપારી હતા, તેમણે ગુજરાતની ભવાઈકળા પર આધારિત 'બહુરૂપી ' નામની પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મનું નિર્માણ હાથ ધરેલ. એ ફિલ્મમાં વેણીભાઈ પુરોહિત લિખિત એક ગીત ' લાગી રામ ભજનની લગની' આ નવાસવા ગાયક તરીકે ઊભરી રહેલા પાઘડીધારી પંજાબી જુવાન જગજિતસિંઘ પાસે ગવડાવવાનું નક્કી કરેલું આ ફિલ્મના સંગીતકાર અજિત મર્ચંટે. 

 ઉક્ત રકઝકના અંતે અજિતભાઈના કહેવાથી જગજિતસિંઘને કોઈ સાજીંદા વગર આ ગીતનું મુખડું ગાવાનું કહેવામાં આવ્યું અને જગજિતસિંઘ નામના એ પાઘડીધારી જુવાનીયાએ પોતાના ઘેરા અવાજમાં ' લાગી...' શબ્દ સાથે જે સૂર લગાડયો એ સાંભળીને મીનુ કાત્રક તો સ્તબ્ધ થઈ ગયા ને બોલી ઊઠ્યા: " અજિત, આવો અવાજ આજ પહેલા સાંભળ્યો નથી ! "

રાજસ્થાનનાં શ્રીગંગાનગર ખાતેથી મુંબઈ ખાતે ગાયક તરીકે કારકિર્દી જમાવવા 25 વર્ષની ઉમરે 1965 માં મુંબઈ ખાતે પગ મૂકનાર જગજિતસિંઘના મખમલી અવાજને આપણા ' તારી આંખનો અફીણી' વાળા ગુજરાતી સંગીતકાર શ્રી અજિત મર્ચંટ કોઈક પ્રાઈવેટ બેઠકમાં સાંભળીને આફ્રિન થઈ ગયા ને પોતે જેમાં સંગીતકાર હતા તે ગુજરાતી ફિલ્મ 'બહુરૂપી' માં જગજિતસિંઘને વેણીભાઈ પુરોહિત લિખિત ઉક્ત ગીત ગાવાની તક આપી. આ ફિલ્મને સંગીત સહિતના સાતેક એવોર્ડ મળેલા.

-- આ પછી પણ અજિતભાઈએ જગજિતસિંઘને 'ધરતીનાં છોરું' ફિલ્મમાં વેણીભાઈ લિખિત યુગલગીત ' ઘનશ્યામ ગગનમાં' સુમન કલ્યાણપુર સાથે ગાવાની તક આપી.

જગજીતજી ગાયકીની અને કીર્તિની ટોચે પહોંચ્યા પછી પણ અજિતભાઈના આ ઉપકારને જીવનભર ભૂલ્યા નહીં.

એક મુલાકાત દરમ્યાન આ વાત કરતાં ભાવુક થઈને અજિત મર્ચંટ જણાવે છે :-- " જગજિતની તો વાત જ શું કરવી ? 2001 માં એકવાર અચાનક એમનો ફોન આવ્યો કે 'એક' સેવન સ્ટાર' હોટેલમાં ' માય લાઈફ સ્ટોરી ' વિશે મારો કાર્યક્રમ છે ને તમારે બંનેએ આવવાનું છે. અમે બંને તો ત્યાં પહોંચ્યાં. લગભગ ચારેક હજારનું ઓડિયન્સ, જેમાં મોટાભાગના ફિલ્મસ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને કલાકારો હતા."

---" જગજિતજીએ એક ગઝલ ગાઈને પોતાની' લાઈફ સ્ટોરી' વિશે વાત માંડતાં જણાવ્યું કે મુંબઈમાં મારા સંઘર્ષના એ કાળઝાળ દિવસો દરમ્યાન હું જ્યારે ગાયનક્ષેત્રે પા પા પગલી ભરતો હતો ત્યારે એક ગુજરાતી સંગીતકારે મારો હાથ પકડ્યો. અને આખ્ખા ફૂલ્લ ઓડિયન્સ વચ્ચે એમણે બૂમ પાડી : અજિત ભાઈ ! કહાં હો તુમ ? 

આ ગ્લેમરસ મહેફિલમાં અમે બંને સાવ છેવાડે બેઠેલ હતા. એમણે ફરી બૂમ પાડી એટલે મેં હાથ ઊંચો કર્યો તો સ્ટેજ પરથી નીચે ઊતરીને આવ્યા અને મારો હાથ પકડીને સ્ટેજની ઉપર લઈ ગયા ને મારું સન્માન કર્યું ને સ્ટેજ પર ઊભો રાખીને મને જગજિતસિંઘજી ભેટી પડ્યા ત્યારે અમારા બંનેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી ! " 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational