જાત સાથેની જંગ
જાત સાથેની જંગ


“આકાશ... આકાશ” થોડા ઊંચા અવાજ સાથે હિસ્ટ્રીનાં પંડ્યા સાહેબે કલાસમાં બૂમ પાડી.
“યસ યસ સર” ચોકી ગયેલા આકાશએ ઉભા થઈને જવાબ આપ્યો.
“પાણીપતના લડાઈની આખી કહાની સંભળાવ”
થોડીવાર અચકાયો અને આકાશે શરૂઆત કરી.
આકાશ 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ઘરથી દૂર સ્કૂલની હોસ્ટેલમાં જ રહેતો હતો. આકાશ થોડો અંતર્મુખી સ્વભાવનો હતો, આવડતું હોય બધું જ પણ બધાની વચ્ચે ન બોલી શકે, આત્મવિશ્વાસની થોડી કમી હતી. આ બધું પોતાને ખુદને પણ ખબર હતી. બોલવાને બદલે જો લખવાનું કહે તો સરસ મજાનું આલેખન કરીને નિબંધની જેમ પાણીપતના યુદ્ધને વણી લે, પરંતુ આ અંતર્મુખી સ્વભાવનો બંધ આકાશને નડતો હતો.
જયારે ક્લાસ ચાલતો હોય ત્યારે આકાશના ચહેરાનાં હાવભાવ પણ સાવ ફિક્કા રહેતા. મોટાભાગે તે પોતાનામાં જ ખોવાયેલો રહેતો હતો અને સર કે મેડમ આકાશને જ વધુ સવાલ પૂછતાં હતા.
“સર, પાણીપત પાણીપતની લ.. અ..” આકાશ હંમેશા આમ જ અચકાઈ જતો હતો.
“ડફોળ છે સાવ, એક કલાક લવારી કરી તો પણ કઈ ખબર ના પડી, બસ માત્ર પાણીપત પાણીપત શબ્દ જ યાદ રહ્યો” પંડ્યા સર બધાની વચ્ચે ખીજાયા. અને આખો ક્લાસ હસી પડ્યો.
આવું તો આકાશ જોડે રોજ થતું રહેતું. હોસ્ટેલ જાય એકલો એકલો રડ્યા કરે અને પોતાની જાત સામે અવાજ ઉઠાવે પણ કઈ જ ના કરી શકે.
આકાશનો એક સારો એવો દોસ્ત હતો મયુર, મયુર રૂમમાં પણ આકાશ સાથે રહે અને ક્લાસમાં પણ. આકાશની એકમાત્ર હિમ્મત હતી મયુરની દોસ્તી. માત્ર મયુરને જ ખબર હતી આકાશની આ તકલીફની. જો કે આકાશ બધી જ વાતો મયુરને કરતો હતો.
આકાશ પોતાની બધી વ્યથાને મયૂર સામે ઢોળી દેતો અને કયારેક ક્યારેક તો તે બંને આખી રાત હિસ્ટ્રીની વાતો કરવામાં કાઢી નાખતા હતા. બંનેના રસનો વિષય પણ એક જ હતો. મયુર ભલે ભણવામાં અને હિસ્ટ્રીના જ્ઞાનમાં આકાશ કરતા ઓછો ચડિયાતો પરંતુ ક્યારેય કોઈની સામે બોલવામાં અચકાતો ન હતો એટલે જ જયારે આકાશ, મયુરની સાથે હોય ત્યારે તેને કઈ બોલવાની જરૂર પડતી ન હતી. ન આવડે કે ન ખબર હોય તો પણ મયુરનો આત્મવિશ્વાસ ઓછો ન રહેતો હતો. સામેવાળો વ્યક્તિ મયૂરનો આત્મવિશ્વાસ જોઈને જ તેની વાતોમાં આવી જતો.
આખા ક્લાસને મળીને કઈ ફંકશન કે ઇવેન્ટ કરવાનું હોય તો બધા જ મયુરને આગળ કરી દેતા હતા. વાતચિત્ત કરવાની ઢબ, કોઈ વાતને સમર્થન અપાવવું, આ બધામાં માહિર હતો એ.
મયુર આકાશને પણ ખુબ મદદ કરતો હતો અને આકાશ પણ પોતાની જાત સાથે લડવામાં ખુબ મહેનત કરતો હતો. અરીસા સામે ઉભા રહીને, ચાર પાંચ ઓળખીતા લોકો સામે પોતાની વાત મુકતો પણ જ્યારે વધુ માણસોની સામે ઉભું થઈને બોલવાનું આવે ત્યારે તેનો આત્મવિશ્વાસ હવામાં ઉડી જતો હતો. બધા વિચારોના છોતરા ઉડી જતા હતા અને આખરે હસી-મજાકનો ભોગ બનવું પડતું હતું.
એક દિવસ 12માં ધોરણના વિદ્યાર્થીઓના કાઉન્સેલર અમિત ચૌહાણ સાહેબ ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ વિશે તથા આગળ ભવિષ્યમાં શું કરવાનો વિચાર છે તેના વિશે વાત કરવા આવ્યા.
આકાશ પણ અમિતસરના પ્રભાવથી ખાસ્સો એવો પ્રભાવિત હતો. સ્કૂલમાં કઈ પણ ફંકશન હોય કે ઇવેન્ટ સરના સંબોધન વિના એ અધૂરું ગણાય. તેમના બોલવાની છટા, વાતોમાંથી બીજી વાતો વણવાની કલા, તેમની વાણી પર સાક્ષાત સરસ્વતીનો વાસ હતો.
સર જેવા ક્લાસમાં પ્રવેશ્યા બધા છોકરાવએ ઉભા થઈને અભિવાદન કર્યું.
“ગુડ મોર્નિંગ સર” બધા વિદ્યાર્થીઓએ સાથે મળીને કહ્યું.
“ગુડ મોર્નિંગ મારા બચ્ચાઓ, કેમ છો?”
“મજામાં સર”
“કેવું ચાલે છે ભણવાનું? અભ્યાસક્રમ બરાબર ચાલે છે ને”
“યસ સર”
“ખુબ સરસ, સમય સર તૈયારી ચાલુ રાખજો હો ને દીકરાવ”
“ચાલો હવે આપણે બીજી વાતો કરવાની, આગળ શું કરવું છે તમારે અને તમારો મનપસંદ વિષય શું છે એ રોલ નંબર પ્રમાણે એક પછી એક તમારે મને કહેવાનું છે”
“ચાલો તો શરૂઆત કરીયે, રોલ નંબર-1”
એક..બે.. ત્રણ.. એમ નંબર પ્રમાણે ચાલુ થયો અને છેવટે આકાશનો વારો આવ્યો.
“સર મારુ નામ આકાશ પ્રજાપતિ અને મને હીસ્ટ્રી વિષય બહુ ગમે છે”
બધા છોકરાવ હસવા લાગ્યા, અમિતસરને આશ્ચર્ય થયું અને સરે બધાંને ચૂપ કરાવ્યા.
“કેમ હસવા લાગ્યા દોસ્તો”
છેલ્લી બેન્ચ પર બેસેલો વિકાસે કહ્યું કે “સર આકાશને પાણીપતની લડાઈની ખબર નથી અને હીસ્ટ્રી તેને ગમે છે”
“તો તેમાં હસવાની વાત નથી ને દિકરાઓ, શોખ છે એ જાણવાની અને માણવાની વસ્તુ છે, જરૂરી નથી કે યાદ રાખીયે માત્ર પરીક્ષા માટે યાદ રાખવું એ મુર્ખામીભર્યું કામ છે, આકાશ બોલી ના શક્યો તે આકાશનો પ્રોબ્લેમ છે હસવાને બદલે સાથ આપો, હિમ્મત આપો તેને”
“આકાશ બેટા તું મનમાં ન લેતો અને આજે સાંજે પ્રાર્થનાસભા બાદ મને મળજે હો ને”
“જી સર”
……………….
સાંજ પડી, આકાશ અને મયુર બંને અમિત સરને મળવા ગયા.
“મયુર બેટા તું રમી લે થોડીવાર, તને બોલાવું હું થોડીવાર પછી”
“સર રહેવા દો ને, આમ પણ મયુરને બધી ખબર છે મારી” આકાશએ અમિત સરને કહ્યું.
“હા પણ હવે તારે મને કહેવાનું છે, ઝીંદગીમાં હંમેશા મયુર સાથે હશે એ જરૂરી તો નથી ને”
મયુર રમવા ચાલ્યો ગયો અને અમિતસરે આકાશને બેસાડ્યો.
“ક્લાસની વાતનું કઈ મનમાં નથી ને બેટા”
“ના ના સર”
“સરસ, તો કેમ ગભરાય છે બધા વચ્ચે બોલતા”
“સર નથી આત્મવિશ્વાસ, નથી બોલી શકતો હું, લખવાનું કહે એ કોઈ વિષય પર તો સારી રીતે લખી શકું”
“જો બેટા, જેટલું લખવું જરૂરી છે તેટલું બોલવું અને ખુદને સજા આપવા કરતા તારી લાગણીઓને વ્યક્ત કર, કોઈ શું કહેશે એ ના જો, ગઈકાલ કરતા આજે વધુ શીખ અને આજ કરતા આવતીકાલે શું કરીશ એ વિચાર, લોકોને જોઈને ગભરામણ થતી હોય તો આંખો બંધ કરીને બોલ, એ લોકોના હસવા ઉપર ધ્યાન ન આપ, ધીમે ધીમે વધુ સરખું થઇ જશે અને આમ જ આત્મવિશ્વાસ આવશે”
બસ ત્યાર પછી આકાશની જાત સાથેની જંગ શરુ થઇ ગઈ. સ્કુલમાં જે સ્પર્ધામાં બોલવાનું આવે કે કઈ વ્યકત કરવાનું આવે તે બઘી સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યો.
શરૂઆતમાં અચકાયો, નીચે પડ્યો, એકલું રડવું પણ પડ્યું, સ્કૂલની એક પણ સ્પર્ધામાં સારું ના કરી શક્યો પણ એમાંથી શીખ્યો, પણ છવટે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યોં. ત્રણ ચાર મહિનામાં તો તે સાવ બદલાઈ ગયો. જાણે પહેલાનો આકાશ હતો જ નહી. આ બધું મયુર અને અમિતસર નિરીક્ષણ કરતા હતા અને આ બદલાવની પાછળ એ બંનેનો મોટો હાથ હતો.
એક દિવસ અમિત સરે પોતાની કૅબિનમાં આકાશને બોલાવ્યો અને કહ્યું.“આકાશ, તારે મારી સાથે આપણી સ્કૂલનું વાર્ષિક સમારોહનો કાર્યક્રમ હોસ્ટ કરવાનો છે”
આકાશ કલ્પના ન કરી શકતો હતો કે આજથી છ મહિના પહેલા તેને આવું વિચાર્યું પણ હશે.
વાર્ષિક સમારોહનો દિવસ આવ્યો પોતાના માનીતા સર સાથે સંબોધન કાર્યની શરૂઆત કરી.
“વેલકમ દોસ્તો” અને બધાનો તાળીયોનો ગડગડાટ શરુ થઇ ગયો.
અને આ આકાશની પોતાના જાત સાથેના જંગમાં થયેલી જીત હતી.