જાન છે તો જહાન છે
જાન છે તો જહાન છે
આ કારખાનું જુઓ છો તમે. આ પ્રિન્ટીંગપ્રેસ છે. સવાર સવારમાં ગરમ ચાની ચુસ્કી માણતા માણતા સમાચાર પત્રના જે હૂંફાળા પાના વાંચવાનું આપને વ્યસન છે, એ સમાચાર પત્ર આજ કારખાનામાં છપાય છે. આ મોટું પ્રિન્ટિંગ મશીન કાગળની ઉપર દેશ - વિદેશની જાણકારીઓ, જાહેરાતો, સાહિત્ય અને અહેવાલોને પ્રિન્ટીંગની શાહી દ્વારા હંમેશ માટે, હા,પર્મનન્ટલી કાગળ અંદર ઉતારી નાંખે છે. જ્યાં સુધી આ સમાચાર પત્ર જીવતું રહે છે ત્યાં સુધી આ શાહી ને કાગળથી છૂટી કરવી અશક્ય બની જાય છે. જયારે એનું જીવન સમાપ્ત થાય છે એ સમાચારપત્ર અન્ય વપરાયેલા પુઠ્ઠા, કાર્ડબોર્ડ જોડે રિસાયકલ પ્રક્રિયા માટે મોકલાવી દેવાય છે અને ફરીથી એ પ્રક્રિયા થકી એક અન્ય સમાચારપત્ર જન્મે છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયા દરમિયાન અન્ય ઘણી સૂક્ષ્મ ધાતુઓ પણ કાગળમાં ભળી જતી હોય છે.
હવે આ તરફ આવો. હું તમને પ્રિન્ટિંગ માટે વપરાતી શાહી બતાવું. સમાચારપત્રના પાનાઓ ઉપર જે રંગબેરંગી માહિતીઓનો સ્ત્રોત તમે નરી આંખે નિહાળો છે, એ માહિતીઓ ઉપસાવવા માટે વપરાતી આ પ્રિન્ટિંગ ઈંક નુકસાનકારક રંગો, પિગમેન્ટ્સ, બાઇન્ડર્સ, એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે.
હવે જે વાર્તા આપ વાંચવા જઈ રહ્યા છો એ માટે આટલું પૂર્વજ્ઞાન ફરજીયાત છે.
તો હવે વાર્તા શરૂ કરીએ.
આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી અસંખ્ય સમાચારપત્ર જોડે એક સમાચારપત્ર બહાર નીકળ્યું. એ સીધુજ શહેરની જાણીતી બેન્કના એક ટેબલ પર આવી ગોઠવાયું. એના હૂંફાળા પાનાઓના પ્રેમમાં પડી અગણિત હાથો એને આગળથી પાછળ સુધી દરેક જગ્યાએ સ્પર્શ્યા. એમાંથી કેટલાક હાથ અત્યંત સ્વચ્છ, કીડાણુંનાશક સાબુ વડે ધોવાયેલા હતા. પણ મોટાભાગના હાથની તો વાત જ જવા દો. આપ સમજીજ ગયા હશો. છૂપા કીટાણુઓ થી ભરપૂર હાથો વડે સ્પર્શ પામતા પામતા આખો દિવસ બેન્કના એ ટેબલ ઉપર પડ્યું સમાચારપત્ર કિટાળુઓનું નવું ઘર બની ગયું.
એ સાંજે બેન્ક બંધ થવાના સમયે એક કર્મચારીએ સમાચારપત્રને બેન્કના એક અંધકારભર્યા ખૂણામાં સ્થાપિત સ્ટોરરૂમમાં એના જેવાજ અન્ય જૂની તિથિઓ ધરાવતા સમાચારપત્ર ભેગું પટકી દીધું.
આખી રાત્રી એ અંધકાર ભરેલા ઓરડામાં નાનકડા જીવડાઓ, કીડા, મંકોડા,વાંદાઓ, ગરોળીઓ આમથી તેમ ફરતા રહ્યા. એમના શરીર ઉપર દરેક તરફથી ચોંટેલા અને નરી આંખે ન ચઢનાર કચરા, ગંદગી, મળ, મૂત્ર, સૂક્ષ્મ જીવાતો, થુંક, લાળ એમના હલનચલન જોડે સમાચારપત્ર ઉપર ભેગા થતા ગયા.
એ સમાચારપત્ર અહીં અંધકારભર્યા ઓરડામાં ઘણા દિવસો સુધી પૂરાઈ રહ્યું.
પછી એક દિવસ યોગ્ય માત્રામાં એકઠા થઇ ચૂકેલા સમાચારપત્રોના એક મોટા જથ્થા જોડે પસ્તીની દુકાન ઉપર એ પહોંચી ગયું. અહીં એમને ત્રાજવામાં માપસર તોલી કિંમત દઈ ખરીદી લેવામાં આવ્યા.
પસ્તીની એ દુકાન પર સમાચારપત્ર હજી થોડા દિવસ રહ્યું. રાત્રીના અંધકારમાં જયારે માનવ હલનચલનની ગેરહાજરી રહેતી ત્યારે અહીં પણ જીવડાઓ, ગરોળીઓ, વાંદાઓ અને સૂક્ષ્મ જીવાતોનો ઉપદ્રવ એના શરીરને સહેવો પડતો.
આખરે એક દિવસ એક શેઠ એને અન્ય સમાચારપત્રો જોડે પસ્તીની દુકાનેથી ખરીદી ઘર લઈ આવ્યા.
બીજે દિવસે શેઠની તબિયત લથડી. ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઘેરાયેલા શેઠને એ દિવસે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ફરીથી એમને વોમિટ અને ડાયેરિયાની સમસ્યા સર્જાઈ.
ફુડપોઇઝનીંગ જેવું દેખાઈ રહ્યું હતું. ડોકટરના મત જોડે કુટુંબના સભ્યોને સહમત થવું મુશ્કેલ લાગ્યું. શેઠ બહારનું જમણ કદી લેતાજ ન હતા. કામ પર જાય ત્યારે પણ ઘરેથીજ બધું જમણ આવતું. તો પછી આમ... ?
દિવસો વીતતા ગયા. પણ શેઠની તબિયતમાં કોઈ સુધારોજ ન હતો. આખરે તબીબોએ એક પછી એક ટેસ્ટ ની લાંબી યાદી આરંભી. લાંબા સંશોધનને અંતે જાણવા મળ્યું કે શેઠને કેન્સર હતું.
થોડા મહિનાઓ પછી શેઠ અવસાન પામ્યા.
પણ આજે પણ શેઠનું પરિવાર એ રહસ્ય કળી શક્યું નથી. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે આટઆટલી જાગૃતતા રાખવા છતાં, બેલેન્સ હાઈજેનીક ડાઈટ લેવા છતાં શેઠની પાચનશક્તિ એ આમ કઈ રીતે એમનો સાથ છોડી દીધો ?
પેલું સમાચારપત્ર હવે શેઠના ઘરમાં નથી. એ તો ક્યારનું વપરાશમાં આવી કચરાપેટી ભેગું થઇ ગયું. ત્યાંથી એ રિસાયકલ ફેકટરીમાં પહોંચ્યું અને ફરીથી નવું સમાચારપત્ર બની અન્ય ઘરની પસ્તીમાં રાહ જોતું બેઠું છે.
એ શેઠના મૃત્યુનું રહસ્ય જાણે છે !
જો એ બોલી શકતું હોત તો જરૂર બોલ્યું હોત એ માનવ, મારો વપરાશ ગમે તે કામ માટે કરો. પણ મહેરબાની કરી તમારા ગરમ, તાજા, પોષ્ટીક, ગુણવત્તાયુક્ત ભોજનને મારા શરીરથી લપેટી ઝહેર ન બનાવો.
જેમ શેઠના ઘરે વર્ષોથી થતું હતું.
એ ગરમ ભોજન જયારે મારા શરીરને અડકે છે ત્યારે મારા શરીરમાં હાજર પ્રિન્ટિંગ ઈંક એ ગરમ ભોજનમાં ઊંડી ઉતરી જાય છે. એ શાહીમાં હાજર નુકશાનકારક રંગો, પિગ્મેન્ટ્સ, બાઈન્ડર્સ, એડિટિવ્સ તેમજ પ્રિઝર્વેટિવ્સ ભોજન સાથે ભળી સીધા શરીરમાં ઉતરે છે. જો એ નિયમિત શરીરમાં પ્રવેશે તો કેન્સર જેવી પ્રાણઘાતક માંદગીઓ નોતરે છે. બાળકો, વૃધ્ધો અને નબળા શારીરિક અંગો ધરાવતા માનવીઓ માટે તો એ બહુજ ખતરનાક છે.
એ સિવાય મારા શરીરમાં વાતાવરણમાંથી ભેગું થતું પ્રદુષણ પણ તમારા ભોજન જોડે ભળી જો શરીરમાં ઉતરે તો વોમિટ, ડાયેરિયા, ફુડપોઇઝનીંગ, પાચનસંબંધી અનેક સમસ્યાઓ ઊભી કરે છે.
મને વાંચો. ભલે સાફસફાઈના કામમાં લો. મારી પ્રિન્ટિંગ ઈંક વડે ભલે તમારા કાચ કે અરીસાઓ ચમકાવો. પણ હું હાથ જોડી વિનંતી કરું છું, મને ફૂડ રેપર ન બનાવો. એ માટે વિશિષ્ટ સ્વરૂપે તૈયાર થતા સાફ હાઈજેનીક પ્રોડક્ટ વાપરો. થોડા પૈસા બચાવવા જીવ જોખમે ન મૂકો.
આખરે જાન છે તો જહાન છે.
