જાગ્યા ત્યાંથી સવાર
જાગ્યા ત્યાંથી સવાર
ડૉ વિષ્ણુપ્રસાદ શહેરના ખ્યાતનામ ડોક્ટર. ખૂબ ઊંચું નામ અને કામ પણ ચોક્કસ. ગંભીર બિમારીનો ઈલાજ કરવામાં બીજા ડોકટરો હાથ ઊંચા કરી દે ત્યારે તેમનું નામ સૂચવાતું. દર્દીની અપેક્ષા પર ખરા પણ ઉતરતા. એમના ઘણા દર્દીઓ જીવલેણ બીમારીમાંથી ઊભા થયાના દાખલા છે.
હવે ડૉ વિષ્ણુપ્રસાદ સાઈઠ વરસની ઉંમરે સેવાનિવૃત્તિ લઈને પોતાનું શેષ જીવન સામાજિક પ્રવૃત્તિમાં વિતાવતા. રોજ સાંજે ઘર પાસે આવેલા બગીચામાં લટાર મારવા જવું એ એમનો નિયમ. રોજ ત્યાં સમવયસ્ક મિત્રોની મહેફિલ જામે.
"આજે કાનજીભાઈ કેમ નથી આવ્યા ?" ગોપાલકાકાએ પૂછ્યું.
"અલ્યા, તને ખબર છે ?. . કાલે એના દીકરાનો દીકરો ચિરાગ મરતા મરતા બચ્યો છે. . " કાનજીકાકાની પડોશમાં જ રહેતા વિઠ્ઠલકાકાએ સમાચાર આપતા કહ્યું.
"શું થયું ?" જીવણભાઈ બોલ્યા.
"કાલે કાનજીનો પૌત્ર કોઈ સ્પર્ધામાં પ્રથમ આવ્યો અને ઉજવણી કરવા મિત્રો સાથે બાઈક લઈને નીકળેલો. . મસ્તીમાં બાઈક પુરપાટ ચલાવ્યું ને સામે છેડે ટ્રક આવતી હતી એની સાથે અથડાયો. . ખૂબ ગંભીર રીતે ઘવાયો છે. . પણ નસીબજોગ બચી ગયો. . " વિઠ્ઠલકાકાએ વિસ્તારથી ખબર આપતા કહ્યું.
નક્કી કર્યા મુજબ બધા મિત્રો કાનજીભાઈના ઘરે એમના પૌત્રની ખબર જોવા ગયા. બધામાં ડૉ વિષ્ણુપ્રસાદ પણ હતા. છોકરો ખરેખર મોતને હાથતાળી દઈને આવ્યો હતો. હવે ભાનમાં હતો એટલે એક હાશકારો હતો. પણ ડૉ વિષ્ણુપ્રસાદના મનમાં એને મળ્યા પછી કંઈક ગડમથલ ચાલી રહી હતી. લોકોના ચહેરા વાંચવાનો એમને વર્ષોનો અનુભવ. એથી છોકરાના મનોભાવ તરત કળી ગયા. હમણાં કોઈની સાથે એ અંગે ચર્ચા કરવાનું ટાળ્યું.
થોડા દિવસ પછી જ્યારે ચિરાગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો ત્યારે ડૉ વિષ્ણુપ્રસાદ એને મળ્યા ને સીધેસીધું પૂછી લીધું.
"જો દીકરા ! વાતને ગોળગોળ ફેરવતા મને નહીં ફાવે એટલે સીધું જ પુછું છું. . એવું શું બન્યું'તું કે તેં. .તારા મિત્રોએ જણાવ્યા મુજબ બાઈક પર તું એકલો જ હતો. . રોડ પર એટલો ટ્રાફિક પણ ન'તો. . ને બાઈકની બ્રેક ફેલ પણ ન'તી. . "
પોતાનો ભેદ ખુલી ગયો હોય એમ ચિરાગ નીચું જોઈને બેસી રહ્યો. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ડૉ વિષ્ણુપ્રસાદે એને પાણી પાયું. થોડો સ્વસ્થ થતા એણે વાત શરૂ કરી.
"અંકલ ! તમારું અનુમાન સાચું છે. . થોડા સમય પહેલાં 'વિદેશ જઈને કમાવાની સુવર્ણ તક'ની જાહેરાત સોશિયલ મીડિયા પર હતી. . મને પણ વિદેશમાં જોબ કરવાની ઈચ્છા હતી. . ઘરે વાત કરતા બધાએ વિરોધ કરેલો. પણ આવી તક મારે ગુમાવવી ન'તી. એટલે સંસ્થા દ્વારા આયોજિત પ્રવેશ સ્પર્ધામાં મેં ભાગ લીધેલ. . અને એમાં હું પ્રથમ પણ આવેલો. પછી એ લોકોએ મને વિદેશ મોકલવા માટે અમુક રકમ એડવાન્સ માંગી. . મેં ઘરમાં કોઈને જણાવ્યા વગર મારા મિત્રો પાસેથી ઉછીના લઈને ઓનલાઈન ડિપોઝિટ કરાવ્યા. જ્યારે હું આપેલ સરનામે રૂબરૂ તપાસ કરવા ગયો ત્યારે ત્યાં કોઈ ઓફીસ ન હતી. મને ઠગાઈ ગયાનો અહેસાસ થયો ને આંખે અંધારા આવી ગયા. ઘરે જાણ થશે તો શું થશે ?. . એ વિચાર મને સતાવવા લાગ્યો. . વિચારોમાં બાઈક ચલાવતો હતો ને એક્સિડન્ટ થઈ ગયો. . "
"જો બેટા ! પહેલાં તો તારે તારું લક્ષ્ય નક્કી કરીને શૈક્ષણિક યોગ્યતા પર ધ્યાન દેવું જોઈએ. . વિદેશ જઈને તારે શું કરવું છે એ નક્કી કર. . પહેલા જાતે મક્કમ બન પછી તારા પિતાજીને સહમત કર. . બાકી આવા લેભાગુઓ તો ડગલે ને પગલે મળશે. . કોઈની વાત પર ભરોસો મૂકીને પૈસાની લેવડદેવડ ન કરાય. . અને જે નુકસાન થઈ ચૂક્યું છે એની ભરપાઈ કરવા યોગ્ય રસ્તો વિચાર. . અને હા. . મારી પર ભરોસો રાખજે. . જ્યાં સુધી તું જાતે જ નહીં જણાવે ત્યાં સુધી હું આ અંગે કોઈને કશું પણ નહીં કહું. . મારી જરૂર હોય ત્યારે તું નિઃસંકોચ મને કહેજે. . "
ડૉ વિષ્ણુપ્રસાદની પ્રેમાળ અને હૂંફભરી વાણીથી ચિરાગને નવી હિંમત મળી. . અને પોતે પોતાના ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરશે એવા વચન સાથે એક નવો ચિરાગ ડૉ વિષ્ણુપ્રસાદના આંગણેથી આત્મવિશ્વાસથી ડગ ભરી રહ્યો હતો.
