જાદુઈ ઉકેલ
જાદુઈ ઉકેલ
વિશાલને રાખડી બાંધીને અમી ભાઇ સાથે બાળપણના સંસ્મરણો વાગોળતી હતી. તેમની માતા, સંધ્યા, રોજરોજ ખાનામાંથી વાસણ કાઢતી, અભરાઇએ ડબ્બા ગોઠવતી. અમીને લાગતું મા ઘર-ઘર રમતી'તી! ઘરના દરેક સભ્યની કાળજી લેવામાં મા ઘડિયાળના કાંટા સાથે સ્પર્ધા કરતી. ક્ષણે ક્ષણ સ્નેહના રંગોની રંગોળી શોભાવતી. વિશાલને યાદ હતું ચાવીવાળું રમકડું... મા પણ દિવસ આખો સતત એમજ ચાલ્યા કરતી! વળી, જીદ કરતાં રાત્રે વાર્તા પણ સંભળાવતી.
અમી ૭ મી માં આવતા સમજવા માંડી હતી કે મા પોતાની ઇચ્છાઓને જાણે ખીંટીએ લટકાવતી. સ્વપ્નોને ટૂંકા કાપી દઇ ઘરના લાંબા પડદા સજાવતી. થાકીને પરસેવા લૂછવાના બહાને શીશ દબાવતી. મહેમાન શું પિતા, ગગન, પૂછે તો પણ અશ્રુ લપાવતી. અમી જોયા કરતી... વિચારતી, 'મા આવું કેમ કરતી?'
વિશાલ કૉલેજમાં આવીને મિત્રો સાથ
ે ખૂબ આનંદમાં રહેતો. મા ને તેના મિત્રો વિશે પૂછતો પણ ખરો... સંધ્યા કહેતી, 'તમે બધાજ મારા મિત્રો!' મા પોતાના મોજશોખ, મિત્રોને હસીને ડીંગો દેખાડતી. ગગન સાથે 'વૉક' પર (ચાલવા) જવાને બદલે કહેતી, 'આ રસોડામાં બધી કસરત થઈ જાય છે.' ક્યારેય ફરિયાદ શબ્દને યાદ ન કરતી. અમી વિચારતી, 'મા કેમ આવું કરતી?'
એક દિવસ અમીએ મનમાં નક્કી કર્યું અને દાદી સાથે વાત કરી મા માટે કૅનવાસ, બ્રશ અને ઘણા બધાં રંગ લઇ આવી. થોડા જ સમયમાં સંધ્યા સુંદર ચિત્રો બનાવતી થઇ ગઇ.
સ્મરણકુંજની સુવાસ લઈને સંતોષભર્યા સ્મિત સાથે અમી અને વિશાલે એકમેક સામે જોયું. ત્યાંજ વિશાલની ૬વર્ષ ની દિકરી ધ્વનિ બોલી, "અમીફીયા, દાદીના પૅઇન્ટીંગ એક્ઝીબીશન પછી મોટા દાદી માટે કલૅ (clay) લેવા જઇશું? હું એમને નાના-નાના દીવા બનાવતાં શીખવાડીશ!"