જાદુઈ ચિરાગ અને હું
જાદુઈ ચિરાગ અને હું
છ મહિના પહેલાની વાત છે. અમે બાળપણના મિત્રોએ ઐતિહાસિક સ્થળોએ ફરવાં જવાનું આયોજન કર્યું હતું. નવાં ગીતો તથા જૂની યાદોને વાગોળતાં અમે પાંચ મિત્રો ગાડીમાં ધીંગામસ્તી કરતા હતાં.
"અરે ! યાર નાનાં હતા ત્યારે કેટલી મજા આવતી હતી ! ના કોઈ ટેન્શન, ના કોઈ જવાબદારી !ભણવાની મજા, રમવાની મજા, ક્યારેક મમ્મી, પપ્પા,અને શિક્ષકના હાથે માર ખાવાની પણ મજા !"
રિતેશ તને યાદ છે ? આપણે નાનાં હતા ત્યારે રવિવારે રંગોળી આવતી હતી.વળી, ચિત્રહાર, વિક્રમ વેતાળ ,અલીફ લૈલા, શકિતમાન અને કયારેક આવતા ફિલ્મો જોવાની કેવી મજા આવતી હતી ! આશિષે બાળપણમાં જોયેલા ધારાવાહિકોની બીજા મિત્રોને યાદ અપાવી.
ચાર કલાકની મુસાફરી બાદ અમારી ગાડી જાણે કે થાકી ગઈ હોય એમ થોડી અટકીઅટકીને ચાલવા લાગી. વળી, થોડા આગળ જતા અમારી ગાડીમાં પંકચર પડ્યું.
"અરે યાર ! નજીકમાં તો કોઈ પંકચર રીપેર કરનાર પણ નથી દેખાતું. રિતેશે મુંઝવણ જણાવતાં કહયું.
છેવટે ,બે મિત્રો લિફ્ટ માંગીને પંક્ચર બનાવનારને શોધવા ગયા. જ્યારે હું, રિતેશ અને તપન આજુબાજુના વિસ્તારમાં ફરવાં નીકળ્યા.
અચાનક અમારી નજર એક ખંડેર જેવી ગુફા પર પડી. ઇતિહાસ અને મનોવિજ્ઞાનના રસિકો એવાં અમે એ ગુફાનું નિરીક્ષણ કરવા એ ગુફામાં પહોંચી ગયાં. ગુફામાં અમને ઘણી બધી પ્રાચીન વસ્તુઓ જર્જરિત હાલતમાં જોવા મળી. ખૂણામાં નજર કરતા મને અલાદિનના ચિરાગ જેવું કંઈક મળી આવ્યું. રિતેશ તથા તપને મને ત્યાં કંઈ પણ અડવાની ના પાડી, પરંતુ મને ચિરાગ ખૂબ જ ગમી ગયો એટલે એ બંનેની નજર ચુકાવી મેં ચિરાગ બેગમાં મૂકી દીધો.
મનમાં થતું હતું શું આ ચિરાગમાંથી પણ કોઈ જીન નીકળશે ? ક્યારે આ ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ થાય અને હું મારા ઘરે જઈને આ ચિરાગને ઘસું.બસ,એવી ઈચ્છા થતી હતી.
ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધા બાદ ત્રીજા દિવસે રાત્રે અગિયાર વાગ્યે હું મારા ઘરે પહોંચ્યો. રાત્રે એકાંતમાં બેસીને એ ચિરાગને સાફ કરી, ભગવાનનું નામ લઈ, ચિરાગમાંથી મને મદદ કરનાર જીની બહાર આવશે જ એવી આશા સાથે મેં જેવો ચિરાગને ઘસવાનો પ્રયત્ન કર્યો કે એમાંથી એક ખુબ જ સુંદર જીની બહાર આવી અને મને કહેવા લાગી,
" ક્યાં હુકુમ મેરે આ..કા.. ?"
હું તો આવી સુંદર જીનીને જોતો જ રહ્યો.મને થયું શું ખરેખર આ જીની આપણી ઇચ્છા પુરી કરશે ?
મેં કહ્યું, "જીની કાલનો દિવસ મારો સારો રહે એવું કંઈક કરજે."
મારા આશ્ચર્ય વચ્ચે મારો બીજો દિવસ ખૂબ જ સારો રહ્યો તથા મારા મિત્ર વર્તુળમાં પણ મારો ખૂબ જ સારો પ્રભાવ પડ્યો. બીજા દિવસે મેં જીનીને કહ્યું કે, "કંઈક એવું કર કે મને નોકરીમાં પ્રગતિ મળે." અને મારા આશ્ચર્ય વચ્ચે થોડાક જ દિવસમાં મારા સરે મારા પ્રમોશનની વાત મને કહી. હું તો ખૂબ ખુશ ખુશ થઈ ગયો !
મનમાં હંમેશા હકારાત્મક વિચારો આવવા લાગ્યા મને થયું કે જીની મારી સાથે છે એટલે ચોક્કસ મારા દરેક કાર્ય સફળ થશે. થોડા જ મહિનામાં મેં નવી ગાડી તથા એક ઘર પણ નોંધાવી લીધું. જાદુઈ ચિરાગમાંથી નીકળતો જીન મને મદદ કરે છે તો મારે પણ હવે બીજાને મદદ કરવી જોઈએ. આવું ,વિચારી હું ઘણી બધી સેવાકીય સંસ્થાઓમાં જોડાઈને સૌની મદદ કરવા લાગ્યો.
રોજ રાતે હું ખુશી ખુશી જીનીને એક ઇચ્છા કહેતો અને થોડા જ સમયમાં એ જાદુઈ જીન "જો હૂકૂમ મેરે આ..કા.. " કહી મારી દરેક ઈચ્છાને પૂરી કરતો. થોડા જ મહિનાઓમાં તો જાણે કે મારું નામ સફળ વ્યક્તિઓની યાદીમાં આવી ગયું.
એક દિવસ રિતેશ અને તપન મારી આ ખૂબ જ ઝડપી સફળતાનું રહસ્ય જાણવા મારા ઘરે આવ્યા.બંન્ને મારા અંગત મિત્રો હતા અેટલે મેં જાદુઈ ચિરાગની કરામત કહી. મારા બંને મિત્રોને મારી વાત પર વિશ્વાસ ન આવતા તેમણે તેમની હાજરીમાં આ ચિરાગ ઘસવાની તથા જાદુઈ જીની બહાર કાઢવાની વાત કરી. મેં ચિરાગ ધસ્યો પરંતુ ખબર નહીં કેમ આજે જીની બહાર ન આવી. રિતેશ અને તપન સાથે મેં આટલા મહિનામાં જાદૂઈ ચિરાગ તથા જીની સાથે થયેલી દરેક વાતની ચર્ચા કરી.
રિતેશે મને કહયું, "મિત્ર આ ચમત્કાર ચિરાગનો કે કોઈ જીનનો નથી પણ તારા મનની શકિતનો છે. તને હંમેશા એવું લાગતું રહયું કે કોઈ અદશ્ય શકિત તને મદદ કરી રહી છે એટલે તું હંમેશા હકારાત્મક વિચારો કરતો.તારા આત્મવિશ્વાસમાં વધારો થવાથી તને ઝડપથી સફળતા મળી. વળી, તે બીજાની સેવાના કાર્યો પણ ચાલુ કર્યા એટલે સમાજમાં તારી પ્રતિષ્ઠા વધી.
મિત્રો યાદ રાખો કે, આપણા સૌની સાથે પણ આંતરિક, ઈશ્વરીય શકિતવાળો જીન હંમેશા હોય છે. ફકત જરૂર છે અેને ઓળખવાની ! આપણા દરેક સારા અને સમાજઉપયોગી કાર્યો માટે એ હંમેશા કહેશે, "જો હુકમ મેરે આ.. કા.. "
મને નથી ખબર કે એ ચિરાગ,એ જીની, સાચા હતાં કે મારા મનની કોઈ ભ્રમણા ! પણ હા.. ! હવે હું દરેક કાર્યો માટે મારા મનરૂપી જીનીને પૂછું છું. મારા મનની હકારાત્મક ઉર્જા મારા દરેક કાર્યોને સફળ બનાવે છે અને હંમેશા મને કહે છે. "જો હુકુમ મેરે આ..કા.. !"
