Tejas Shah

Drama Fantasy Tragedy

3  

Tejas Shah

Drama Fantasy Tragedy

ઇંતેઝાર

ઇંતેઝાર

5 mins
7.5K


સાંજનો સમય આમ પણ બોઝિલ હોય છે, ખાસ કરી ને વાતાવરણમાં પ્રિલીમ પરિક્ષા નો બોજ હોય, અને સાયન્સ કોલેજના કેમ્પસમાં આ બોજ બેવડાઈ જતો હોય. એક તો પરિક્ષા ચાલુ અને એજ સમયે જર્નલ્સ કમ્પ્લીટ કરીને આપવાની હોય. જો સમયસર એટલે કે પ્રોફેસર્સે આપેલી નિયત તારીખે જર્નલ્સ ના પહોંચાડ્યા તો........

કોઈ આસમાન નથી તૂટી પડતું કારણ સામાન્યપણે પ્રિલિમ્સ અને ફાઈનલ્સ વચ્ચે કમસેકમ એક મહીનો હોય છે જર્નલ્સ તપાસી અને સર્ટિફાઈ કરવા માટે, પણ પ્રોફેસર્સ માટે તો આ એક જ મોકો હોય છે એમની દાઝ, ખીજ કાઢવાનો અને પોતાની મહત્તા બતાવી દેવાનો.

હેમંતનાં અંત અને વસંતની શરૂઆત હોય એટલે કુદરત તો સોળે કળાએ ખુલી હોય પણ જો કેમ્પસ સાયન્સ કોલેજનું હોય તો જેને કવિતા કે રોમાંસ સુઝે તો સમજી જવાનું કે ભાઈ જર્નલ્સ સબમિટ કરી ચુક્યા છે અને સ્ટડી માટે યા તો બેફીકર છે યા પછી બધી રીતે બ્રીલીઅંટ છે. પણ સાયન્સમાં બ્રીલીઅંટ હોય એને આ કુદરત, ને વસંત, ને વસંતનો રોમાંસ સુઝે ખરો? જો એ સામાન્ય હોય તો નહિ જ પણ ક્યારેક કોક નીકળે ય ખરો.

બધાય જો કે આમ તો આપણે ઉપર વર્ણન કર્યું એમાંના તો ના હોય ને! અને હોય તો આમ ટપરી પર બેઠો હોય? એની વે આજે મોટે ભાગનાં તો આમ જ લુસપુસ થઇ ને બેઠા હતા ને મેઘજીને ઓર્ડર આપી ચાય પિતા હતા. હા અસામાન્ય એ હતું કે મેઘજી જે ક્યારેય કોફી નહોતો બનાવતો આજે જાણે કોફી બનાવવાની તૈયારી કરતો હોય એમ લાગતો હતો.

અચાનક બધાનું ધ્યાનભંગ થયું, એક કાર આવી ને ટપરીની સાઈડ પર ઉભી રહી ગઈ, એમાંથી ઉતરીને એક સન્નારી જાણે વરસોથી આ ટપરી ને જાણતા હોય એમ ટપરીની અંદર તરફ જઈને વરસોનો મેલ ખાઈ ને કાળા પડી ગયેલા બાકડા પર બેઠા. અને મેઘજી પણ જાણે એમની જ રાહ જોતો હોય એમ, આમ જુઓ તો ધ્યાનભંગ થવાનું કોઈ કારણ નહોતું પણ....

એક તો આ ટપરી કોલેજ કેન્ટીનનું બિનસત્તાવાર સ્વરૂપ હતું એથી કોલેજના વિદ્યાર્થીઓ સિવાય કોઈ અહી આવતું નહોતું. બીજું, ગામના વિસ્તરણ પછી પણ ભલે હવે સાવ આંતરીયાળ નહોતી પણ હજી ખાસ્સી દૂર હતી. ને કોલેજનાં છોકરાઓ ગામના, નજીકના ગામથી મુસાફરી કરીને આવતા કે પછી હોસ્ટેલમાં રહેતા હોય ઘણાખરા ગામથી પરીચિત હતા અને નાનું ગામ હતું તો દરેક વ્યક્તિ ને ઓળખતા પણ થઇ ગયા હતા.

જ્યારે આ સન્નારી .............

આમ તો યુવકો આવી બધી બાબતો બઉ જલ્દી ભૂલી જતા હોય છે, ભલે એમનું રૂપ અપ્રતીમ હતું, પણ હોસ્ટેલમાં રહેતા યુવકો એમની મેસ માં જમીને જ્યારે પગ છૂટો કરવા હોસ્ટેલ ને અડીને પસાર થતી સડક પર નીકળ્યા ત્યારે પણ એ કાર ત્યાં જ હતી. અને મોટું આશ્ચર્ય મેઘજી ની ટપરી હજી ખુલ્લી હતી ને પેલા રૂપનાં માલીકણ પણ એજ બાકડા પર એજ મુદ્રામાં સ્થિત, જાણે કોઈ મૂર્તિ.

આજે ચાલતા ચાલતા અને જેઓ નથી ચાલવા ગયા એમને માટે રાતે હોસ્ટેલમાં આજ એક ઘટના ચર્ચામાં રહેવાની હતી પણ મેઘજી ને પૂછવાનું કમસેકમ પેલા બાનુંની હાજરીમાં તો ઠીક નથી, કાલે વાત કહી બધા પોતપોતાનામાં મસ્ત થઇ ગયા.

પણ ગઈકાલની હોસ્ટેલની રાતની વાતોની અસર હશે કે કેમ!

આજે સાંજે જેવા છોકરાઓ પરવાર્યા બધા મેઘજીને એક જ સવાલ પૂછતા હતા? અને અત્યાર સુધી મેઘજી એ કોઈને જવાબ વાળ્યો પણ નહોતો, એય આજે વીસ વરસથી અહી જ ટપરી ચલાવતો હતો. અને આ બધા જુવાનીયાઓથી ક્યાય વધુ પીઢ.

જો કે એ પણ પીગળી ગયો જ્યારે એક છોકરી અડી ગઈ અને વાત જાણ્યા વીના અહીંથી નહિ ઉઠવાની જીદે ચઢી. મેઘજી વિચારે ચઢી ગયો:

એ છોકરી પણ એ દિવસે આવી જ જીદે ચઢી ગઈ 'તી, મેઘજી એ મને કહીને ગયો છે આવશે જ. મારી જર્નલ એની પાસે છે અને મારે કાલે સબમિટ કરવાની છે. બપોરે ત્રણ વાગ્યાની વાત અને રાહ જોવામાં ક્યારે સાત વાગી ગયા નહોતું સમજાયું પણ એની જીદ અડગ હતી. એ દિવસે મેઘજીએ પોતાનો નિયમ તોડ્યો અને છોકરાને ગામમાં મોકલીને કોફી મંગાવી હતી ને બનાવીને એને પીવડાવી હતી. ઘણી સમજાવવા છતાં એ હોસ્ટેલમાં જવા તૈયાર નહોતી. છેક રાતે નવ વાગે હોસ્ટેલ બંધ થવાના સમયે એને સમજાવીને હોસ્ટેલમાં મોકલી.

ત્યારે સંપર્ક ના આટલા બધા વિકલ્પો ન્હોતા કે સમયસર સમાચાર પહોચાડી શકાય.

સવારે મેઘજીની ટપરી ખુલવાનો ઈન્તેજાર હોય એમ એ આવીને ઊભી રહી ગઈ: જોકે મેઘજીએ કંઈપણ બોલ્યા વગર એના હાથમાં જર્નલ પકડાવી દીધી અને પોતાને ધંધાથી જ મતલબ હોય એમ કામમાં જાતને પરોવી દીધી. એ છોકરીના મનમાં સવાલ ઘણા હતા પણ એને દાદ મળે એમ ના લાગતા કોલેજ તરફ આગળ વધી. જર્નલ સબમીશન અને પ્રેક્ટીકલ્સ બંને હતા.

મેઘજી ફરીથી એની ઉકળતી ચાના તપેલામાં એકધ્યાન થઇ ગયો.

અને યંગિસ્તાનમાં ચર્ચાઓ ચાલુ થઇ ગઈ: નિષ્ફળ પ્રેમ કહાણી, અરે યાર કુછ ભી નઈ, જર્નલ માં કઈ ગરબડ કરી હશે, પછી ક્યાંથી ચહેરો બતાવે?

જો કે ખાસી ચર્ચા પછી એમને જ્ઞાન લાધ્યું કે મેઘજી ને જ પુછાય ને!

પણ મેઘજી તો મગનું નામ મરી પાડવા તૈયાર નહોતો. પણ આ યંગિસ્તાન હતું, એમની એક કારી ફાવી ગઈ: બધા ભેગા મળીને પેલા છોકરાની બુરાઈ કરવા લાગ્યા અને નહિ જ રહેવાયું એટલે મેઘજી જ બોલી ઉઠ્યો: એવું કાઈ નથી.

તો? કેવું છે?

એ દિવસે એ છોકરાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયેલું.

સાંભળી સન્નાટો ફેલાઈ ગયો ક્ષણવાર માટે.

તો પછી આવી આ શું કામ આવે છે? અહી? એ દિવસની યાદ તાજી કરવા?

ના, એને હજી ખબર જ નથી એ વાત ની, બસ એનો ઈન્તેજાર હજી અટક્યો નથી. કહી મેઘજી ફરી ઉકળતી ચાના તપેલામાં ચમચો હલાવવા લાગ્યો.

જો કે હવેનો સન્નાટો વધુ બોઝિલ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama