Tejas Shah

Others

3  

Tejas Shah

Others

આંખ

આંખ

4 mins
14.1K


ભાગતોને ભાગતો પહોંચ્યો હોસ્પિટલ. એ, ઘરે પહોંચ્યો મોડો મોડો તો વસ્તીનાં બધાં ભેગાં થયાં હતાં એની ખોલી આગળ. જેવો પહોંચ્યો, બધાં બોલ્યાં, "ભાગ તારી બાયડી ગઈ છે સીવિલમાં."

અંદર પહોંચતાં જ એને ઘરવાળીનો રોકકળનો અવાજ સંભળાયો. આટલી મોડી રાતનાં છેલ્લા પહોરે એનું માથું ભમવા માંડ્યું હતું પણ, આ હોસ્પિટલ હતી ઘર હોત તો એને બે ઢોલ મારીને કહી દેત; "શું માંડ્યું છે આ?" ધીમે ધીમે એને સમજવા માંડ્યું કે એની દીકરીને...

કેટલો સરસ દિવસ હતો કાલે અને હવે આ શું થયું મોડી રાતે?

સવારે ઘરવાળી બંગલાઓમાં કામે ગઈને દીકરીને જોડે લેતી ગઈ. એનાં કામકાજ કે એની કમાણીને કોઈ નિશ્ચિત રૂપ તો હતું નહિ ! કભી આસમાની કભી...

એની વસ્તી છોડીને એ થોડે આગળ સીટી બસના સ્ટોપ પર આવ્યો, આજે કોઈ તગડો શિકાર મળી જાય. અને ભીડ જોઈને લાગ્યું કે આજે ભગવાને એની સાંભળી છે. જબરદસ્ત ભીડ હતી આજે તો એને થયું આજે તો સવારમાં જ સારી બોણી થવાની.

એટલામાં બસ આવી. મોકો જોઈ એ મુજબ એ પણ ધસારામાં સામેલ થયો અને કંડકટરની બૂમ સંભળાઈ ચાલો હવે બીજી બસમાં આવો પાછળ બીજી બસ આવે છે, ને એણે બેલ માર્યો. ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી ને બધા પાછળ હટી ગયાં, ને એનું કામ થઈ ગયું.

થોડાક મુસાફરો નિરાશ થયા અને કેટલાક બબડતા ફરી પાછળ હટવા લાગ્યા. એટલામાં એક બહેને રાડ નાખી : મારું પર્સ!

બધાં એમની બાજુ જોવા લાગ્યા. એ બહેન રડવા માંડ્યાં અને એ ખુશ થતો બીજી તરફ ચાલવા લાગ્યો. ખરે, જ આજે તો તડાકો પડી ગયો. એણે  વિચાર્યું, આજે હવે આગળ ક્યાંય નથી જવું બાબુ ના અડ્ડે સાંજ પાડી દઉં ને સાંજે જ્યારે ઘરવાળી આવે ત્યારે એને પણ નિહાલ કરી દઉં.

આટલો મોટો તડાકો ક્યારેય નહોતો પડ્યો. ખાસ્સા દસહજાર રૂપિયા હતા એ પર્સમાં, જો કે મહિલાનું રુદન કે એની જરૂરિયાત પર ધ્યાન આપવું એના ધંધામાં શક્ય નહોતું.

ઘોડો ઘાસની દયા ખાય તો ભૂખે મરે. અને દયા, માયા આ ધંધામાં... રામ રામ... ચલ આજે તો બે કોટરિયા જ થઈ જાય. બાદશાહી કાંઈ રોજેરોજ તો મળતી નથી. ક્યારેક જેલનાં ડંડા ય મળે.

અહા, પણ આવો દિવસ રોજ ઊગે તો...

એની કલ્પનાઓને પાંખ આવવા માંડી. અને ધીમેધીમે વિદેશી સોડા જોડે પેટમાં જઈને એનો રંગ પણ જમાવવા માંડ્યો હતો.

અહા, શું જલસા પડી જાય બાપુ રોજ એકાદ કોટરીયું ને વળી અહા..! વિચારતા જ એને રમલી દેખાવા લાગી. મારી હાળી પડોસણ પણ શું મળી છે? રોજ જોઈને જીવ બાળવાનો. એનો વર જો કે આંકડા લખવા જાય એટલે સારું કમાય ને એટલે એના રંગરાગ પણ. જો એના જેટલું કમાતો હોય તો એ પણ... મારી હાળી શું કમર છે એની?

ને છેવટે જ્યારે અડ્ડો બંધ થયો ત્યારે એણે નીકળવું પડ્યું ત્યાંથી. પણ આજ રામલી સવાર હતી એના મગજ પર. ના તો હૈયું હાથમાં હતું ના દિમાગ, તો કદમ તો ક્યાંથી ઠેકાણે પડે !!

ને એની નજર એની ખોલીમાં સુતેલી રમલી પર પડી જ ગઈ, એક તો રાજાપાઠ ઉપરથી દિવસ રાત એના રૂપની જ લાલસા, આજે જાણે આગ અને ઈંધણ ભેગાં થયાં... ને એના ડગમગાતા પગ ત્યાં વળી જ ગયા. ને પછી ઘેરી ઊંઘમાં રામલી કાંઈ સમજે એ પહેલાં તો એની અંદરનો શેતાન હાવી થઈ ગયો. આમ પણ ઝુંપડપટ્ટીની ખોલીઓમાં બુઝાવા મથતા દીવાના ઝાંખા પ્રકાશમાં અડધી રાતે ક્યાં કોઈ વરતાવાનું હતું કે એની ઓળખ થઈ શકે? બધી શેતાનિયત થાકવા આવી અને એ સ્વર્ગમાંથી એ ખોલીમાં અવતરવા લાગ્યો.

ત્યાં એને લાગ્યું કે બે આંખો ખોલીની પતરાની દીવાલની કટાયેલી ફાટમાંથી એને તાકી રહી હતી. અચાનક એને અંદરથી કોક અજાણ ડર લાગવા માંડ્યો. અચાનક આમતેમ જોવા લાગ્યો. રમલી હજી પણ એને મોઢે મારેલ ડૂચો ખોલી ચીસવા માગતી હતી ત્યાં આ ફાટ માંથી...

એને આમતેમ નજર માંડી... ને એને પત્થર ધોવાના એસીડનો બાટલો દેખાયો અને એણે ખોલીને ઘા કર્યો સિધ્ધો એ ફાટ તરફ, એક ચીસ સંભળાઈ ત્યાંથી ને એણે ભાગવા માંડ્યું ખોલીની બહારથી બીજી તરફ...

ખબર નહિ નશો, થાક અને ક્યારે ક્યાં જઈ સૂતો. પણ અડધી રાતે જ્યારે ઘરે પહોંચ્યો ને ત્યાંથી સિવિલ અને ત્યાં પહોંચતાં સુધી એનો બધો નશો ઉતરી ગયો હતો. શું થયું હશેની આશંકાથી. બસ એની ઘરવાળી રડતી હતી : મરી ગિયાની આંખ કેમ નઈ ફૂટી ગઈ?

એને જોઈ નર્સે એને ડોક્ટર પાસે મોકલ્યોને ત્યાં એને ખબર પડી. ડોકટરે એને જણાવ્યું: કોકે એની દીકરીની આંખ પર અડધી રાતે એસીડ નાખી દિધો હતો ને દીકરીની બંને આંખ...

હવે એને કોઈ જ ખુમાર નહોતો રહ્યો. સહેજ વાર માટે એ ત્યાં મુતરડી તરફ ગયો...

થોડી વારમાં નર્સ દોડતી આવી ડોક્ટરની કેબીનમાં: સાહેબ પેલી છોકરીનાં બાપે આંખમાં મુતરડીમાં રહેલો એસીડ નાખી દીધો...


Rate this content
Log in