ઈશ્વરને પ્રાર્થના
ઈશ્વરને પ્રાર્થના


૩૧ ડીસેમ્બરના રોજ રાતે બાર વાગે ઈ.સ. ૨૦૧૯ને વિદાય આપવા તથા ઈ.સ. ૨૦૨૦ને આવકારવાના આશયથી મારા મિત્રો મારી પાસે આવ્યા.
નૈનેશે કહ્યું, “દોસ્ત, આ થર્ટી ફર્સ્ટના દિવસે આપણે ખૂબ મોટી મિજબાની કરીશું.”
હિતેન બોલ્યો, “હા, યાર ઘણા દિવસોથી આપણે એમ પણ મળ્યા નથી તો આ થર્ટી ફર્સ્ટના બહાને આપણે ખૂબ ધમાલ કરીશું. પ્રશાંત તું શું કહે છે?”
મેં એક વોટ્સએપ મેસેજને યાદ કરીને કહ્યું, “પગલે, સિર્ફ સાલ બદલા હૈ તેરી તકદીર નહીં.”
સચિને કહ્યું, “એટલે...”
મેં હસીને કહ્યું, “કંઈ નહીં બસ એમ જ... બોલો તમે શું વિચારીને આવ્યા છો?”
નૈનેશ બોલ્યો, “આપણે આ વખતે કોઈ સારી હોટેલમાં જમવા જઈશું.”
બધા દોસ્તોએ કહ્યું, “હા બરાબર છે...”
મેં પણ સહમતિમાં ડોકું ધુણાવ્યું પરંતુ દુર ઉભેલા વિનોદે થોડી નારાજગીથી કહ્યું, “તેના કરતા આપણે એ જ પૈસા બચાવી કોઈ ગરીબને મદદ કરીએ તો?”
તેની વાત સાંભળી બધા દોસ્તોનો ઉત્સાહ ઓસરી ગયો. મને વિનોદની આ ટાપસી જરાયે ગમી નહીં. મેં થોડા ગુસ્સાથી કહ્યું, “વિનોદ, શું તું ગરીબ છે?”
વિનોદે અચંબો પામતા કહ્યું, “એટલે?”
મેં કહ્યું, “ગરીબને મદદ કરવા તારે આમ મન મારી પૈસા બચાવવાની શું જરૂર છે? મજા પણ કર અને સાથે સેવા પણ કર... સાંભળ આપણે હોટેલમાં જમ્યા પછી ફૂટપાથ પર રહેતા ગરીબોને ધાબળા આપવા જઈશું તો એમાં કંઈ લુંટાઈ નહીં જઈએ.”
હિતેને કહ્યું, “હોટેલમાં જમવા જઈશું ત્યારે આટલા બધા ધાબળા સાથે લઈને જઈશું!!!”
મેં કહ્યું, “ના... તેને આપણી કારની ડીક્કીમાં મુકીશું... જુઓ દોસ્તો દરેક સમસ્યાનો હલ હોય છે. આપણે બસ થોડું જુદી રીતે વિચારવાની જરૂરત છે.”
નૈનેશ બોલ્યો, “ગરીબોને ધાબળા આપીશું તો એ બીજા દિવસે કોઈ દુકાનમાં જઈને વેચી આવશે.”
મેં કહ્યું, “દોસ્ત, એ તેનો વિષય છે. દુકાનમાં એ મફત તો નહીં આપે ને? બદલામાં જે પૈસા આવશે તે તેના જ કામમાં આવશે. આપણે મદદ કર્યા બાદ તે તેનું શું કરે છે એ વિષે ખરેખર વિચારવું જ ન જોઈએ.”
સચિન બોલ્યો, “ઓકે, દોસ્તો... વાત અહીં પૂરી થાય છે. આપણે ૨૦૧૯ની રાતે હોટલમાં જમવા જઈશું અને
૨૦૨૦ની શરૂઆત ગરીબોને ધાબળા આપવાના પુણ્યકાર્યથી કરીશું...”
મેં કહ્યું, “હા ભાઈ... પહેલે પેટ પૂજા ફિર કામ દુજા...”
અમે સહુ હસી પડ્યા.
અચાનક નૈનેશે મમરો મુક્યો, “દોસ્તો આ નવા વર્ષના તમારા શું અરમાન છે? હું તો નવી કાર લેવાનું વિચારી રહ્યો છું.”
વિનોદ બોલ્યો, “મારું તો આ નવા વર્ષનું અરમાન એ છે કે આ દેશમાં સુખશાંતિ રહે.”
હિતેને કહ્યું, “મારે તો વિદેશ યાત્રાએ જવાનું અરમાન છે.”
સચિન બોલ્યો, “હું તો મારી ત્રીજી નવી ફેક્ટરી બને એવા અરમાન રાખું છું.”
હવે બધાએ મારી સામે જોયું.
હું ચુપ રહ્યો.
નૈનેશ બોલ્યો, “પ્રશાંત, આ નવા વર્ષના તારા શું અરમાન છે?”
મેં કહ્યું, “હું આ ૨૦૨૦માં વિનોદના અરમાનની સાથે સાથે... હિતેનની વિદેશ યાત્રાનું, સચિનની ત્રીજી નવી ફેક્ટરીનું તથા નૈનેશનું નવી કાર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીશ.”
સચિન અકળાઈને બોલ્યો, “મજાક છોડ...”
મેં કહ્યું, “હું સાચું કહું છું...”
નૈનેશે કહ્યું, “સા... તું કેમ અમારા અરમાન પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીશ?”
મેં આંખમાં આવેલા અશ્રુને લૂછતાં કહ્યું, “જુઓ દોસ્તો, ઈશ્વરે મને બધું આપ્યું છે પરંતુ શેર માટીની ખોટ છે. તમે સહુ જાણો છો કે મારી પત્ની દીપાને ત્રણ વખત ગર્ભ રહ્યા બાદ મિસ કેરેજ થયું હતું. છેલ્લા મિસ કેરેજ બાદ તે ઘણી મુશ્કેલીથી ડિપ્રેશનના તબક્કામાંથી બહાર આવી છે. આ નવા વર્ષે દીપાને સંતાન સુખની પ્રાપ્તિ થાય એવી મારી અદમ્ય ઈચ્છા છે. હું તમારા સહુના અરમાન પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીશ બદલામાં તમે સહુ મળીને મારા અરમાન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરજો. બોલો, કરશોને એવી ઈશ્વરને પ્રાર્થના?”
******