Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

ઈશ્વર

ઈશ્વર

2 mins
7.3K


ઈશ્વર ક્યાં, મંદિર માં, મસ્જિદમાં, કે દેરાસર મા રહે છે? ના.. તે તો આપણી સાથે, આપણી અંદર જ રહે છે. આપણો પડછાયો પણ સૂરજની હયાતી હોય તો જ સાથ આપે છે. પણ ઈશ્વર તો આપણા શ્વાસમાં, વિશ્વાસમાં રહે છે. અને તેની અનુભૂતિ પણ આપણને સમયે સમયે થાય છે, અને આપણી શ્રદ્ધાને, આસ્થાને વધુ મજબૂત કરે છે.

મારા બન્ને બાળકોને મારી મમ્મી પાસે રાખીને, હું કૈલાસ - માનસરોવરની યાત્રાએ ગઈ હતી. ઈશ્વરે ત્યાં છૂટે હાથે વેરેલું પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરતા હું ધરાતી ન હતી. ધરતીથી આટલી બધી ઊંચાઈએ આવેલું હોવાથી હવા ખૂબ જ પાતળી તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે. કૈલાસની પરિક્રમા કરતા ઘણી વાર થાય, કે બસ, હવે એક ડગલું પણ નહી ચલાય. શ્વાસ તો જાણે ધમણની જેમ ચાલે. ત્યાં કોઈ વાહન કે ડોળી પણ ન હોય કે બેસી જવાય. તેથી ચાલે જ છૂટકો. હું મનમાં બબડી પણ ખરી,

"હે પ્રભુ! તમે કેટલો દૂર જઈને વસ્યા છો? હવે મારાથી ચલાય તેમ નથી. તમે જ આવો મારી પાસે."

ને અચાનક પાછળથી ધક્કો લાગે, ને વગર થાકે દસ પંદર ડગલા ચલાઈ જાય.

એકવાર ચઢાવ ચઢતી વખતે ખૂબ હાંફ ચઢી ગઈ, લાગતું હતું હમણાં હ્રદય બહાર ઉછળીને આવશે. ને અચાનક કોઈ હાથ આવ્યો, ને મેં મારો હાથ તે હાથમાં મૂકી દીધો. અને હું સડસડાટ ઉપર ખેંચાઈ ગઈ.

હું તો પહેલા આટલું બધું, આવા વાતાવરણ, પરિસ્થિતિમાં ચાલવાનું જોઈને જ ડરી ગઈ હતી. મેં પ્રદક્ષિણા કરવાનો જ વિચાર માંડી વાળ્યો હતો, પણ ટૂર ગાઈડનું કહેવું હતું કે,

"એકવાર ચાલવાની, જવાની હિંમત કરો તો જરૂર પહોંચી જવાશે."  ને ખરેખર થયું પણ એવું જ. મેં તો એક જ ડગલું ભર્યું, ને બાકી બધું ઈશ્વરે જ પૂર્ણ કર્યું. એ અજ્ઞાત હાથ, એ હળવો ધક્કો, શું હતું એ બધું? ઈશ્વરી તત્ત્વ જ તો.

અને એ તત્ત્વ આવ્યું ક્યાંથી? મારી અંદરથી જ. કૈલાસના બેઝ કેમ્પ પર થી, જે શાંત, નિર્મળ આકાશ.. અવકાશ દેખાયું  ત્યારે સો ટકા અનુભૂતિ થઈ કે ઈશ્વર છે, અને તેમાં જ બધું સમાયેલું છે.

સાથે સાથે દ્વિધા પણ થઈ કે," હું અવકાશમાં ઓગળી રહી છું, કે મારામાં આ દૈવીતત્વ અંદર પ્રવેશી રહ્યું છે."

" यत्र भ्रम तत्र न ब्रह्म, यत्र ब्रह्म कुत र्भ्रम । "

જ્યાં ભ્રમ છે ત્યાં ઈશ્વર નથી જ. પણ જ્યાં ઈશ્વર છે ત્યાં ભ્રમ કેવો? ( ત્યાં તો ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. )

ઈશ્વરને ગોતવા હું  એના ધામ, કૈલાસે ગઈ, ને એ મારી અંદરથી જ મળ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational