Meghal Ben

Inspirational

4.3  

Meghal Ben

Inspirational

ઈનામ

ઈનામ

3 mins
297


રાહુલને હવે ગામડે ખેતીવાડી કરવી નહોતી ગમતી. તેને લાગતું હતું ગામડે તેનો કંઈ વિકાસ નહીં થાય. આમ તો ગામડાંની સ્કૂલમાં તે બાર ધોરણ સુધી ભણ્યો હતો. પણ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે કોલેજ નહોતો કરી શક્યો. ગામડે ખેતીવાડી સિવાય કોઈ કામ પણ મળે તેમ નહોતું. ખેતર કે વાડી પણ પોતાની માલિકીનાં નહોતા. જો વરસાદ સારો થાય તો પાક સારો થાય તો એ વર્ષે કામ મળે અને આવક થાય. બાકી નબળા વર્ષમાં તો સરકારના રાહત કામ પર જ ગુજરાન ચલાવવાનું રહેતું. એટલા માટે રાહુલને નોકરી કરવા શહેરમાં જવું હતું. તે કહેતો કે, "મોટી નોકરી નહીં તો શહેરમાં કયાંક પટાવાળાની નોકરી તો મળશે ને ?"

         રાહુલે ‌પોતાના પરિવારને તેને શહેરમાં નોકરી કરવા જવાની વાત કરી. પણ તેના પિતાએ તેને ચોખ્ખી ના પાડી કહ્યું, "શહેરમાં જઈ શું કરીશ ? ત્યાં તો કેટકેટલું ભણેલા પણ નોકરી ધંધા વગરના છે. તો તને શું ત્યાં નોકરી મળવાની ? અને જો કંઈ કામ મળ્યું તો પણ જે કમાણી થશે તેટલી કમાણીથી કાં તો તું રોટલો ખાઈ શકીશ કાં તો ઓટલો મેળવી શકીશ. કયાંય શહેરમાં નથી જવું અહીં જે મળે છે તેમાં રાજી થઈ ને રહે."

          રાહુલે વિચાર્યું પરિવાર તો તેને શહેરમાં નહીં જ જવા દે પણ એ એના શહેર જવાનાં ઈરાદામાં મક્કમ હતો. એટલે એ રાતે જ્યારે બધા ઊંઘી ગયા ત્યારે તે ચૂપચાપ બહાર નીકળી ગયો. ગામડાં ગામમાં એસ. ટી. બસ તો માંડ બપોરે એક આવતી અને આવાં નાના ગામમાંથી બીજુ કોઈ વાહન પણ ના મળે. એ તો શહેરની તરફ પગપાળા જ ચાલતો થયો. પાંચેક કિલોમીટર ચાલ્યો ત્યાં તેને પાછળથી વાહનનું હોર્ન સંભાળાયું એણે પાછળ વળીને જોયું તો એક કાર લઈને એક શેઠ શહેર તરફ જતાં હતાં. શેઠે તેને આટલી રાતે શહેર તરફ ચાલતો જોઈ તેને પૂછ્યું, "કેમ આટલી રાતે શહેર તરફ ચાલીને જાય છે ? શું કંઈ એવી મુશ્કેલી છે કે અત્યારે શહેર ‌જવું પડે એમ છે ? એવું હોય તો ચાલ મારી સાથે ગાડીમાં બેસી જા."

      આ સાંભળી રાહુલ ગાડીમાં બેસી ગયો. ગાડીમાં બેઠા પછી રાહુલે પોતે શહેરમાં શું કામ જાય છે તે બધી વાત શેઠને કરી. શેઠ તેની વાત આરામથી સાંભળતા રહ્યાં. આગળ જતાં એક હાઈ વે હોટેલ આવી ત્યાં શેઠ ચ્હા નાસ્તો કરવાં ઊભાં રહ્યાં, તેણે રાહુલને પણ પોતાની સાથે લીધો. તે લોકો ચ્હા નાસ્તો કરવાં બેઠા ત્યાં શેઠે રાહુલને એક બેગ હાથમાં આપી કહ્યું, "આ બેગ તું સાચવ‌ હું હમણાં આવું ગાડીમાંથી મારો મોબાઈલ લઈને."

       રાહુલે ચ્હા નાસ્તો પતાવી લીધાને ઘણી વાર થઈ ગઈ તો પણ શેઠ આવ્યા નહીં. તેણે હોટેલની બહાર નીકળીને જોયું તો શેઠ અને એની ગાડી બંને ગાયબ હતા. અચાનક તેના હાથમાં રહેલી શેઠની બેગ નીચે પડી ગઈ અને નીચે પડતાં જ ખૂલી ગઈ. બેગ ખુલતાં જ તેણે જોયું તો તે રૂપિયાથી છલોછલ ભરેલી હતી. આજુબાજુમાંથી કોઈનું ધ્યાન જાય એ પહેલાં તેણે બેગ ઝડપથી બંધ કરી દીધી. એ બેગ બંધ કરતો હતો ત્યાં તેના હાથમાં એક ચિઠ્ઠી આવી તેમાં લખ્યું હતું આ બેગ જેને મળે તેને આ રૂપિયા ઈનામમાં ! આ વાંચીને એક ક્ષણ માટે રાહુલ આનંદમાં આવી ગયો કે આટલાં બધાં રૂપિયા મને મળ્યા. પણ પછી તરત જ એણે વિચાર્યું," હું તો મહેનતથી રૂપિયા કમાવવા નીકળ્યો‌ છું. કદાચ આ રૂપિયા હું ઘરે લઈ જઈશ તો પણ કેટલો સમય ચાલે ? આમ પણ બધાં કહે ને કે હરામનું ના પચે તો મહેનત કર્યા વગર મળેલા આ રૂપિયા મારે તો હરામના જ કહેવાય,એટલે મારે આ રૂપિયા નથી જોઈતા‌‌. મારે તો મહેનત કરીને જ કમાણી કરવી છે. આ રૂપિયા જેનાં છે એમને પહોંચાડી આપું. "તેણે બેગના કવરને ચેક કર્યું તો તેને એક વિઝિટીંગ કાર્ડ મળ્યું તેને થયું કે આ કાર્ડમાં કદાચ એ શેઠનું જ એડ્રેસ હોય. તે ગમે તેમ કરીને તે એડ્રેસ પર પહોંચ્યો. ખરેખર તે એડ્રેસ પેલાં શેઠનું જ હતું. તેમની પાસે જઈ એ બેગ તેણે શેઠને આપી.

         બેગ હાથમાં લઈ શેઠે તેને પૂછ્યું," તને ખબર છે આમાં શું છે તે ?" રાહુલે હા પાડી અને કહ્યું મેં ચિઠ્ઠી પણ વાંચી. પરંતુ મારે કંઈ પણ મહેનત કર્યા વગરનો એક રૂપિયો પણ નથી જોઈતો.

      શેઠ રાહુલની આવી ઈમાનદારી આને મહેનત કરવાની ભાવના જોઈ ખુશ થઈ ગયા. એને રાહુલને પોતાની ફેક્ટરીમાં જ કામે રાખી લીધો. રાહુલની મહેનત અને કામ કરવાની લગન જોઈ એક વર્ષ પછી શેઠે પોતાની ફેક્ટરીમાં દસ ટકાનો ભાગીદાર બનાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational