ઈચ્છાનું પડીકું
ઈચ્છાનું પડીકું
ટ્રીન ટ્રીન..
"લે આવી ગયો કન્ની કુલ્ફી. હું આજે બે ખાઈશ." ફળિયાના લગભગ બધાં બાળકોના મુખેથી સાંભળવા મળતો સંવાદ.
કનુ કુલ્ફીવાળો રોજ જાતે કાળજીથી ભેંસ દોહે અને દૂધ ઉકાળીને કુલ્ફી બનાવે. "અરે છોકરાઓને ગમે તેવું કેમ ખવડાવાય ? લે બેટા, પૈસા ન હોય તો કાલે આપજે.” કહી બાળકોને બોલાવી હોંશે હોંશે કુલ્ફી તેમના હાથમાં મૂકે. બાળકો માટે તો તે દેવદૂત ! એ જોઈને કોઈ કહેતું પણ ખરું,"ખોટના ધંધા કરે છે ગાંડો. શું કમાતો હશે ?"
આજે રોજ કરતા થોડું મોડું થઈ ગયું હતું એટલે સાઇકલના ઉતાવળે પૈડાં ફરતા હતાં. પાછળથી આવતી એક ગાડી એટલી ઝડપથી બાજુમાંથી પસાર થઈ કે તે માંડ પડતા બચ્યો. છતાં લાગેલા ધક્કાથી પાંચ વર્ષ પાછળ પહોંચી ગયો !
***
"શેઠ મારે પાંચ હજાર ઉપાડ જોઈએ છે. ભેંસ વિયાઈ છે, પાડી આવી છે એટલે આ વખતે જલદી વળી જશે." કનુએ દબાયેલા સ્વરે કારખાનાના માલિક સોહનને વિનંતી કરી.
"અરે હજી તો આગળના ત્રણ હજાર વાળવાના બાકી છે. તમને લોકોને તો..." આગળનું વાક્ય કનુ સાંભળી ન શક્યો કારણકે સોહન ઓફિસની બહાર નીકળતા બોલ્યે જતો હતો અને બાકીનું વાક્ય કદાચ બહાર જતા રહ્યા પછી બોલાયું હોય !
આમ તો વાત પણ સાચી હતી કારણકે પત્નીની માંદગી વખતે લીધેલા દસ હજારમાંથી દોઢ વર્ષ થયે હજી
ત્રણ હજાર વાળવાના બાકી છે ! એક ભેંસ અને આ આછીપાતળી નોકરી ! બાર સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિમાં દીકરાએ સાઇકલની જીદ પકડી. "ચાલતા દૂધ આપવા જવાનો કંટાળો આવે છે. સાઇકલ લઈ આપો તોજ હું દૂધ આપવા જઈશ."
કેટલા દિવસ ટાળી શકે તે દીકરાની વાત ! હિંમત કરીને શેઠ પાસે પૈસા માંગી જોયા ! જવાબ ધારેલો જ મળ્યો. ભગ્નાશ હ્રદયે તે ઘરે પાછો ફર્યો. "ગરીબો ઈચ્છાનું પડીકું પોતાની મરજીથી નહીં ખોલી શકે." દીકરાને વાત સમજાવવા કોશિશ કરી જોઈ પણ..!
"કનુ તારો છોકરો નદીકિનારે પડ્યો છે." ગામનું કોઈ આવીને કહી ગયું.
દોડતો તે નદીકિનારે પહોંચ્યો. બાળમાનસ ઈચ્છાઓ પર કાબુ ન રાખી શક્યું, વહેતા પાણીમાં ઈચ્છોની સાથે તેણે પણ પડતું મૂક્યું હતું!
કનુએ શેઠની નોકરી છોડીને પહેલા એક સાઇકલ લીધી. ગામના છોકરાઓને મળવાના બહાને દૂધમાંથી કુલ્ફી બનાવી તેમને ખવડાવે છે. જરૂર જેટલા પૈસા મળી જાય એટલે બાકીની મફત ખવડાવીને સંતોષ માને છે. દીકરાની ઈચ્છાનું પડીકું ગામના છોકરાઓની વચ્ચે વહેંચીને ખુશ થાય છે.
"કાકા, મારી પાસે પૈસા નથી." એક છોકરો આવીને ઢંઢોળી ગયો.
"અરે આજે બધાને મફત."
ટ્રીન ટ્રીન કરતો કન્ની કુલ્ફી નીકળી પડ્યો બીજે ફળિયે !