હું છું પ્રકૃતિ રક્ષક
હું છું પ્રકૃતિ રક્ષક


ચુંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. એવામાં એક નેતાએ જનતા પર પ્રભાવ જમાવવા શહેરભરમાં ઠેકઠેકાણે પાટિયા મરાવ્યા “વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો”. પાટિયા ધારી અસર કરી ગયા. નેતાના પ્રકૃતિપ્રેમ પર જનતા આફરીન પોકારી રહી. જનતાએ તેમને પ્રકૃતિ રક્ષકની ઉપમા આપી દીધી. લોકોના મળી રહેલા પ્રતિસાદથી નેતા હજુ ઉત્સાહમાં આવ્યા. તેમણે પોતાના કાર્યકરોને બીજા વધુ નવા પાટિયા બનાવવાનો આદેશ આપ્યો. નેતાજીનો આદેશ મળતાજ કાર્યકરો ઉત્સાહથી કામે લાગી ગયા. જોકે આ વાત નેતાના પુત્રને ગમી નહીં. તેણે નેતાને હળવેકથી કહ્યું, “પિતાજી, તમે વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવોના આ પાટિયા બધે લગાવી તો રહ્યા છો પરંતુ શું તમે જાણો છો કે આ પાટિયા લાકડાના બનેલા છે અને તે બનાવવવા આપણા કાર્યકરો અસંખ્ય વૃક્ષો કાપી અને કપાવી રહ્યા છે! હવે તમે જ કહો કે જયારે આપણે જ આપણા સંદેશનું જયારે પાલન કરતા ન હોઈએ ત્યારે આવા પાટિયા બનાવીને લગાવવાનો શો અર્થ? પ્રકૃતિ રક્ષકના આ ચોગામાં હકીકતમાં તો તમે તેનું રક્ષણ નહીં પરંતુ ભક્ષણ કરી રહ્યા છો.”
નેતા ભવા ચઢાવીને બોલ્યા, “ખબરદાર હવે એક શબ્દ પણ આગળ બોલ્યો છું તો. બેવકુફ, તને કોણે કહ્યું કે હું મારા સંદેશનું પાલન કરી રહ્યો નથી?”
પુત્રે મક્કમતાથી કહ્યું, “આમાં કોઈએ કહેવાની શી જરૂર છે!”
નેતા બોલ્યા, “તેં આપણા લખેલા પાટિયા ધ્યાનથી વાંચ્યા?”
પુત્રે કહ્યું, “હા. તે દરેક પર લખ્યું છે કે વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો”
નેતાએ ફરી પૂછ્યું, “શું લખ્યું છે?”
પુત્રે જવાબ આપ્યો, “વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો.”
નેતા બોલ્યા, “ક્યાંયે મેં એમ લખાવ્યું છે કે વૃક્ષો ન કાપો અને સમૃદ્ધિ લાવો.”
પુત્ર અવાચક સ્વરે બોલ્યો, “ના!”
નેતા, “કોઈને આમ બોલતા ક્યારે સાંભળ્યું છે?”
પુત્રે કહ્યું, “ના!”
નેતા, “બસ તો પછી. વાત પૂરી.”
આમ બોલી નેતાજી આગળ વધ્યા. કાર્યકરોએ એક વૃક્ષ કાપી પાડ્યું હતું. તેમાંથી ઘણા પાટિયા બનવાના હતા. નેતાજી પાસે પુત્ર સાથે નિરર્થક વાદ-વિવાદ કરવા માટે ફુરસદનો સમય નહોતો. આવી પરિસ્થિતિમાં પુત્રને હસવું કે રડવું તેની ગતાગમ પડી રહી નહોતી. તે ત્યાંજ હતપ્રભ ઊભો વિચારી રહ્યો કે, “મનુષ્ય દરેક બાબતમાંથી પોતાનો ઇચ્છિત માર્ગ શોધી જ લે છે. પછી તેનાથી કોઈને ફાયદો થાય કે નુકસાન. જોકે ક્યારે તે આમ મન ફાવે તેવી પ્રવૃત્તિઓ કરીને પ્રકૃતિનું નિકંદન કરવાનું બંધ કરશે. ક્યારે તે આમ પોતાની મનમાની કરવાનું બંધ કરશે. ક્યારે તે સુધરશે. ક્યારે? ક્યારે તે પ્રકૃતિ ભક્ષક મટીને દિલથી કહેશે કે, હું છું પ્રકૃતિ રક્ષક.”