હમ હિન્દુસ્તાની
હમ હિન્દુસ્તાની
સાંજના સાતની આસપાસનો સમય હતો. લોકડાઉનમાં ક્યાંય બહાર તો નીકળવાનું નહોતું એટલે હું આંગણામાં જ ચાલી રહી હતી. ત્યાં ફોનની રીંગ વાગી. આ સમયે હોંગકોંગમાં રહેતી મારી દીકરીનો ફોન જોઈ નવાઈ લાગી. ત્યાં વર્કીંગ ડે માં તો અત્યારે સૂવાનો સમય થતો હોય. મેં જરા ચિંતાથી ફોન ઉચક્યો કે એ શરુ " મમ્મી મને તો પીનટ-બટરની ચિંતા થાય છે " પીનટ-બટર એટલે એનાં બે બિલ્લીનાં બચોળીયાં.
" અરે ! પણ કેમ ? શું થયું અચાનક ? માંડીને વાત તો કર ! " એક સાથે મેં પણ ધોધ વરસાવ્યો.
આમ તો એ નાની હતી ત્યારથી એને આવી ટેવ. જરા સ્ટ્રેસ આવે કે મમ્મી યાદ આવે ! અને પાછું ત્યારે આપણે કંઈ સલાહ નહીં આપવાની બસ, સાંભળી લેવાનું. મુશ્કેલીમાંથી રસ્તો'તો પાછો પોતાના બળ પર પોતાની ઈચ્છા પ્રમાણે જ કાઢવો હોય ! ખેર . .
હવે એણે વાત શરૂ કરી.
"અરે ! અમારી બાજુના ટાવરમાં એક જણમાં કોરોનાનો કદાચ કોઈ નવો વેરીયન્ટ મળ્યો લાગે છે તે બે કલાકની નોટિસમાં આખા ટાવરના લોકોને ગવર્મેન્ટ કોરન્ટાઈન સેન્ટરમાં શીફ્ટ કરી રહ્યાં છે. એ ટાવરમાં કમસે કમ હજારેક લોકો હશે. . . અમારા બે ઈંડીયન ફ્રેન્ડસના ફેમીલી પણ છે. અત્યારે નીચે કેટલી બધી પોલીસ અને બસોનો કાફલો છે. બીજું તો ઠીક પણ ઘણાંના ઘરમાં પેટ્સ હશે એ બીચારા કેટલા હેરાન થશે ! હવે બે દિવસમાં અમારા બધાની ટેસ્ટ થશે. કદાચ અમારા ટાવરમાં એકાદ જણ પણ આ નવા વેરીયન્ટવાળું નીકળ્યું તો ? અમારે તો એકવીસ દિવસ સેન્ટરમાં કવોરનટાઈન થવું પડે ! તો પછી મારા પીનટ-બટરનું શું થશે ?"
એનો રડમસ અવાજ સાંભળી મને પણ થોડીક ચિંતા તો થઈ પણ એને હિંમત બંધાવતા મેં ફોન મૂક્યો. નસીબથી આવડા મોટા રેસેડેન્સીયલ કોમ્પલેક્સમાં બીજા એક પણ કેસ ન આવ્યા પણ પેલા હજાર લોકોતો એકવીસ દિવસ માટે જેલમાં જ પૂરાઈ ગયાં. આમાં ઘણાં સાવ નાના છોકરાં સાથે હતાં તો થોડાં વૃધ્ધ પણ હતાં. સેન્ટરની સગવડ અપૂરતી હતી. આ બધી ખબર પડતાં રાતોરાત હેલ્પ ગ્રૂપ બની ગયાં અને અભિમાન લેવા જેવી વાત કે આ ગ્રુપમાં મોટા ભાગના આપણા ભારતીય હતાં. કોઈને નાના બચ્ચા માટે પરોઢિયે દૂધની જરુર પડી, કેટલાંકને દવાઓ, કોઈને નાસ્તા, કે રોજીંદી ઉપયોગની વસ્તુઓ . . . . . આવી બધીજ જરુરિયાત એમણે ખડેપગે પૂરી પાડી. જે લોકો કવોરનટાઈન થયેલાં તેમાં કાંઈ ફક્ત ભારતીયો જ નહોતાં. બધી જ નેશનાલીટીના લોકો હતાં અને એ બધાની મદદમાં હતી આપણી ભારતીય યુવાપેઢી. આપણા હિંદુસ્તાની સંસ્કાર અને માનવતાની મિસાલ એમણે પૂરી પાડી.
કોરોના સામેનું યુધ્ધ જો ફક્ત માસ્ક, સેનીટાઈઝર, દવાઓ અને વેક્સીનથી લડાતું હોત તો માણસજાતની જીત વિષે શંકા રહેત. . . . . . પણ આ મહેકતી માનવતા જોઈ એણે હારવું જ પડશે !
