હળવી વાત હળવેકથી - 6
હળવી વાત હળવેકથી - 6
'મારી હળવી વાત હળવેકથી... ' સ્ટોરી મિરરનાં નિયમિત વાચક મિત્ર સાથે આજે ટૂંકી વાર્તાના લેખન અંગે ચર્ચા થઈ.
મિત્રે પૂછ્યું;' ટૂંકી વાર્તા લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?'
હું કોઈ સાહિત્યકાર નથી કે તેના આ પ્રશ્નનો ઉત્તર આપી શકું. એટલે ક્ષણવાર હું તેની સામે જોઈ રહ્યો તે પછી મને સુરેશ જોષીની એક વાત યાદ આવી ગઈ જે તેમણે 'સાહિત્યવિષયક વ્યાખ્યાનો', ૧૯૭૩માં કહી હતી. જે મેં મારી અંગત ડાયરીમાં ટપકાવેલી હતી તે મને યાદ આવ્યું. મેં ડાયરીનાં પાના ઉથલાવ્યાં ત્યાં-
સુરેશ જોશીએ કહ્યું હતું ;
" એક રીતે કહીયે તો ટૂંકી વાર્તાનું લેખન તે ડૂબતા વહાણમાં મુસાફરી કરવા બરાબર છે. કાંઠા સુધી સહીસલામત પહોંચવા માટે જેટલું ફેંકી દેવાથી ચાલતું હોય તેટલું ફેંકી દેવું જોઈએ, નહીં તો વધુ પડતા ભારથી વાર્તા તળિયે બેસી જાય. ફ્રેન્ચ શિલ્પી રોદાં કહેતો હતો કે હું જ્યારે કોઈ શિલાખંડ જોઉં છું ત્યારે તેની આજુબાજુનો વધારાનો ભાગ જે શિલ્પને ઢાંકી દે છે તે નજરે પડે છે, ને પછીથી છીણી લઈને એ વધારાના ભાગને દૂર કરું છું. ટૂંકી વાર્તાના શિલ્પવિધાનમાં પણ આ વધારાના બિનજરૂરી ભાગને દૂર કરવાની સૂઝ વાર્તાકારમાં હોવી જોઈએ."
મિત્ર બોલ્યો;'ગજબનું ઉદાહરણ આપી સમજાવ્યું સુરેશ જોશી સાહેબે'.
ડાયરી બંધ કરતા હું બોલ્યો;' એટલેજ તો આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ'.
