હળવી વાત હળવેકથી -22
હળવી વાત હળવેકથી -22
આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરી બ્રિજની નીચે આવેલા ૐકારેશ્વર મંદિરેથી દર્શન કરી પાછો વળી રહયો હતો ત્યાં- મંદિરની બાજુમાં વરસોથી બેસતાં મોચીએ હાંક મારી; 'એ આવો... આવો... મારા સાહેબ.'
મારાં પગ આપો આપ તે તરફ વળી ગયા !
ઘણાં સમયથી અમે મળ્યા નહોતા એટલે મોચીએ આગ્રહ કરી ચ્હા પીવડાવી. મોચીના ખબર-અંતર પૂછી હું ઘરે આવ્યો. મારાં આ મોચી મિત્ર સાથે જે વાત થઈ તે અંગે તે ક્યાંય સુધી વિચારતો રહ્યો તે પછી કલમ ઉપાડી અને સર્જન થયું-
તેણે ક્લિનીકની દીવાલ ઊપરની તસવીરને તેના હાથરૂમાલથી સાફ કરી ચંદનના હારને સરખો કરી ક્યાંય સુધી જોતો રહ્યો.!
તે સાથે જ-
મંગુ મોચી. હા બધાં તેને અહીં શહેરમાં આ નામથી ઓળખતા. બ્રિજની નીચે નાની એવી તાડપત્રીથી બનાવેલી દુકાન. ગામમાં કોઈ ધંધો રહ્યો નહોતોને ધનકી એ પણ એક દીકરીને જન્મ આપી ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. એટલે તે ત્રણ વરસની કોમલને લઈને શહેરમાં આવી ગયો હતો.
કોમલ…!
કેવું સરસ નામ.
આ નામ જ્યારે ધનકીએ રાખ્યું ત્યારે મંગુએ કહ્યું હતું;' આવા નામ તો મોટા લોકોના છોકરાના હોય આપણાથી આ નામ ના રાખી શકાય.' ત્યારે ધનકીએ દલીલ કરતા કહ્યું હતું,'એટલજ તો આ નામ રાખ્યું છે. મારે પણ મારી આ લાડકીને મોટી 'મેમ' બનાવવી છે !' બોલતા ધનકી શરમાઈ ગઈ ! પણ ધનકીની ઈચ્છા અધૂરી રહી.
શહેરમાં કોમલને લઈને આવેલો મંગુ તે પછી તો કોમલના ઉછેરમાંને વાસ્તવિક જીવનમાં બધું ભૂલીને રોજ સવારથી સાંજ સુધી તેની નાનકડી દુકાનમાં બધાંના પગરખાઓ ઘસી ધસીને ગાડું આગળ ધપાવાતો રહ્યો.
હવે તો કોમલ પણ સાત વર્ષની થવા આવી તે પણ હવે મંગુને ધંધામાં મદદ કરવા લાગી.
એકાંતમાં મંગુને ધનકી યાદ આવી જતી. તે સાથે જ તેણે કોમલ માટે જે વિચાર્યું હતું તે સાંભરી આવતા નાનકડી કોમલને બુટમાં ખીલી મારતા જોઈને અસહ્ય વેદના અનુભવતો. આ સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો.
ત્યાં એક દિવસે તાવથી કોમલનું શરીર ધખી રહ્યું હતું. તેમ છતાં તે કામ કરે જતી હતી. મંગુને ખબર પડતા ધંધો બંધ કરી કોમલને લઈ ડોક્ટર પાસે ગયો. હોસ્પિટલમાં એક લાઈનમાં બધા પેશન્ટ બેઠાં છે. હોસ્પિટલમાં એક ખૂણામાં એક વજન કાંટો મુકવામાં આવ્યો છે. તે વજન કાંટે એક પછી એક પોતપોતાની રીતે વજન કરી રહ્યા છે. કોમલ આ બધું કુતૂહલવશ જોઈ રહી છે. તેણે આ પહેલા ક્યારેય આ વજન કાંટો જોયો નહોતો. તેની સામે તેની જ ઉંમરની છોકરી બેઠી છે તે પણ વજન માપીને પપ્પાને કહ્યું,' પપ્પા, ટ્વેન્ટી ફાઈવ.' કોમલ તેને જોઈ રહી. મનમાં ને મનમાં વિચારી રહી,'શું હશે આ ?!. પેશન્ટ એક પછી એક બદલાતા રહ્યા. ત્યાં તકનો લાભ લઈ કોમલ વજન કાંટે ઊભી રહી ગઈ ! કાંટો ચક્કર ફરતા તે જોઈ રહી. તે પાછી વળી ત્યારે પેલી છોકરી બોલી,'કેટલું થયું ?!
કોમલ શરમાઈને મંગુ પાસે આવી ગઈ…! બધા કોમલને જોઈને હસી પડ્યા. મંગુને પણ શરમ આવી. પણ શું કરે ?
અને તે દિવસે મંગુએ હોસ્પિટલમાં મુઠ્ઠી વાળી હતી.!
સમય રેત બની સરતો રહ્યો.
અને આજે એજ કોમલ તેના પોતાના ક્લિનિકમાં પેશન્ટને તપાસી રહી છે. અને મંગુ તેની ધનકીની તસવીરને જોઈ રહ્યો છે !
* * *
જો એકવાર મનમાં ગાંઠ વાળી લો તો ગમે તેવી અશક્ય લાગતી વાતને પણ શક્ય બનાવી શકાય છે…! ડાયરી બંધ કરી હું કયાંય સુધી વિચારતો રહ્યો.
