હળવી વાત હળવેકથી -20
હળવી વાત હળવેકથી -20
કોરોના વાયરસ ત્યાર બાદ બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને હવે ગ્રીન ફંગસ. આમ એક પછી એક વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે, આ નવી મહામારી અંગે એક રાતે ડાયરી લખવાની શરૂઆત કરી અને સર્જન થયું-
' ફરી એકવાર... '
શરીરમાં કળતર સાથે શરદી ઉધરસ તેમજ માથામાં પણ અસહ્ય વેદના થતાં દીકરાએ સારવાર અર્થે દિવાકર ને હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા. રિપોર્ટમાં જણાવાયું કે, દિવાકર કોરોના પોઝિટિવ થયા છે. હોસ્પિટલમાં જ સારવાર ચાલુ થઈ. નસીબ જોગે દિવાકર કોરોનાથી મુક્ત થયા પરંતુ આંખમાં બ્લેક ફંગસની અસર વર્તાય એટલે વધું એક અઠવાડિયું હોસ્પિટલમાં પસાર કરવું પડ્યું.
ડોકટર અને દીકરાની હૂંફ અને ચાકરીએ દિવાકર સાજાં થયાં.
હોસ્પિટલમાંથી રજા મળતાં ઘરે આવેલા દિવાકર ડોકટરની સલાહ મુજબ બ્લેક ગોગલ્સ પહેરી ટીવી તરફ પૂંઠ ફેરવીને સમાચાર સાંભળી રહ્યો છે.
ત્યાં મમ્મી-પપ્પા સાથે બહાર ગયેલી કેના ઘરમાં દાખલ થતાં જ બોલી; 'અરે દાદુ, તમે ટીવી ચાલુ રાખીને કઈ તરફ જોઈ રહ્યા છો ?!'
'બેટા, હું તો ટીવી જ જોઈ રહ્યો છું. મને પાછળથી પણ દેખાય છે !' દિવાકર બોલ્યો.
'હે...?' કેનાને આશ્ચર્ય થયું.
તેણે એકવાર ખાતરી કરવા દિવાકર જેવી જ એક્ટિંગ કરી જોઈ !
સફળતા ન મળતા તેના પપ્પા તરફ જોઈ બોલી;' હે પપ્પા, તમને પણ દાદુ જેવું પાછળથી દેખાય છે ?!!
કેનાનું ભોળપણ જોઈ બધાં ખડખડાટ હસી પડ્યાં.
કોરોનાકાળમાં સપડાયેલા સૌ આજે ફરી એકવાર ખડખડાટ હસી પડ્યાં.
* * *
આ અચાનક જ આવી પડેલી આ વૈશ્વિક મહામારીનો અંત આવે અને સૌ ફરી એકવાર આનંદ-કિલ્લોલ કરતાં થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરતાં મેં ડાયરી બંધ કરી.
