હકારાત્મકતા - સકારાત્મકતા
હકારાત્મકતા - સકારાત્મકતા
હકારાત્મકતા - સકારાત્મકતા
" મન ચંગા તો કથરોટમેં ગંગા "
પરમ કૃપાળુ પરમાત્માએ આપણા આત્મામાં અખૂટ શક્તિનો ભંડાર ભર્યો છે. અને મન એ સઘળા કાર્ય પૂર્ણ કરવા પૂરે પુરુ સક્ષમ છે. પણ એ બન્ને ને કાર્યરત રાખવા જરૂર છે હકારાત્મક અભિગમની. આ હકારાત્મકતા એટલે, હંમેશા સાચા, સારા, દ્રઢ નિશ્ચયવાળા, ઠોસ વિચારો જ કરવા. આપણા મનના વિચારોની તાકાત છે કે, વિચારોના પુદ્દગલો હવામાં, અવકાશમાં ફેલાય છે. એના તરંગોની તિવ્રતા એટલી બધી હોય છે કે તે વિચારો, હકીકત બની જાય છે. એટલે આપણે સાચું વિચારીએ તો સારું જ થાય, અને ખરાબ વિચારીએ તો ખરાબ જ થાય. જ્યારે જ્યારે જે જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે, તો શા માટે ખોટા વિચારો કરી એને વધુ ખરાબ કરવું. વર્ષો પહેલા નરસિંહ મહેતા એ કહ્યું હતું, -
સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.
ટાળ્યાં તો કોઈના નવ ટળે, રઘુનાથના જડિયાં.
સુખ પછી દુ:ખ, અને દુ:ખ પછી સુખ આવશે જ. એ જ સકારાત્મક વિચારોથી સુખ આવશે અથવા દુ:ખની તિવ્રતા તો જરૂર ઓછી થશે. કારણ કે સુખના વિચારો, દુ:ખનો મોટા ભાગનો સમય પસાર થઈ જાય છે.
ચિંતા કરવી એ પણ નકારાત્મકતા નો જ એક ભાગ છે. માટે સુખી થવું હોય તો ચિંતાની ચકલી મગજમાં માળો બાંધે એ પહેલાં જ ઉડાડી દેવી. ચીંતા તો ચીતા સમ છે, તો પછી શા માટે ચિંતા કરી જીવતાં જ પોતાની માટે જ ચીતા રચવી. હકારાત્મક વલણ જીવનમાં નવી દ્રષ્ટિ સાથે નવા પ્રાણ પૂરે છે. રાગ- દ્વેષ, ઈર્ષા, પરિગ્રહ, મોહમાયા, કષાયભાવ, ભૌતિક સુખોની અસીમ અપેક્ષા, કાલ્પનિક ભય વગેરે પણ નકારાત્મક વિચારોને દ્રઢ બનાવે છે. આ બધી નબળાઈઓને ઓળખી તાત્કાલિક દૂર કરવી જોઈએ. એ દૂર કરતા આવડી જાય તો સકારાત્મકતા આપોઆપ પ્રગટી જાય.
જે મળ્યું છે તે માણવાનું અને " મને મારી લાયકાતથી વિશેષ મળ્યું છે " આ સુત્ર ધ્યાનમાં રાખીને જે પોતાની મર્યાદા અને ક્ષમતા સમજે- જાણે, પછી છેક છેલ્લે ઉપર સુધી પહોંચવાનો પ્રયાસ કરે એનું જ નામ સકારાત્મકતા.
મનમાં હકારાત્મક વિચારો હોય તો ગમે તેવી શારીરિક બીમારી પણ દૂર થઈ જાય છે. તેવે સમયે બસ એટલું જ ચીંતવવાનું કે, જે તકલીફ આવી છે તે બીજા કોઈના કારણે નહી, પણ મારા જ કર્મોને આધીન આવી છે. તો એને હસતા હસતા ભોગવી લઉં. ને બસ, આમ મન સમતામાં, અને હકારાત્મકતા વિચારો મા આવી જશે. તકલીફની, બિમારીની માત્રા ધણે બધે અંશે ધટી જશે. અંગ્રેજીમા પણ એમ જ કહ્યું છે, - " Positive thinking is half done. "
"હમ હોગે કામિયાબ એક દિન " આને જીવન મંત્ર બનાવી, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રદ્ધા અને વિશ્વાસ થી મનમાં બોલી લેવું. આ બની રહેશે કાર્ય પૂર્ણતાનું મોટું જમા પાસુ.
મારા જ અનુભવના નિચોડ સમ, મારું લખેલું એક કાવ્ય ---
સૌ મિત્રો, સઘળા સ્નેહીજનો
એક વાત મારી આ માનો
આ ક્ષણ ક્ષણને માણો
છોડી ચીંતા આવતી કાલ
ને છોડી વાગોળવું ગઈ કાલ
બસ, કરો આજે ગમતા નો ગુલાલ
રાહ જોવામાં મનગમતી ક્ષણની
વેડફો નહી આજની અનમોલ ક્ષણ
જે જશે પછી ફરી નહી આવે ક્ષણ....
સમંદરની રેતી જેવી આ ક્ષણ
સરી જશે હાથમાં થી આનંદ ખાણ
બસ, માણ્યા કરો આ ક્ષણ ક્ષણ
સમય ગયો તે ભલે ગયો
જાગ્યા ત્યારથી થઈ સવાર
ચાલો, ફરી કેસરીયા કરીએ...
સૌ મિત્રો, સઘળા સ્નેહીજનો
એક વાત મારી આ માનો
ઉજવો ક્ષણ ક્ષણ આનંદોત્સવ
