હિસાબ
હિસાબ


એક સાથે આટલા બધાને ? કેમ ? સાલું આપણે કંઈ નહિ કરીએ, પોતાનું રક્ષણ કરીએ તો પણ એમને તો આપણને મારવા જ છે. કોઈ ધર્મ આતંકવાદ નથી શીખવતો, પછી શું કામ આ હિંસાના અનુયાયીઓ ધર્મના નામ પર આતંકવાદ ફેલાવે છે ? કઈ આઝાદી જોઈએ છે એમને ? કેવી રીતે રહે છે આટલા વર્ષોથી ? શું મળ્યું આટલા બધા લોકોને માર્યા પછી કે પોતાના જ લોકોને ગુમાવ્યા પછી, શું ? મારા મનમાં આવા સવાલો સતત આવતા હતા ત્યારે એક દિવસ સમાચાર મળ્યા કે એક સર્જીકલ સ્ટ્રાઈક કરી છે આપણા દેશની સેનાએ અને ઘણા ખરા આતંકવાદીઓને ઉડાડી દીધા છે. હું ખુબ ખુશ થયો. મેં સમાચાર સંભળાવ્યા મારા ઘરમાં, સહુ રાજી થઇ ગયા.
જોકે મારા ઘરમાં એ ઘટના પહેલા મને જ આટલો રસ હતો દેશદાઝમાં, બાકી બધા ઠીક છે. અને એમાં પણ મારા પપ્પા એટલે પૂર્ણ નાસ્તિક, પૂર્ણ વાસ્તવિક અને લાગણી વિહોણા ન કહી શકો એવા ભૌતિકવાદી. મારા પપ્પાને એમનો બીઝનેસ વ્હાલો, બીઝનેસ જોરશોરમાં હતો એટલે ખુશ. બાકીની કોઈ ચિંતા નહીં. અને આ જ કારણોથી મને એમના બિઝનેસમાં કોઈ રસ નહીં. આમ જ ચાલ્યા કરતું. અમારી વચ્ચે આ કારણોસર ઘર્ષણ પણ ખાસ્સું થતું.
એક દિવસ મારા પપ્પાને એમના મિત્રને ત્યાં ચંડીગઢની પાસે આવેલા એક ગામમાં જવાનું થયું. ગામમાં ભારે ભીડ હતી. એ જ ગામના રહેવાસી શહિદનો મૃતદેહ પોતાને ગામ આવવાનો હતો, આખું ગામ દુઃખમાં મગ્ન હતું અને અને મારા પપ્પાને તકલીફ હતી કે આટલા બધા લોકો રસ્તા પર કેમ ઉતારી આવ્યા છે ? એમણે પોતાની કાર બાજુએ કરીને ચાલતા જવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ અને સમય બચાવવા એમણે પણ આમ જ કર્યું. આ એ જ શહીદ હતા જેના સમાચાર, પપ્પા સાથે બનેલી આ ઘટનાના બે દિવસ પહેલા મેં ટી.વી. પર જોયા હતા. પપ્પા પોતાના મિત્રના ઘરે પહોંચ્યા, ઘરે કોઈ ન મળ્યું, બધા એ શહીદના ઘરે ગયા છે એવો જવાબ ઘરના નોકરે આપ્યો. પપ્પા પાછા વળતા હતા ત્યાં જ મિત્ર સામે મળ્યા, પપ્પાએ જરા ઉડાઉ રીતે કહી દીધું કે આતંકવાદીઓનું આ જ કામ છે અને આપણે કોઈને સળી કરીએ તો કોઈ થોડું ચુપ બેસે એટલે આવું તો થવાનું જ. મિત્રથી રહેવાયું નહિ અને એ પપ્પાને ખેંચીને એ શહીદના ઘરે લઇ ગયા,
"જો આ, છ મહિનાની છોકરી છે, આ પત્ની ૨૩ વર્ષની ઉંમર છે એની, આ મા-બાપ ખેડૂત છે, અને આ ઘર છે."
"તો ?"
"તું આજે અહી છે કારણકે એ આતંકવાદીને ત્યાં જ રોકવા માટે આવા ઘણા ત્યાં ફરજ પર છે, એ લડે છે અને મરે છે તો તું આજે જીવે છે અને કમાય છે."
"હું મારું કામ કરું છું, એ એનું કામ કરે છે."
"એ એનું કામ કરતા મરે છે તો જ તું કમાય છે. તું આનાથી કમાય છે. આ લાશથી, આ શહીદીથી.. શરમ કર.."
મારા પપ્પા બે દિવસ સુધી ત્યાંથી પાછા ન આવ્યા, શહીદી અને એની પાછળ પરિવારનો માતમ, એ જોયા પછી એમનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હશે. કદાચ એ કરુણ લાગણી અનુભવી હશે જે એક એક શહીદના મૃતદેહ સાથે એમણે કમાણી કરી હશે. હા, મારા પપ્પાનો એ લાકડાની પેટી બનાવવાનો બીઝનેસ હતો જેમાં જવાનોના મૃતદેહને મૃત્યુ સ્થળથી પોતાના વતન કે પછી વાહનવ્યવહાર દરમ્યાન વપરાશમાં લેવાય છે. આ આતંકવાદીઓથી એમનો બીઝનેસ વધ્યો હતો. પણ જયારે એમણે બહુ નજીકથી એ લાકડાની પેટીમાં આવતા મૃતદેહને અને એની પાછળ રડતી આંખો જોઈ ત્યારે એ સાવ બદલાય ગયા. બીજે દિવસે પેપરમાં ફોટો આવ્યો ત્યારે લાઈનસર શહીદોના મૃતદેહ પેટીમાં પેક કરીને મુક્યા હતા, જેમાંથી એક શહીદ એ પેલા ગામમાં જોઇને આવ્યા હતા. એ બધી જ પેટી પપ્પાની ફેક્ટરીમાંથી ગઈ હતી. એ જ પપ્પાનો પ્રોફિટ હતો. પણ એ દિવસ પછી...
અમારો પરિવાર આજે ઓર્ગેનિક ફાર્મિંગનો બીઝનેસ કરીએ છીએ અને પપ્પા એક ટ્રસ્ટ ચલાવે છે જ્યાં આ લાકડાની પેટી ફ્રીમાં અપાય છે પણ એની પાછળના ખર્ચનો હિસાબ નથી થતો. અને મારા પપ્પા દરરોજ વાહેગુરુને પ્રાર્થના પણ કરે છે કે એક સમય એવો દેખાડે જ્યારે આવી લાકડાની પેટીઓની જરૂર ન પડે.