Shailee Parikh

Children Others

3  

Shailee Parikh

Children Others

હેલિકોપ્ટર

હેલિકોપ્ટર

2 mins
7.4K


એક નાનકડું શહેર હતું. તેમાં કરસનભાઈ નામે એક રમકડાં બનાવવાનો વેપારી રહેતો હતો. નદી કિનારેથી માટી લાવે અને ઢીંગલા-ઢીંગલી બનાવે. વળી લાકડાંની પટ્ટીઓને પૂંઠાનાં ખોખાને રંગ કરી જાત-જાતનાં રમકડા બનાવે.

તેમનાં રમકડાં લેવા આસપાસ શહેરમાંથી પણ લોકો આવતા. કરસનભાઈની બાજુમાં રાજુ નામનો નાનકડો છોકરો રહેતો હતો. તેને ઘરમાં કૂતરું પાળ્યું હતું. તેને કરસનકાકાના રમકડાં ખૂબ ગમતાં.

રાજુ દરરોજ કરસનકાકાના બનાવેલાં રમકડાંથી રમતો. શાળાએ જતો અને પાળેલા કૂતરાને લઈને આખી સોસાયટીમાં ફરતો. એકવાર સોસાયટીમાં ફરતાં-ફરતાં તેણે જોયું કે ઉપર આકાશમાં નાનકડું હેલીકોપ્ટર ફરતું હતું.

રાજુને થયું મારી પાસે પણ આવું હેલીકોપ્ટર હોય તો કેટલી મઝા આવે? રાજુભાઈ તો બધી રમત બાજુ પર મૂકી દોડ્યા કરસનકાકા પાસે. કરસનકાકાને બૂમ પાડતા જાયને રાજુભાઈ દોડતા જાય. રાજુની બૂમો સાંભળી કરસનકાકા ઘરની બહાર દોડી આવ્યા.

રાજુ કહે, "કાકા, કાકા મને રમકડાનું હેલીકોપ્ટર બનાવી આપોને જેમાં હું અને મારો કુ..કુ.. કૂતરો સાથે બેસીને ઊંચા આકાશમાં ઊડીએ અને તમારા બધાનાં ફોટા પાડીએ, મઝા કરીએ." રાજુની વાત સાંભળી કરસનકાકા હસી પડ્યા. રાજુને કહે, "બેટા, એ હેલીકોપ્ટર તો એન્જીનીયર જ બનાવી શકે મને ન આવડે." રાજુ કહે, "ના, કાકા તમે મને રમકડાનું ઊડે એવું હેલીકોપ્ટર બનાવી આપો, નહિતર તમારી કિટ્ટા."

રાજુની જિદ્દ સાંભળી કરસનકાકા તો વિચારમાં પડી ગયા. તેમણે પોતાના દીકરાને બોલાવી રાજુની જિદ્દ વિષે કહ્યું. કરસનકાકાનો દીકરો ચીંટુ કહે, "પપ્પા આમાં અઘરું કંઈ નથી મારા શિક્ષકે એકવાર કોમ્પુટરનાં વિષયમાં ભણાવેલું કે દુનિયાભરનું જ્ઞાન તમને ઈન્ટરનેટ પરથી મળે. હું તમને રમકડાનું હેલીકોપ્ટર બનાવવાની રીત ઈન્ટરનેટ પરથી શોધી આપું છું." ચીંટુએ મોબાઈલમાં ઈન્ટરનેટ ચાલું કર્યું. હેલીકોપ્ટર બનાવવાની રીતના મુદ્દા કાગળમાં નોંધી કરસનકાકાના હાથમાં મૂક્યા. કરસનકાકાએ ચીવટથી વાંચી લખેલી રીત પ્રમાણે બીજા દિવસે સવારે હેલીકોપ્ટર બનાવવાની શરૂઆત કરી. સાંજ સુધી સખત મહેનતથી તેમને ઊડી શકે તેવું નાનું સેલથી ચાલતું હેલીકોપ્ટર બનાવ્યું અને રાજુના ઘરે ગયા.

રાજુ કરસનકાકાના હાથમાં હેલીકોપ્ટર જોઈ ખુશ થઈ ગયો. કરસનકાકા એ કીધું કે આમાં તું બેસીને તારા કૂતરા જોડે આકાશની સફર નહીં કરી શકે પણ તારા કુકુ જોડે ઘરનાં ચોકમાં બેસી કુકુ સાથે રમતાં-રમતાં રિમોટથી આ હેલીકોપ્ટર ઉડાડી શકીશ. હવે તો ખુશને મારા રાજુ બેટા?

રાજુએ હેલીકોપ્ટર કરસનકાકા પાસેથી લઈ ઘરમાં મુક્યું અને કરસનકાકાનો આભાર માન્યો. કરસનકાકાને પણ રાજુની હેલીકોપ્ટરની જિદ્દ પરથી નવી વસ્તુ બનાવવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની પ્રેરણા મળી.


Rate this content
Log in

Similar gujarati story from Children