હૈયાની હાશ !
હૈયાની હાશ !


ના......, મંડપ ડેકોરેશનમાં મને લાઇટ પિન્ક અને સફેદ કાર્નેશનનાં ફૂલજ જોઇશે. મારી મિશાનું એ ફેવરીટ કોમ્બીનેશન છે. પોતાના લગ્નની અત્યંત આનંદ, ઉત્સાહ અને અધીરાઈથી તૈયારી કરતી મમ્મીને મિશા જોઇજ રહેતી.
પણ એ સભર દેખાતા મુખવટા પાછળ ડોકાતી એકલતા અને અજંપાભર્યા અવકાશની ઝલક મળતાંજ એ બેચેન થઈ ઉઠતી. મા-દીકરીની નાનકડી દુનિયામાંથી પોતે જશે, ત્યારે મમ્મીના જીવનમાં સર્જાનારા સૂનકારની કલ્પનાથીજ એનું હૈયું ભારે થઇ કોઇ સમાધાન શોધવા તડપતું.
વિદાય વેળાએ પોતાના પાલવથી મિશાનાં આંસુ લૂછતી મમ્મીના હાથમાં મિશાએ એક સુંદર ટોકરી મૂકી. એનું ઢાંકણ ખોલતાં બોલી, "મમ્મા..., આ મારી પાર્ટીંગ ગિફ્ટને તું સાચવીશ ?"
ટોકરીમાં નજર પડતાંજ મમ્મીએ જોઇ બે નાની-ચમકતી આંખો!! જે એને તાકી રહી હતી.એને લાગ્યું....અરે !! આ તો નાની મિશાની જ આંખો !
ત્યાં તો ઝીણો, મધુર સ્વર સંભળાયો.... "મ્યાઉં"
બિલ્લીનાં એ માસૂમ બચોળીયાને મમ્મીના હૈયા સરસું ચંપાયેલ જોઇ મિશાને હૈયે " હાશ ! " થઇ.
મિશાને ખાત્રી છે કે, મમ્મી હવે સૂની નહીં પડે. આ નાનાં પ્રાણીઓ તો ભગવાનનાં ફરિશ્તાઓ છે. આપણી થોડીક કાળજીનાં બદલામાં એ આપણને અઢળક પ્રેમ, સંતોષ ને હૂંફ આપે છે. માણસની નિરાશા એકલતામાં એ આનંદની જડીબુટ્ટી બની જીવનભર નો સાથ આપે છે.