હા, નવસર્જન શક્ય છે
હા, નવસર્જન શક્ય છે
એક દિવસ ચિંટુ દોડતો એના દોસ્તો પાસે પહોંચ્યો. એણે એક સવાલ કર્યો, "આપણા બધામાંથી હોંશિયાર કોણ છે એ નક્કી કરવા સૌએ એક જ વાર્તા પોતાની રીતે કહેવાની."
બધાએ સંમતિ આપી.
પિંટુ : એક ગામમાં એક ડોશી રહેતી'તી. એને દિકરીને ઘેર જવું'તું. રસ્તામાં જંગલ હતું. એ તો ભંભુટિયામાં બેસીને દિકરીને ઘેર ગઈ.
નીકુ : ના, ના. એ ડોશીને તો જંગલમાં વાઘ અને વરુ મળેલાં. પણ ડોશી બોલી, "દિકરીને ઘેર જાવા દે.....
એ......બધા જુઓ પેલું વિમાન જાય. પછી છે ને સિંહે એને જવા દીધી.
ચીકુ: અરે ! એમ નહિ પણ જંગલમાં સિંહ તો હતો જ નહિ. એટલે તો વાઘનું રાજ હતું. આમ, દરેક બાળકની એક જ વાર્તા માટે અલગ જ રજૂઆત હતી. વાર્તાનું હાર્દ તો દિકરીને ઘેર જવા માટે ડોશીની તરકીબ સમજાવવાનું હતું. કોઈ બાળકને પ્લેન જોવું વાર્તા કરતાં વધુ આનંદપ્રદ હતું. તો કોઈને જંગલમાં ડોશીને જે ક્રમમાં પ્રાણીઓ મળેલાં એના ઉલટા ક્રમમાં વળતી વખતે મળેલાં એમાં વધુ રસ હતો. કોઈને મા-દિકરીની વાતોમાં રસ હતો. તો કોઈને ભંભુટિયાને ડોશી કેવી રીતે ગબડાવતી એમાં રસ હતો.
આમ, બાળકોને સમજવા બાળસહજ બનવું પડે. એની કૂતુહલવૃત્તિને ઢંઢોળવી પડે. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓ દરમિયાન એની સમજણ અને આવડતને સમજીને એ મુજબ કૌશલ્ય વિકસાવી શકાય. બાળકની શારીરિક અને માનસિક ક્ષમતા અનુસાર એને પૂરક પ્રવૃત્તિ સોંપવી જોઈએ. ખાસ તો આજના મોબાઇલ ફોનના યુગમાં એને સાચી દિશામાં જવા માટે સતત જાગૃત રહેવું જરૂરી છે. વિવિધ રમતો દર્શાવતી એપનો ઉપયોગ કરી એ બાળપણથી જુગારી ન બને એ માટે જાગૃતિ જરૂરી છે.
વર્ગખંડ હોય કે રમતનું મેદાન, કેટલાંક બાળકો વધુ પડતાં તોફાન કરે ત્યારે એનું કારણ શોધવાનો પ્રયાસ જરૂરી છે. જેમકે, એ 'અન એટેન્ડેડ ચાઇલ્ડ' તો નથી ને ? એનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય, કે પરિવારમાં સતત ક્લેશ જોવા મળતો હોય. આમાંથી જે કારણ જણાય, તે તરફ ધ્યાન આપવાથી એની વર્તણૂકમાં સુધારો લાવી શકાય. શારીરિક તકલીફ હોય તો એનામાં જે બાબત સારી હોય એને વિકસાવાય. એ યાદ રાખવું ઘટે કે દરેક બાળક ખાસ છે. એની તુલના અન્ય સાથે ન કરો. એની, વિશિષ્ટતા બહાર લાવવા પ્રયત્નશીલ બનો. એક બાબત યાદ રાખવી ઘટે કે બાળકનાં માનસઘડતરમાં ઊંચનીચ, ગરીબ-તવંગર, ધર્મી- વિધર્મી જેવાં બીજ ન રોપો. એને બદલે માનવમાત્ર એકસમાન જેવી ભાવના વિકસાવો. એને પર્યાવરણપ્રેમી બનાવો. આ તમામ જવાબદારી શિક્ષણસંસ્થાઓ, વાલીઓ, ઉપરાંત તમામ વ્યાવસાયિકો સાથે મળીને નિભાવે તો સમગ્ર વિશ્વનું ભાવિ ઉજળું બની શકે.
તો, પેલા ચિંટુએ હવે વાર્તાને નવો વળાંક આપ્યો.
ચિંટુ : પણ ડોશી એકલી શું કામ રહે ? એ દિકરીને ઘેર કાયમ રહે તો કેટલું સારું !!
પિંટુ : પણ એ દિકરીનાં સાસરે ન રહી શકે.
ચીકુ : એનો નિર્ણય સમાજે નહિ, એ મા-દિકરીએ કરવાનો છે.
ચિંટુ : સાચીવાત. પણ, મને લાગે છે કે હવે જંગલ કપાઈને રસ્તા બની ગયા છે, તો એ બધાં પ્રાણીઓનું શું થયું હશે ?
નીકુ : આપણે ભેગાં મળીને નાનાં નાનાં જંગલ બનાવીને એ બધાંને બચાવી ન શકીએ ?
પિંટુ : હા....હા...હા...્ નાનકડાં જંગલ ?
નીકુ : હા, મેં ગૂગલમાં 'મિયાવાકી જંગલ' જમીનના નાનકડા ટૂકડામાં પણ બનાવી શકાય. અને આપણામાંથી ઘણાને મોટાં ખેતરો છે.
ચોકઠાનાં ચાર ખેતરમાંથી થોડીથોડી જમીન લઈને ચાર ખેતરની વચ્ચે જ મિયાવાકી જંગલ બને તો ખેતી પણ સારી થાય અને પર્યાવરણ પણ જળવાય.
ચીકુ: હા, એમ કરીએ તો અમારી જમીનની એક બાજુ અબ્દુલની અને બીજી બાજુ થોમસની જમીન છે. અને એક નાનકડો ટૂકડો રામુચાચાનો પણ છે.
ચિંટુ : વાહ, તો તો બધા કેવાં હળીમળીને રહી શકે?
પિંટુ : મને આની તો ખબર જ નહોતી.
હવે તો હું જ પહેલાં મારા પપ્પાને કહું છું.
સૌએ સૂર પૂરાવ્યો અને વિશ્વનાં નવનિર્માણનું પહેલું કદમ દ્રઢતાથી માંડવા સૌ સજ્જ થયાં. જો વડીલો પણ પૂર્વગ્રહો છોડીને આ દિશામાં વળે તો ! હા, નવસર્જન શક્ય છે, એવી શ્રદ્ધા કેળવાય.
