હા, હું ભારતીય છું.
હા, હું ભારતીય છું.


મને હંમેશા એ વાતનું ગૌરવ રહ્યુંં છે કે હું ભારતીય છું. ભારત ભૂમિ એટલે કરુણા, બુદ્ધિમત્તા, અને ઊચ્ચ સંસ્કારોનો ત્રિવેણી સંગમ.
આ ભૂમિ પર જ ગાંધીજી, વિવેકાનંદ જેવી વિભૂતિઓએ જન્મ લીધો છે.
અહીં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ થઈ, અને દરેક ક્ષેત્રમાં પુરસ્કાર પ્રાપ્ત કર્યા, પછી એ શાંતિ માટેનું હોય, સાહિત્યનું હોય ફિઝિક્સનું હોય કે મેડીસિનનું હોય. અરે, અવકાશ યાનમાં પણ જનારી પ્રથમ મહિલા પણ ભારતીય જ હતી.
હું જયારે લંડન ગઈ એના થોડા દિવસો પછી નવરાત્રીનો તહેવાર આવતો હતો. સેન્ટ્રલ લંડનના પિકાડીલી સરકસ ના ટ્રફલ ગર સ્કેવર માં નવરાત્રી નો તહેવાર ધામધૂમથી ઊજવવા માં આવે છે. હું જ્યારે ત્યાં પહોંચી ત્યારે ત્યાં ચણિયાચોળીમાં સજ્જ ઘણી બધી ભારતીય મહિલાઓ આવી હતી. જો કે મેં જોયું કે જોવા આવનાર ભારતીય સિવાયના ઘણા બધા પરદેશીઓ હતા ત્યાંના મેયર પણ હાજર રહેલા. નવાઈની વાત એ હતી કે જજ તરીકે ભારતીય સિવાય બીજા જજ લંડનના હતા. મને આનંદ એ વાત નો હતો કે આપણી સંસ્કૃતિના મૂળ ઘણા ઊંડા છે.
ગરબાની રમઝટ પર લંડન વાસીઓ ઝુમી ઊઠયા. પ્રેક્ષકોમાંથી પણ ઢગલાબંધ "ગીફટ વાઉચર" ગરબા રમનારાઓ ને આપતા રહ્યાં. નવાઈ મને ત્યારે લાગી કે જયારે ત્યાં ના મેયરે મોટી રકમ નું "ગિફ્ટ વાઉચર" આપ્યું. બહાર જયાં ભારતીય વાનગી ના સ્ટોલ હતા ત્યાં લંડન વાસીઓની ભીડ ઘણી હતી. પરંતુ થોડા જ સમયમાં બધી ભારતીય વાનગીઓ ખલાસ થઈ ગઈ.
લોકો ના મોંએ ભારતીય ગરબા, ભારતીય સાત્વિક વાનગીઓની પ્રશંસા સાંભળી ગર્વ અનુભવતી ત્યાંથી સ્ટેશન બાજુ જતી હતી ત્યાં પણ ગરબા અને વાનગીઓ ની પ્રશંસા વ્યક્ત કરી રહ્યા હતા.
હું જયારે સ્ટેશન પહોંચી ત્યારે મેં જોયું કે એક સ્ત્રી ઊતાવળ માં લગભગ દોડતી જતી હતી અને એ પ્લેટફોર્મ પરથી નીચે પડી ગઈ. સામેથી ગાડી આવી રહી હતી. મદદ માટે બૂમો પાડી રહી હતી. લોકો જોઈ રહ્યા હતા ત્યાં જ એક નવજુવાન પોતાની જાતની પરવાહ કર્યા વગર પ્લેટફોર્મ પર થી નીચે કુદી ગયો. બીજી જ મિનિટે એ બાઈને ઉપર ની બાજુ ધકેલી ને એ ઉપર આવી ગયો. મેં જોયું કે એ યુવાન ભારતીય હતો.
પરદેશીઓમાંથી કોઈ પણ મદદ માટે આગળ ના આવ્યુ પણ એક ભારતીય આગળ આવ્યો. પરદેશીઓ વચ્ચે એક ભારતીય આગળ આવ્યો અને મદદ કરી એ જોઇને હું ગર્વ અનુભવી રહી હતી.
ભારતીય એટલે જ કરુણા બતાવનાર. પારકા દેશમાં પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવનાર. આ બધું જોઈ મને એ દિવસે ભારતીય હોવાનો ગર્વ થયો.