ગુરૂ પૂર્ણિમા
ગુરૂ પૂર્ણિમા


|| ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વ૨,
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસમૈ શ્રી ગુરૂવે નમ:||
ગુરૂ બ્રહ્મા છે કે જેને સમગ્ર સૃષ્ટિ રચયિતા છે, ગુરૂ જ વિષ્ણુ છે કે જે પાલનકર્તા છે , ગુરૂ જ સાક્ષાત દેવાધિદેવ મહેશ્વર મહાદેવ છે કે જે સંહાર કરે છે, ગુરૂ પરબ્રહ્મ છે એવા મહાન ગુરૂને સાક્ષાત કોટી કોટી વંદન તેમજ શત શત નમન છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને આ ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો કે જેને અનેક વેદ, ઉપનિષદો તેમજ પુરાણોની રચના કરી સમગ્ર જગતને જ્ઞાન આપ્યું. શિષ્યો માટે સૌથી અગત્યનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમાનો દિવસ અને આ દિવસ આવે એટલે બધા શિષ્યો પોતાના ગુરૂને પ્રણામ કરવા તેમજ આશીર્વાદ લેવા જાય છે અને ગુરૂ પાસેથી અલૌકિક આશીર્વાદ મેળવે છે. ગુરૂને માતાપિતાની સમકક્ષ માનવામાં આવે છે અને જયારે પણ ગુરૂની વાત કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ માતાપિતાને પ્રણામ કરવા કેમ કે એ જીવન જીવવાનો યોગ્ય માર્ગ બતાવે છે, બીજા ગુરૂ એ કે જે આપણને શાળાઓમાં, ગુરૂકુળમાં કે સંસ્કૃત વિધાપીઠમાં જ્ઞાન આપી સફળતાના માર્ગ સુધી પહોચાડે છે.
ગુરૂ આપણને કોઈપણ જ્ઞાન પ્રદાન કરતા હોય ત્યારે એક શિષ્યની પણ ફરજ બને છે કે તે પોતાનું સંપૂર્ણ યોગદાન તે વસ્તુને યોગ્ય રીતે શીખવામાં આપે જેથી તે પોતાના ગુરૂનું નામ રોશન કરી એક શિષ્ય તરીકે પોતાના ગુરૂના હૃદયમાં એક અનેરી ઓળખ બનાવી અનોખુ સ્થાન પ્રાપ્ત કરે.
જયારે પણ ગુરૂની વાત આવે એટલે આપણને ગુરૂ પરશુરામ યાદ આવે કે જેને પોતાનું સંપૂર્ણ યોગદાન પોતાના શિષ્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ તથા કર્ણને અનેક પ્રકારના શસ્ત્રોનું જ્ઞાન આપ્યું અને આ ત્રણેય શિષ્યોને વીર અને મહાન યોધ્ધા બનાવ્યા.
ગુરૂ દતાત્રેય કે જે બ્રાહ્મણ ઋષિ અત્રી તથા માતા અનસુયાના પુત્ર છે, તે સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય દેવોનો અંશ છે, આ કથા એવી છે કે પતિવ્રતા પત્નીની પતિવ્રતા ખંડિત કરવા માટે દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી તથા દેવી પાર્વતીએ પોતાના પતિઓને અત્રીઋષિની પત્ની અનસુયા પાસે સાધુના રૂપમાં અત્રી ઋષિના આશ્રમે મોકલેલ હતા, ત્યાં આવી ભોજન માટે આસન આપ્યું પણ ત્રણેય એ અનસુયાને કહ્યું કે તમે નિર્વસ્ત્ર થઇ ભોજન કરાવો એટલે માતા અનસુયાએ તેમને પોતાની શક્તિથી બાળક બનાવી દીધા અને ભોજન કરાવ્યુ
ં હતું સમય પસાર થતા દેવો પોતાના લોક ન પહોચ્યા માટે ત્રણેય દેવી ત્યાં આવ્યા અને અને અનસુયા માતાની માફી માગી અને પોતાના પતિઓને વાસ્તવિક સ્વરૂપમાં લાવ્યા અને ત્રિદેવોએ અનસુયા માતાને વરદાન માંગવા કહ્યું ત્યારે અનસુયા માતાએ પ્રાર્થના કરી કહ્યું કે આપ ત્રણેય મારા ઘરે પુત્રના રૂપમાં જન્મ લો ત્યારે ત્રિદેવોએ વરદાન આપ્યું કે કાલાંતર સમય આવતા અમે તમારે ત્યાં પુત્રના રૂપમાં જન્મ લેશું આમ ત્રિદેવોએ તેના ઘરે જન્મ લીધો હતો અને તે બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં , શિવના અંશથી દુર્વાસા તથા વિષ્ણુના અંશથી દતાત્રેય અને આ તેજસ્વી પુત્રને નામ મળ્યું દતાત્રેય, ભગવાન દતાત્રેય કે જેને પોતાના જીવનમાં ૨૪ ગુરૂ ધારણ કર્યા હતા.
ગુરૂ પરશુરામ દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનથી ગુરૂ દ્રોણાચાર્યએ પાંચ પાંડવોમાં યુધિષ્ઠીર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ તથા દુર્યોધન સહીત સો કૌરવો મળી કુલ એક સો પાંચ કુમારોને શિક્ષણ પ્રદાન કર્યું આ કાર્યકાળ દરમ્યાન ગુરૂ દ્રોણાચાર્ય પાસેથી સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો અને ગુરૂ દ્રોણાચાર્યના હૃદયમાં વિશેષ સ્થાન ધારણ કર્યું.
ગુરૂ વશિષ્ઠે અયોધ્યાના રાજા દશરથના પુત્રો રામ , લક્ષ્મણ , ભરત અને શત્રુઘ્નને વિદ્યા આપી હતી, ગુરૂ સાંદીપની કે જેને વાસુદેવ શ્રી કૃષ્ણ , બલરામ તેમજ સુદામાને વિદ્યા પ્રદાન કરી હતી.
ગુરૂને જયારે પણ આપણે યાદ કરી ત્યારે કબીરજીનો એક સરસ મજાનો દુહો યાદ આવે ,
|| ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે , ગુરૂ બિન મિલે ન મોક્ષ
ગુરૂ બિન લખે ન સત્ય કો , ગુરૂ બિન મીટે ન દોષ||
આનો અર્થ એમ થાય કે ગુરૂ વિના જ્ઞાન મળવું અસંભવ છે , ગુરૂ જ મોક્ષનો માર્ગ બતાવે છે , ગુરૂ વિના સત્ય અને અસત્યની ઓળખ ના થઇ શકે, ગુરૂ વિના જીવનમાં દોષમાંથી મુક્તિ મેળવવી અસંભવ છે.
આમ, આવી રીતે ભારત ભૂમિ પર મહાન ગુરૂઓના જયારે પણ નામ લેવામાં આવે ત્યારે આ ગુરૂઓના નામ તો લેવાય જ છે પણ આ સાથે ગુરૂ દતાત્રેય, આદ્યજગદગુરૂ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રીમદ રાજચંદ્ર સહીત અનેક ગુરૂઓને શ્રી ગુરૂવે નમ: કહી પ્રણામ કરવા.
આમ, શ્રી ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂને વંદન કરવાથી જ્ઞાનમાં અનેકગણો વધારો થાય છે, ગુરૂએ છે કે જે શિષ્યને અંધકારથી પ્રકાશ તરફ લઇ જાય છે. ગુરૂ દ્વારા નવા નવા વિચારોમાં વૃધ્ધિ થાય છે તેમજ અનેક લક્ષ્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.