સત્યને અનુસરતી વિજય પ્રાપ્તિ
સત્યને અનુસરતી વિજય પ્રાપ્તિ
|| સત્યવ્રત સત્યપરં ત્રિસત્યં ,સત્યસ્યયોનિ નિહિતમચ સત્ય
સત્યસ્ય સત્યમૃત સત્યનેત્ર, સત્યાત્મક ત્વાં શરણં પ્રપધ્યે ||
આપણી ભારતીય સંસ્કૃતિમાં સારામાં સારું અને શ્રેષ્ઠ જીવન જીવવું એ દરેક મનુષ્યની અપેક્ષા હોય છે, દરેક મનુષ્ય સત્યનું પાલન કેટલું કરે છે એ પણ મહત્વની બાબત છે, દરેક મનુષ્યના જીવનમાંથી બધુ ભલે જતું રહે, પણ સત્ય ક્યારેય ન જવું જોઈએ, જીવનમાં ગમે તેટલું કષ્ટ પડે તો પણ સત્યનો ત્યાગ ન કરવો. ભગવાનને મેળવવાનું એકમાત્ર શ્રેષ્ઠ સાધન પણ સત્ય જ છે. સત્યમેવ જયતે સત્યથી જ ધર્મની જય છે. સત્ય દ્વારા મનુષ્ય ધારે તે વસ્તુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
એક રાજા પોતાની પ્રજાનો સેવક હોય છે, પ્રજાનું પાલન કરનારો હોય છે. એક વખત આ રાજાના મહેલમાંથી મોડી રાત્રે એક સ્ત્રી મહેલની બહાર નીકળે છે. આ સમયે રાજા પુછે કે હે સ્ત્રી તમે કોણ છો? ત્યારે આ સ્ત્રી જવાબમાં કહે છે કે મારું નામ લક્ષ્મી છે, હું તમારો મહેલ છોડીને જાઉ છુ. ત્યારે રાજને કહ્યું ભલે આપ જઈ શકો છો, ત્યારબાદ થોડો સમય પસાર થતા મહેલમાંથી એક પુરૂષ બહાર આવ્યો. ત્યારે રાજને પૂછ્યું કે આપ કોણ છો ત્યારે પુરૂષે રાજનને કહ્યું મારું નામ દાન છે, લક્ષ્મી ગયા હું અહી રહી શું કરીશ, હું આપનો મહેલ છોડીને જાઉં છું. રાજને કહ્યું ભલે આપ જઈ શકો છો, થોડો સમય પસાર થતાની સાથે ફરી એક પુરુષ મહેલની બહાર આવે છે, રાજન પૂછે છે કે આપ કોણ છો ત્યારે આ પુરૂષે જવાબમાં કહ્યું કે મારું નામ તપ છે, લક્ષ્મી ગયા, દાન ગયા, હું તપ અહી મહેલમાં રહી શું કરીશ. ત્યારે રાજને તપને કહ્યું ભલે આપ પણ જઈ શકો છો, થોડો સમય પસાર થતા ફરી એક પુરુષ મહેલની બહાર આવે છે, ત્યારે રાજને પૂછ્યું કે આ
પ કોણ છો ત્યારે સામેથી પુરૂષનો જવાબ આવ્યો કે મારુ નામ સત્ય છે, લક્ષ્મી ગયા, દાન ગયા, તપ ગયા. હવે હું સત્ય એકલો રહી શું કરીશ ત્યારે રાજન બે હાથ જોડી સત્યને વિનંતી કરે છે કે હે સત્ય તમે મને તથા મારા મહેલને છોડીને ન જાઓ. લક્ષ્મી, દાન, તપ બધા ભલે ગયા, મને વાંધો નહોતો પણ તમે ન જાઓ. તમે જો મારી સાથે હશોને તો હું લક્ષ્મી, દાન, તપને ફરી પાછા અહી મહેલમાં લાવીશ. રાજનની વાતનો સત્યએ સ્વીકાર કર્યો, સત્ય રાજનની પ્રાર્થના સાંભળી રાજનના મહેલમાં જ રોકાઈ ગયા, રાજનનો મહેલ છોડીને ન ગયા. રાજને સત્યને રોકી સત્યનું આચરણ કર્યું. સત્યના અનુસરણથી ફરી એક વખત લક્ષ્મી, દાન અને તપ રાજનના મહેલમાં આવી કાયમ માટે સ્થગિત થયા. આમ જીવનમાં સત્યનું ખુબ મહત્વ છે.
આમ આવી રીતે મનુષ્યના શરીરનું પણ એવું જ છે, મનુષ્યના શરીરમાંથી એક આંખ જતી રહેશે તો ચાલશે, એક પગ જતો રહેશે તો પણ ચાલશે, એક કાન જતો રહેશે તો પણ ચાલશે પણ જો આ શરીરમાંથી એક પ્રાણ જતો રહેશે તો કાઈ જ નહિ રહે એવી રીતે આ જીવનમાં સત્યનું પણ એવું જ છે સત્ય એક જો સાથે હશે તો તમે જગતને પણ જીતી શકશો. વિપરીત પરિસ્થિતિમાં પણ સત્યનો સાથ ન છોડવો.
એટલે જ કહેવાયું છે કે પ્રાણ એ સત્ય છે. સત્યનું આચરણ કરવાથી જીવનમાં સુખ,શાંતિ, સમૃધ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે માટે સત્યનું હમેશા યોગ્ય રીતે પાલન કરવું, વડીલોની મર્યાદામાં રહી સંસ્કારોનું જતન કરવું અને ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે તે પ્રણાલીને જાળવી રાખવી, ટકાવી રાખવી. સત્યથી દરેક વસ્તુ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ જીવનમાં જેટલું, દાન, પુણ્ય, તપ, લક્ષ્મી, ભક્તિ, શ્રધ્ધા અને વિશ્વાસનું મહત્વ છે એટલું જ મહત્વ સત્યનું છે.