ગુરૂ આદેશ
ગુરૂ આદેશ


હું મારા વ્યવસાય સાથે રાજકીય, સામાજિક જેવા અન્ય ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છું. જયારે પ. પૂ. ૧૦૦૮શ્રી જ્યોતિર્નાથજીના સંપર્કમાં આવ્યો ત્યારે મારો ધાર્મિક ક્ષેત્ર તરફ ઝુકાવ વધી ગયો. તેમની પાસેથી ધર્મ અને યોગનું જ્ઞાન મળતા મારું અંતરમન જાગૃત થયું. મને ક્યાંકને ક્યાંક લાગવા માંડ્યું કે હું અત્યાર સુધી જે કંઇ કરી રહ્યો હતો તેમાં કંઇક ખૂટી રહ્યું હતું! માન સન્માન મળતા હતા પરંતુ એ સર્વે આભાસી લાગવા માંડ્યા હતા.
ઈ.સ. ૨૦૧૫ની આસપાસ આવી જ દ્વિધામાં કોંપ્યુટર સ્ક્રીન તરફ અપલક નજરે મીંટ માંડી હું મનોમંથન કરી રહ્યો હતો. મારી બાજુમાં જ મારી ધર્મપત્ની દીપા કબાટની સાફ સફાઈ કરવામાં મશગૂલ હતી. અચાનક એ બોલી, “સાંભળો છો? આ કબાટમાં જૂની ચંપક મેગેઝીન મૂકી છે તે તમારા કશા કામની છે?”
મને એ સાંભળી નવાઈ લાગી, “પુસ્તકના સ્ટેન્ડને બદલે કબાટમાં ચંપક મેગેઝીન કોણે મૂકી? લાવ જોવા દે...”
દીપાએ મારા હાથમાં એ જૂની ચંપકનો અંક મુક્યો. તેના થોડાક પાનાં ફેરવતાં જ હું આનંદથી ઉછળી પડ્યો, “દીપા... તું જાણે છે આ ચંપક માતાશ્રીએ કબાટમાં સાચવીને મૂકી હતી. તું માતાશ્રીને આ પુસ્તક બતાવીશને તો તેઓ ખૂબ ખુશ થશે.”
દીપાએ પૂછ્યું, “કેમ?”
મેં ચંપકનું એક પૃષ્ઠ કાઢીને દીપાને દેખાડતા કહ્યું, “આ વાંચ...”
દીપાએ પૃષ્ઠ જોઇને અચંબો પામી ગઈ, “આમાં તો તમારી લખેલી વાર્તા છે!”
મેં કહ્યું, “હા, હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મારી ‘રાજુની સમયસૂચકતા’ વાર્તા ચંપકની નાની મારી લેખન વિભાગમાં છપાઈ હતી.”
દીપાએ પૂછ્યું, “તો પછી તમે લખવાનું છોડ્યું શું કામ?”
અનાયાસે દીપાએ પૂછેલો આ વેધક પ્રશ્ન મારા હૃદયમાં તીર બની ખૂંપી ગયો. આજે ઘણા સમયથી હું જે પ્રશ્નનો જવાબ શોધવા મથી રહ્યો હતો તેનો જવાબ મને અનાયાસે જ દીપાના પ્રશ્ન સ્વરૂપે મળી ગયો હતો! મારા મન મસ્તિષ્કમાં એક જ વાત હવે મંડરાવવા લાગી, “મેં લખવાનું છોડ્યું શું કામ! મેં લખવાનું છોડ્યું શું કામ!”
બીજા જ દિવસે હું મારા ધર્મ પિતાશ્રી અને ગુરૂશ્રી પ. પૂ. ૧૦૦૮શ્રી જ્યોતિર્નાથજી પાસે ગયો અને તેમને ચંપક પુસ્તક બતાવી મારા મનની મૂંઝવણ કહી સંભળાવી, “ગુરૂજી, હવે હું શું કરું?”
ગુરૂજીએ હસતામુખે કહ્યું, “બેટા, ધુતારાઓના જાળમાં ફસાવવા કરતા તારે તારા લેખનમાં જ ધ્યાન આપવું જોઈએ. સમાજસેવા તું કોઇપણ સ્વરૂપે કરી શકે છે. હવે જો ને, તારા લેખન થકી સમાજને પ્રેરણા આપી તું લોક કલ્યાણની ઉત્તમોત્તમ પ્રવૃત્તિ કરી શકે છે. મારા આશિષ તારી સાથે છે. જા... ચિંતા કરીશ નહીં અને આગળ વધ... સમાજમાં રહી તારા લેખન થકી સમાજકલ્યાણની પ્રવૃતિમાં જોડાઈ જા... આદેશ... આદેશ... આદેશ....”
બસ પછી તો શું મારા ગુરૂજી અને માતાપિતાના આશીર્વાદ લઈને મેં લેખન ક્ષેત્રમાં તન, મન અને ધનથી ઝંપલાવ્યું. આજે પાંચ પાંચ શોર્ટ ફિલ્મનું નિર્માણ, તથા વાર્તા સ્પર્ધાઓમાં વિજેતા, સર્ટિફિકેટ, ટ્રોફી અને માન સન્માન મેળવ્યા બાદ મને એ કહેતા ગર્વની અનુભૂતિ થાય છે કે મારા ગુરૂજીની વાત માની લેખન ક્ષેત્રમાં આગળ વધવાનો જે નિર્ણય લીધો હતો તે ખરેખર મેં બનાવેલ જીવનની મહત્વપૂર્ણ પસંદગી હતી.
આ સાથે હું સ્ટોરી મિરરનો પણ ખૂબ આભાર માનું છું કે તેણે આપશ્રી જેવા સુજ્ઞ વાંચકગણ સામે મને મારી કૃતિઓ પ્રસ્તુત કરવાની ઉત્તમ તક આપી.