ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમા
ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય.
અષાઢ માસની પૂનમને ગુરુ પૂર્ણિમા કહે છે. ગુરુ પાસેથી જ્ઞાન, ભક્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જતી વ્યક્તિ.
જન્મથી લઈ મૃત્યુ સુધી આપણાં જીવનમાં ઘણાં ગુરુઓ હોય છે. પહેલાં ગુરુ આપણાં માતા-પિતા. જે આપણને જન્મ આપી આપણું પોષણ કરે છે. બીજા ગુરુ આપણાં શિક્ષક કે જે આપણામાં રહેલી શક્તિઓને ઓળખી બહાર કાઢે. આપણને જીવનનો સાચો રસ્તો બતાવે. અને ત્રીજા ગુરુ આપણાં મિત્રો કે જે આપણાં જીવનમાં આવતી દરેક મુસીબતોમાં આપણને સાથ અને સલાહ આપે છે.
ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વેદવ્યાસનો જન્મ દિવસ પણ છે. જેણે વેદો, પુરાણોની રચના કરી છે. પ્રાચીન સમયમાં બાળકો આશ્રમમાં રહીને ગુરુ પાસેથી પારંપારિક રીતે શિક્ષણ મેળવતાં હતાં. જયારે હાલનાં સમયમાં બાળકો હોસ્ટેલમાં રહી શિક્ષણ મેળવે છે.
આદિ ગુરુ શંકરાચાર્ય એ કહ્યું છે કે " ગુરુને પોતાનો આત્મા માની લો " તો તમને બધું જ પ્રાપ્ત થઈ જશે. કારણ કે માણસ સૌથી વધારે પ્રેમ પોતાનાં આત્માને જ કરે છે. ગુરુ આપણને અનુશાસન શીખવે છે. સફળતાનો માર્ગ બતાવે છે.
તસ્મૈ શ્રી ગરૂવે નમઃ
