ગુજરાતી મિત્ર
ગુજરાતી મિત્ર


નવા શહેરના આ ધાંધિયા આવું બબડતો-બબડતો રાકેશ ઈસ્ત્રી પેક કરવા લાગ્યો. રાકેશ માટે હૈદરાબાદ બિલકુલ અજાણ્યું શહેર હતું, એને અહી પગલાં પાડ્યા ને અઠવાડિયું જ થયું હતું. નવા ઘર અને નવા શહેરમાં સેટ થાવા “ તોલડી તેર વાનાં માગે” એ કહેવત એને યાદ આવી ગઈ. કહેવત એમ કહેવા માગતી હતી કે સ્વતંત્ર ઘર ચલાવવું એટલે અનેક બાબતોનું જ્ઞાન અને ધ્યાન રાખવું પડે,અનેક વસ્તુઓની જરૂરીયાત ઊભી થાય.
આવી અનેક જરૂરીયાતમાંની એક એવી ‘ઈસ્ત્રી’ ચાર દિવસ પહેલાં રાકેશ ‘સમદર પેટ’ માર્કેટમાંથી ખરીદી લાવ્યો હતો. આજે સવારે આ ઇસ્ત્રીએ ગરમ થવાની ના પાડી દીધી. રાકેશને એ વાતની ખબર હતી કે આ વસ્તુ જો એનો મૂળ ધર્મ ભૂલી જાય તો આ ઘરમાં એનું કોઈ જ કામ નથી. . !!
ઇસ્ત્રીનું મૂળ ખોખું લાવીને પેક કરીને સમદર પેટ માર્કેટ તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ અને હૈદરાબાદની સરખામણી વારે વારે મનમાં ને મનમાં કરવા લાગ્યો. દુકાનનાં પાટિયાં અને અહીનાં પાટિયામાં રાત દિવસનો ફરક હતો. એને તો અહીના લોકના કપડાનાં રંગની પસંદગી પણ એકદમ અલગ જ લાગતી હતી. રિક્ષાવાળો કઈક બોલતો હતો એ એને કઈ સમજાયું નહિ પણ એને સમદર પેટ માર્કેટ મૂકી ગયો.
દુકાને પહોંચતાં સુધીમાં રાકેશ વિચારવા લાગ્યો કે આ ‘તેલુગુ’ ભાષીને હું કઈ રીતે સમજાવીશ કે હું આ ઈસ્ત્રી અહીંથી જ ખરીદી ગયો છું. ઉતાવળમાં એને બિલ લેવાનું પણ યાદ રહ્યું ન હતું. જે દિવસે ખરીદવા આવ્યો એ વખતે પણ એ મારી વાત સારી રીતે સમજી શકતો ન હતો તો એ આજે કેમ કરીને સમજશે ? એવા અનેક વિચારો સાથે એ દુકાને પહોચ્યો.
દુકાનમાં ખાસ કહી શકાય એવી ભીડ નાં હતી, વળી એને એ વાત પણ યાદ આવી કે જે દિવસે એ ઈસ્ત્રી ખરીદી ગયો એ દિવસે કોઈ બીજો જ માણસ હતો અને આજે માલિકની ખુરશી ઉપર અલગ જ માણસ બેઠો હતો. હવે એના મનમાં પાક્કો વિશ્વાસ બેસી ગયો કે આ ઈસ્ત્રી તો હવે કાયમી ધોરણે મારી પાસે જ રહેવાની.
એટલામાં રાકેશની ફોનની રીંગ વાગી. “ હમણાં હું બજારમાં આવ્યો છું, થોડીવાર પછી તમારાથી વાત કરું” એટલું કહીને એણે ફોન ખિસ્સામાં મૂકી દીધો. હવે બન્યું એવું કે રાકેશ બોલે એ પહેલાં તો દુકાનદાર બોલી ઉઠયો.
“ આવો ભાઈ આવો” એટલું બોલીને એ ખુરશી ઉપરથી ઊભો થઇ ગયો.
“ તમને ગુજરાતી આવડે છે !”આંખોમાં નવી ચમક સાથે રાકેશ બોલ્યો.
“ અરે ભાઈ હું ગુજરાતી જ છું.” કહીને હાથ મિલાવ્યા.
દુકાનદારે કહ્યું કે અમે ત્રણ પેઢીથી અહી હૈદ્રાબાદમાં જ રહીએ છીએ. આતો તમે ફોન પર વાતો કરતાં હતાં એટલે મને ખબર પડી ગઈ કે કોઈ મારો ‘ભાઈ’ આવી ગયો છે. ઘણી બધી વાતો કરીને કડક મીઠી ચા પીવડાવી. પોતાના ઘરના સરનામા વાળું કાર્ડ રાકેશને આપ્યું અને કહ્યું આ અજાણ્યા શહેરમાં તમે એકલા નથી અહી ઘણા ગુજરાતી રહે છે. કોઈ ચિંતા કરતા નહી. કોઈ પણ કામ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો.
ઈસ્ત્રી તો નવી આવી ગઈ પણ લાગણીઓ એવી લાગી કે જાણે જૂનાં દોસ્તાર મળી ગયા.
ગુજરાતી હોવાના ગૌરવ સાથે રાકેશે ઘર તરફ પ્રયાણ કર્યું.