ગ્રીનકાર્ડ
ગ્રીનકાર્ડ


મહેંક પોતાનું નામ સાંભળી થંભી ગઈ. પપ્પા બોલાવી રહ્યા હતા. એણે એક નજર પપ્પા તરફ નાંખી. એમના મનની વાત એ સમજી ગઈ. છતાં અજાણ બનીને પૂછયું : ‘શું કામ હતું પપ્પા ?’ પપ્પાએ હળવે સાદે કહ્યું : ‘મહેંક… આજે ડૉ. વિશાલ તને જોવા આવવાના છે. યાદ છે ને ?’
મહેંક જાણતી હતી છતાં વાત ઉડાવતાં બોલી : ‘પપ્પા હજી અમેરીકાથી આવ્યે મને માંડ અઠવાડીયું થયું છે ત્યાં તમે મને પરણાવીને કાઢી મૂકવાની વાત કરો છો ? તમે જાણો છો કે તમારાથી હજારો માઈલ દૂર રહ્યાં છતાં હું તમને મળવા કેટલું તલસતી હતી ! પણ અહીં આવી કે તમે તરત મને કાઢી મૂકવાની વાત ચાલુ કરી દીધી !'
પુત્રીની આવી વાત સાંભળી અવિનાશભાઈની આંખોમાં આંસુ આવી ગયાં. લાગણીસભર અવાજે એ બોલ્યાં : ‘મહેંક ! હું પણ અહીં રહ્યો તારા પાછા આવવાના દિવસો ગણતો હતો, તું જાણે છે કે મા-બાપની પણ બાળકો પ્રત્યે કંઈક જવાબદારી, કંઈક ફરજ હોય છે. બાકી ક્યાં મા-બાપને પોતાની નજર આગળથી પોતાના બાળકને દૂર કરવાનું ગમે….? અને આ વિશાલને તો હું નાનપણથીજ ઓળખું છું. તમે બંને ડૉકટર છો એટલે દવાખાનું ખોલજો. પ્રેકટીસ સારી ચાલશે. વળી તારી પાસે ગો ગ્રીનકાર્ડ પણ છે. ડૉ.વિશાલની ઈચ્છા થાય તો તમે બંને અમેરિકામાં પણ સેટલ થઈ શકશો.’
મહેંકે એક નજર પપ્પા સામે નાંખી જવાબ વાળ્યો : ‘પપ્પા તમારી ઈચ્છા છે તો ડૉ.વિશાલને જોઈ લઈશ. હા, પણ એક વાત કહી દઉં, છેવટની પસંદગી તો હુંજ કરીશ.’
મહેંકે આ હક્કનો ઉપયોગ કરી વિશાલને ના પાડી દીધી ત્યારે અવિનાશભાઈને પારવાર દુ:ખ થયું હતું. પછી તો મહેંકે ઘણા ડૉકટર અને એન્જિનિયર જોયા. પણ કોઈ છોકરાને મહેંકે પસંદજ ન કર્યો. તેથી તો એકવાર અવિનાશભાઈએ મહેંકને બોલાવીને કહેલું – ‘મહેંક આજે તારી મા જીવતી હોત તો જુદી વાત હતી. તારી મા તો તને નાની મૂકીને ચાલી ગઈ. પણ મેં તને માની ખોટ સાલવા દીધી નથી. એટલે આજે હું સંકોચ સાથે કહું છું કે હું જુનવાણી નથી. તારી પસંદગી મને મંજૂર છે. હું જાણું છું કે બાળકમાં મા-બાપનાજ સંસ્કાર ઉતરે છે. એથી તારી પસંદગી માટે મારે કહેવાપણું નહીં હોય. મેં તને ઊંચા સંસ્કાર આપ્યા છે. તેથી તારી પસંદગીના કોઈ છોકરા સાથે તું લગ્ન કરવા ઈચ્છતી હોય તો પણ મને વાંધો નથી – હું ધામધુમથી તારાં લગ્ન કરીશ. તેં અમેરિકા વસવાટ દરમિયાન લગ્ન કરી લીધાં હોય તો પણ મને વાંધો નથી.’
આ સાંભળતાં જ મહેંક ખડખડાટ હસી પડી, બોલી : ‘પપ્પા, તમે શું એમ માનો છો કે અમેરિકામાં લગ્ન કરીને હું અહીં છોકરાઓ જોવાનો ઢોંગ કરું ?
મહેંકનો જવાબ સાંભળીને અવિનાશભાઈની ચિંતામાં વળી વધારો થયો. એ બોલ્યા : ‘મહેંક ! બધા છોકરાઓએ તારા માટે હાજ પાડી છે પણ તને જ કોઈ છોકરો નથી ગમતો. હવે તો કોઈ સારા છોકરાઓ મારા ધ્યાનમાં નથી. તને વાંધો ન હોય તો હું હવે છાપામાં જાહેરાત આપું.’
મહેંક માત્ર એટલું જ બોલી : ‘ભલે એમ કરો.’ અને અવિનાશભાઈને થોડા દિવસ પછી મહેંક માટે સતાવીશ ડૉકટર અને ત્રીસ એન્જિનિયરના પત્રો મળ્યા. અવિનાશભાઈને તો વિશ્વાસ હતો કે આટલા બધા મુરતીયાઓમાંથી કોઈક ને તો મહેંક પસંદ કરશે જ. અવિનાશભાઈએ બધા કાગળો ધ્યાનથી વાંચ્યા. એમાંથી દસ છોકરાઓ પસંદ કર્યા અને જુદા જુદા સમયે અને દિવસે આવવા એમને પત્રો લખી દીધા.
મહેંક બધા છોકરાઓ સાથે સારી રીતે વાત કરતી. દરેક વખતે મહેંકના પપ્પાને આશા બંધાતી કે મહેંક કોઈક છોકરાને તો પસંદ કરશેજ. પણ જ્યારે બધાજ છોકરાઓને એણે નાપસંદ કર્યા ત્યારે અવિનાશભાઈને મહેંકની ચિતાંમાં એકાએક એટેક આવી ગયો.
મહેંક ડૉકટર હતી એટલે તત્કાળ સારવાર શરૂ કરી. થોડા સમય બાદ આરામ જેવું લાગ્યું ત્યારે અવિનાશભાઈ ખૂબજ ધીમેથી બોલ્યા : મહેંક ! આ દર્દ પર કોઈ જ દવા અસર નહીં કરે. મારે જે દવાની જરૂર છે એ દવા તું આપી શકે તેમ છે. છતાં આપતી નથી. હવે તો એક જ કામ કર, મને ઝેર આપી દે, જેથી હું તારી ચિંતામાંથી મુક્ત બનું.’
પપ્પાના આવા શબ્દો સાંભળી મહેંકનું હૈયું હાથ ન રહ્યું. એ ચોધાર આંસુએ રડી પડી. પણ એને તરત જ ખ્યાલ આવ્યો કે હૃદયરોગના દર્દી પાસે બેસીને રડી શકાય નહીં. થોડી ક્ષણો માટે એ ડૉકટર મટીને પુત્રી બની ગઈ હતી. આંસુ લુછતાં એ બોલી : ‘પપ્પા, આ મહિનામાં હું જરૂર કોઈ છોકરો પસંદ કરી લઈશ. તમે હવે જલ્દીથી સાજા થઈ જાવ. પપ્પા ! તમને કાંઈ થશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ?’ ફરીવાર આંખમાંથી આંસુ નીકળવાની તૈયારી હતી પણ એણે જાતને સંભાળી લીધી. મહેંકના શબ્દોથી ચમત્કાર થયો હોય એમ અવિનાશભાઈ થોડાજ દિવસમાં તદ્દન સાજા થઈ ગયા.
એક દિવસે મહેંકે આવીને કહ્યું, ‘પપ્પા, તમને એક નવી ઓળખાણ કરાવું. આ છે ડૉ. સિદ્ધિત.’ અને થોડીવાર અટકી સહેજ શરમાઈને બોલી : ‘મને પસંદ છે.’
અવિનાશભાઈએ એક નજર સિદ્ધિત તરફ નાંખી. તેમને વિચાર આવ્યો કે આના કરતા તો કેટલાયે સારા છોકરાઓ મહેંકે નાપસંદ કરેલ છે. આર્થિક સ્થિતિની પૂછપરછ કરતાં તેમને લાગ્યું કે મધ્યમવર્ગનોજ છોકરો છે. પરંતુ મહેંકની પસંદગી યોગ્યજ હશે એમ સમજી તે ચૂપ રહ્યા. આશીર્વાદ આપી એ હસતા મુખે બાજુના રૂમમાં જતા રહ્યા. જતાં જતાં અંતરનો આનંદ વ્યક્ત કરવાનું ચૂક્યા નહીં. તે રાત્રે અવિનાશભાઈને કેમેય ઊંઘ ન આવી. સવારે તેમની આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ હતી. ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતી વખતે મહેંકનું ધ્યાન તરતજ એ તરફ ગયું એટલે બોલી : ‘પપ્પા, ગઈકાલે ઊંઘી નથી શક્યા કે શું ?’
અવિનાશભાઈ થોડા છોભીલા પડી ગયા. પણ બીજી જ મિનિટે હસતાં હસતાં બોલ્યા : ‘ડૉકટરની નજર દર્દ ઉપર હોય.’ પણ મહેંક આટલું જલ્દી માની જાય એમ ન હતી. એ બોલી. ‘પપ્પા, મારી ઈચ્છા તો તમારી સાથે હજી વધુ સમય રહેવાની છે. પણ તમે લગ્નની ઉતાવળ કરીએ એટલે. લગ્ન પછી હું જતી રહીશ એ ચિંતામાં તો ઉજાગરો કર્યો નથી ને ?’ અવિનાશભાઈ થોડીવાર મહેંક સામે જોઈ રહ્યા. પછી બોલ્યા : ‘મહેંક તું જતી રહીશ એ દુ:ખ તો મને છેજ. પણ તને વાંધો ન હોય તો મને એટલું કહે કે આટલા બધા છોકરાઓ જોયા બાદ તેં સિદ્ધિતને કેમ પસંદ કર્યો ? સિદ્ધિત મને પસંદ તો છેજ. પણ મારે તારી પસંદગીનું કારણ જાણવું છે.’
‘કારણ તો બહું સાદું છે, પપ્પા….!’ મહેંક સહેજ હસીને બોલી : ‘તમારી જાહેરાતના જવાબરૂપે જે છોકરાઓ આવેલા એમની નજર મારા ગ્રીનકાર્ડ પર હતી. ગ્રીનકાર્ડ ઉપર અમેરિકામાં સેટલ થવાની એમની ઈચ્છા સ્વાભાવિક ગણીએ તો પણ એ બધાને નાપસંદ કરવા પાછળનું બીજું કારણ એ હતું કે ‘હા જી હા’ કરનાર છોકરો મને પસંદ ન હતો. મેં એ બધા ઉમેદવારો આગળ કેટલીક શરતો મુકેલી. મારી ટેવ મોડા ઊઠવાની એટલે વહેલા ઊઠીને સ્ત્રીએ જે કામ કરવાનું નાસ્તો વગેરે તૈયાર કરવાનું તે એમણે કરી લેવાનું. સાંજે હું ખૂબ થાકીને ઘરે આવું ત્યારે મારે સંપૂર્ણ આરામ કરવાનો. એટલે સાંજના રસોઈપાણીનો બોજો પણ એણે જ ઉપાડવાનો. બહાર શોપીંગ માટે જઈએ ત્યારે ખરીદેલ ચીજો પણ એણે જ ઉઠાવવાની. અને આવી આવી તો ઘણી હાસ્યાસ્પદ શરતો એમની આગળ મેં મુકેલી. તમને નવાઈ લાગશે પપ્પા…. ! કે બધાએજ એનો સ્વીકાર કરી લીધેલો. આવા કહ્યાગરા છોકરાને પસંદ કરવાનું મારા સ્વભાવ વિરુદ્ધ છે એ તમે જાણો છો. તમે જ કહો પપ્પા, તમને આવો જમાઈ પસંદ પડે…. ? અને આજે મમ્મી જો હયાત હોત તો આવા છોકરાને એ મારે માટે પસંદ કરત ખરી.’
‘જ્યારે સિદ્ધિતની વાત જુદી છે, પપ્પા. એક મેડિકલ સેમીનારમાં એનો પરિચય થયેલ. અવારનવાર મારી એક બહેનપણીને ત્યાં એને મળવાનું થતું. બહેનપણીનો ભાઈ અને સિદ્ધિત બંને મિત્રો હતાં. મેં એના વિશેનો અભિપ્રાય પૂછયો તો છોકરો નિરાભિમાની અને સરળ હોવાનું જાણવા મળ્યું. નિરાભિમાની ખરો પણ કોઈનાથી દબાતો નહીં. એકવાર મારી બહેનપણીએ મારા ગ્રીનકાર્ડ પર મોહી પડેલ છોકરાઓની અને એમની આગળ મેં મુકેલ શરતોની એને વાત કરેલ ત્યારે એણે કહેલું કે શું જોઈને આ લોકો પોતાની જાત વેચવા નીકળ્યા છે ? ગ્રીનકાર્ડ હોય ન હોય તેથી શું ફેર પડી જવાનો ? હું એમની જગ્યાએ હોઉં તો જે શરતો તારી બહેનપણીએ એમની આગળ મુકેલ તેજ શરતો હું એની આગળ મૂકું…’
‘બસ, પ્રસંગ તો આટલોજ હતો. પણ મને થયું કે જેનામાં પૌરુષ ન હોય એને પરણવા કરતાં જિંદગીભર કુંવારા રહેવું સારું. આવા વિચારો ચાલતા હતા તે દરમિયાન તમે લગ્ન માટે દબાણ કર્યું અને મેં એક માસની મુદત કરી. બધી રીતે અને શાંતિથી વિચારતાં મને લાગ્યું કે મેં જોયેલ બધા છોકરાઓ કરતાં સિદ્ધિત સાવ જુદોજ છે અને એની સાથેના લગ્નથી હું દુ:ખી નહીં થાઉં !’
થોડીવાર અટકીને એ ફરીથી ભાવભીના અવાજે બોલી : ‘પપ્પા…! ખરું પૂછો તો હું અમેરિકાના જીવનથી ત્રાસી ગઈ છું. સવાર, સાંજ પૈસો પૈસો અને પૈસોજ. જીવનભર એની પાછળજ દોડધામ કરવાની. એના કરતાં અહીં રહું તો જીવને સંપૂર્ણ શાંતિ અને મમ્મીની ગેરહાજરીમાં હું તમારી સેવા કરી શકું. કેમ બરાબર છે ને પપ્પા ?
પપ્પા શું બોલે…? એ પ્રેમ નીતરતી આંખે મહેંક ભણી જોઈ રહ્યા