Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

ગૃહલક્ષ્મી

ગૃહલક્ષ્મી

2 mins
492


મોહનભાઈ આજે સવારથી ચિંતાતુર હતા. ધંધામાં આવી પડેલી અચાનક ખોટને લીધે તેઓ મૂંઝાઈ ગયા હતા. તેમની પાસે એક મોટો ઓર્ડર હતો પરંતુ તેને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી રોકડ હાથમાં નહોતી. અગાઉ જેમની પાસેથી નાણાં ઉછીના લીધા હતા તેઓ બીજીવાર તેમને મદદ કરશે એવી આશા સેવવી નિરર્થક હતી. મોહનભાઇની તેમના કારીગરોને આ મહિનાનો પગાર આપી શકવાની પણ ત્રેવડ નહોતી. આ કળયુગમાં વગર પગારે કયો કારીગર કામ કરવા તૈયાર થાય! આ મહીને કારીગરોને જો પગાર આપવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતાઓ હતી. અને આ સંજોગોમાં નાનોમોટો કોઈ ઓર્ડર પૂરો થઇ શકે નહીં એ સ્વાભાવિક હતું. હવે કરવું શું? શું ઓર્ડર જતો કરવો? પરંતુ આમ કરવા જતા તેઓ ધંધામાં થયેલી ખોટની ભરપાઈ કેવી રીતે કરી શકશે. વળી તેમની પત્ની માલતીનો સ્વભાવ પણ ઉડાઉ હતો. પોતાની શ્રીમંતાઈનો દેખાડો કરવા તે આવતાજતા સહુ મહેમાનોને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવીને ખવડાવતી. પત્નીને ગૃહલક્ષ્મી કહેવાય છે પરંતુ હકીકત એ છે કે પંદર વર્ષમાં માલતીબેને મહેમાનોની આગતાસ્વાગતા પાછળ ઘણી લક્ષ્મી વેડફી હતી. મોહનભાઇ માલતીબેનને કંઇક સમજાવવા જાય તો ઉલટાનું તેઓ સંભળાવતા કે, “મહેમાનો ભગવાનના રૂપ હોય છે.” પરંતુ એ કોઈ ભગવાન આજે તેમને બચાવવા આવે તેવા નહોતા! 

“શું થયું?” માલતીબેનનો અવાજ સાંભળી મોહનભાઈ તંદ્રામાંથી બહાર આવ્યા.

મોહનભાઈએ હતાશાથી કહ્યું, “કંઈ નહીં.”

માલતીબેન હેતથી બોલ્યા, “કંઈ નહીં તો પછી આમ વિલે મોઢે કેમ બેઠા છો? જરૂર કોઈ બાબત છે. બોલો શું થયું?”

મોહનભાઈ બોલ્યા, “ધંધો ખૂબ કપરી પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે. લોકોનું દેવું ખૂબ વધી ગયું છે. એક મોટો ઓર્ડર છે પણ...”

માલતીબેન, “પણ શું?”

મોહનભાઈ, “પણ જતો કરવો પડે એમ લાગે છે. જો એ ઓર્ડર સમયસર પૂરો થયો હોત તો મારા માથાનું સઘળું દેવું ઉતરી ગયું હોત.”

માલતીબેન, “તો ઓર્ડર કેમ હાથમાંથી જવા દો છો.”

મોહનભાઈ, “માલતી, ઓર્ડર પૂર્ણ કરવા કારીગરો જોઈએ... તેમના અગાઉના બે મહિનાનો પગાર જ બાકી છે. એવા સંજોગોમાં મને નથી લાગતું કે તેઓ આગળ વગર પગારે કામ કરશે.”

માલતીબેન હસીને બોલ્યા, “બસ, આટલી જ વાત!”

મોહનભાઈ, “આ તને આટલી જ વાત લાગે છે?”

માલતીબેન, “હા... હવે કોઇપણ ચિંતા કર્યા વગર ચુપચાપ સુઈ જાઓ...”

બીજા દિવસની સવારે મોહનભાઈની આનાકાની છતાં માલતીબેન કારખાનામાં આવ્યા.

મોહનભાઈએ કહ્યું, “માલતી, તને શું લાગે છે કે તારા સમજાવવાથી કારીગરો વગર પગારે કામ કરવા તૈયાર થઇ જશે. આ તારું ઘર નથી કે તારા કહેવા પ્રમાણે બધું થશે... સમજી”

માલતીબેને કશો જવાબ આપ્યો નહીં. થોડીવારમાં સહુ કારીગરો આવી જતા માલતીબેન બોલ્યા, “મારા કારીગર ભાઈઓ, આજે હું તમને એક હકીકતથી વાકેફ કરવા અહીં આવી છું. સાંભળો... આપણી કંપની પાસે તમને પગાર આપવા માટે એક રૂપિયો નથી.”

કારીગરોમાં ગણગણાટ શરૂ થયો.

“પણ બેન, અમારો બે મહિનાથી પગાર બાકી છે. હવે વગર પગારે અમે આગળ કામ નહીં કરીએ.” ટોળામાંથી કોઈ બોલ્યું.

માલતીબેને કહ્યું, “સાંભળો, શેઠ પાસે આજે પૈસા નથી. ઉલટાના તેઓ કર્જામાં ડૂબ્યા છે. આવી પરિસ્થિતિમાં તમે કામ નહીં કરો તો આપણે ઓર્ડર પૂર્ણ નહીં કરી શકીએ અને આપણું આ કારખાનું કાયમનું બંધ થઇ જશે. અમારી એક મદદ કરશો???”

“બેન, અમારે શું કરવાનું છે એ ફક્ત કહો...” ટોળામાંથી બીજો અવાજ આવ્યો.

આ સાંભળી મોહનભાઈ ચમક્યા.

માલતીબેને કહ્યું, “મારી પર વિશ્વાસ રાખીને ફક્ત આ એક મહિનો પગાર ભૂલી તનતોડ મહેનત કરો. હું તમને વચન આપું છું કે સમયસર ઓર્ડર પૂર્ણ થતા શેઠ તમારો બધો પગાર ચૂકવી આપશે. હાલ તેમની પાસે રૂપિયા નથી પરંતુ ઓર્ડર પૂર્ણ થતા તેમને રૂપિયા મળશે. તેનાથી કરજ ચૂકવી તેઓ આપણી આ ફેક્ટરી પણ બચાવી લેશે. બોલો મારા માટે આટલું કરશો?”

ટોળું એકસાથે બોલ્યું, “બેન, તમે કહો છો તો અમે ના કેવી રીતે પાડી શકીએ? અમે પગારની આશા વગર તનતોડ મહેનત કરીને શેઠનો ઓર્ડર પૂરો કરી આપીશું.”

માલતીબેન બોલ્યા, “જો એમ થશે તો હું તમને તમારા બાકી નીકળતા પગાર ઉપરાંત ઇનામમાં બે હજાર રૂપિયા શેઠ પાસેથી વધુ આપાવીશ.”

ટોળામાંથી અવાજ આવ્યો, “બેન, તમે કોઈ દિવસ અમને ભૂખ્યા પેટે તમારા ઘરેથી જવા દીધા નથી ત્યારે આજે તમારી મુસીબતની ઘડીએ અમે પાછા કેવી રીતે હટી શકીએ. અમને અમારા પગાર ઉપરાંત એક રૂપિયો વધુ જોઈતો નથી. ચાલો ભાઈઓ કામે લાગી જાઓ...”

મશીનો ચાલુ થઇ ગયા.

ફેક્ટરી ફરી એકવાર ધમધમી ઉઠી.

મોહનભાઈએ ખુશ થઈને કહ્યું, “માલતી તેં તો કમાલ કરી દીધી. મને તો વિશ્વાસ થતો નથી.”

માલતીબેન મુસ્કરાઈને બોલ્યા, “માણસોને તમો સાચવો તો એ તમને સાચવશે. આ સીધી વાત દરેક જગ્યાએ લાગુ પડે છે. ભૂતકાળમાં મેં કોઈને ખાલી પેટ આપણા ઘરેથી જવા દીધા નથી. તો આજે કોઈ મને ખાલી હાથ કેવી રીતે જવા દેશે.”

મોહનભાઈ ગર્વથી સાંભળી રહ્યા પોતાની ગૃહલક્ષ્મીને

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational