STORYMIRROR

Tanvi Tandel

Children Inspirational

3  

Tanvi Tandel

Children Inspirational

ગણેશજીને ભેટ

ગણેશજીને ભેટ

10 mins
29.5K


આરવ સાતમા ધોરણમાં ભણતો હતો. તેને ટીવી જોવાનું ખુબ જ ગમે. અભ્યાસ બાજુ પર મૂકીને પણ ઘણી વાર ટીવી જોતો હોય. પપ્પાના મોબાઈલમાં તો બધુજ આવડે. ભાત-ભાતની ગેઇમ રમવાની મજા... મોબાઈલ હાથમાંથી છૂટે જ નઈ. પણ દાદાજીનો ખુબ જ લાડકો. દાદા દાદી સાથે અધળક વાર્તાઓ સાંભળે. એની દરેક વાતો, મિત્રોની ફરિયાદો બધું દાદાને જ કહેવાનું.

એકવાર તેની શાળામાં સ્પર્ધા હતી. માટીની મૂર્તિ બનાવવાની. રમકડાં તો આવડે પણ મૂર્તિ ? એટલે આરવે દાદાજીનું માથું ખાવાનું શરૂ કરી દીધું.

'દાદાજી, મને આજે જ મૂર્તિ બનાવવાનું શીખવી દો. કાલે સ્કૂલમાં તમારા વગર હું નહી બનાવી શકું. મારા બધા મિત્રો તો ઘરે પ્રેક્ટિસ કરતા હશે.' દાદાજી એ આરવને ગણેશ જીની મૂર્તિ બનાવવાની કળા શીખવી.

'અરે, દાદાજી આ તું ખૂબ જ સરળ છે. જોજો ને... કાલે તો હું મસ્ત મજાની મૂર્તિ બનાવીશ.'

આરવની શાળામાં આજે માટીના ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાવાની હતી. આરવે દાદાજીના પાસેથી સરસ મૂર્તિ બનાવવાનું શીખી લીધું હતું તેથી તે ખુશ હતો. શાળાની બસ આવતાં જ એ શાળામાં ગયો. પ્રાર્થના બાદ બધા શિક્ષકોએ બાળકોને જૂથમાં વહેંચી દીધા. ત્યારબાદ સ્પર્ધા શરૂ થઈ. બધાએ ભેગા મળીને સુંદર મૂર્તિઓ સર્જી. આબેહૂબ નાના બાળ ગણેશ જ પધાર્યા હોય એવું લાગતું. સાંજે પરિણામ જાહેર થયું. આરવ અને એના મિત્રોનો પ્રથમ નંબર આવ્યો હતો. સૌ ખુશ થઇ ગયા. બધાએ પ્રતિમા વર્ગમાં મૂકી ગણેશોત્સવ મનાવવાનું નક્કી કર્યું. દસ દિવસ રોજ શાળામાં તેઓ પૂજા અર્ચના કરવાના હતા. સૌ ઉત્સાહમાં હતા.

શાળા સમય બાદ સૌ ઘરે ગયા. સાંજે ઘરે જઈ આરવે દાદા દાદી અને મમ્મી પપ્પાને સ્પર્ધામાં વિજેતા બન્યાની વાત કરી. આરવની સોસાયટીમાં પણ યુવકોએ મોટા ગણેશજીની સ્થાપના કરી હતી. મંડપ, ડેકોરેશન, લાઈટ, ડીજે, અવનવા છપન ભોગ બધું હતું. ડીજેના તાલે ફિલ્મી ગીતો જોરથી વાગી રહ્યા હતા. સાંજે આરવ અને તેના શાળાના મિત્રો જે એક જ સોસાયટીમાં રહેતા તે બધા આરતીમાં ગયા. ત્યાંથી આવી લેસન એમનું એમ મૂકી આરવ ઊંઘી ગયો. સપનામાં તેને કોઈકનો આવાજ આવ્યો. તે થોડો ગભરાયો.

'આરવ, હુ ગણેશ... તને મળવા આવ્યો છું.'

આરવને સ્વપ્ન જેવું લાગ્યું તેથી ફરી ઊંઘી ગયો. સવારમાં ઉઠ્યો તો બાજુમાં તેણે શાળામાં બનાવેલી એવીજ પ્રતિકૃતિ સમા ગણેશ તેની બાજુમાં હતા. 'આ શું ?' આરવ આશ્ચર્યથી જોઈ રહ્યો.

'આરવ, હુ તારો મિત્ર બની તારી જોડે રહેવા આવ્યો છું. તું મને મિત્ર બનાવીશ ?'

આરવ ખુશ ખુશ થઈ ગયો. એને વિશ્વાસ નહોતો થતો. ગણેશ અને એના મિત્ર...

'આરવ હુ તારો મિત્ર છું આજથી. તું મને ગણેશ કહેજે. આપણે ભેગા મળી રમીશું .મજા કરીશું. પણ તારા સિવાય કોઈ મને જોઈ શકશે નહીં.'

એટલામાં જ આરવના રૂમમાં મમ્મી આવ્યા. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો.

'બેટા, ઊઠી ગયો ? બહુ વહેલા. સરસ ચાલ હવે તૈયાર થઈ દૂધ પી લે નખરા ના કરીશ. અને પછી લેસન કરીને જજે સ્કૂલે.'

આરવ મમ્મીને નવા મિત્ર ગણેશ વિશે કહેવા માંગતો હતો. પણ ગણેશે મમ્મી પાછળ ઉભા રહી મો પર આંગળી મૂકી ચૂપ રહેવા ઈશારો કર્યો.

મમ્મી હું દૂધ પી લઈશ પણ એક નહિ બે ગ્લાસ. મમ્મીને આશ્વર્ય થયું. રોજ એક ગ્લાસ દ્દુધ માટે તો હજાર બહાના હોય ના પીવાના. છતાં ઓફિસમાં જવાનું મોડું થશે એ વિચારે ફટાફટ દૂધ લેવા ગઈ.

ગણેશ આવીને આરવ ની બાજુમાં બેઠા. 'કેમ આરવ બે ગ્લાસ દૂધ પીએ છે તું તો, ખુબ સરસ હો..'

'અરે, એક તારું ને એક મારું. માય ફ્રેન્ડ ગણેશા.'

'અરે, હા હું ચોક્કસ પીશ.'

મમ્મીને ઓફિસ જવાનું હતું તેથી દૂધના બે પ્યાલા મૂકી ટિફિન તૈયાર કરવા ગઈ. આરવ ગણેશ સાથે બેસી વાતો કરવા લાગ્યો.

'અરે, ગણેશ તું ક્યાં રહે છે ? આખું વર્ષ ક્યાં હોય?' કેમ દસ દીવસ જ આવે છે ? બાકીના દિવસો .......' આરવે પ્રશ્નોની ઝડી વરસાવી .

'આરવ બધા પ્રશ્નોના જવાબ પછી પહેલા એ કહે કે તે લેસન કર્યું ?'

'ના બાકી જ છે. ચાલશે.' આરવ બોલ્યો.

લેસન એમનું એમ રહેવા દઈ આરવ ગણેશને પોતાની ચોપડી આપી પલંગ પર બેસવા કહી શાળામાં જવા તૈયાર થવા ગયો.

આજે તો શાળામાં મારો વટ પડશે.વિચારોમાં જ શાળાનો સમય થઈ ગયો.

'ગણેશ તું મારી સાથે આવે છે ને ?'

'હા, ચોક્કસ આવું પણ ... ખાવાનું ?' ગણેશ બોલ્યા.

'અરે, ચાલ. મે ટિફિન લીધું છે.' બન્ને હસતા હસતા શાળામાં ગયા. આરવ ખુબ ઉત્સાહમાં હતો. બધા મિત્રો આવ્યા એટલે બસ ચાલુ થઈ. બસમાં ગણેશ અને આરવ એક જ સીટ પર બેઠા.

'આરવ, હુ તારો મિત્ર છું તેથી મને કોઈ જોઈ શકશે નહીં. તું કોઈને મારા વિશે જણાવીશ તો તારા પર બધા હસશે. એટલે તું બસ મને તારી સાથે રાખ હુ બધાને જોઈશ.'આરવ ડોકું હલાવી ચૂપચાપ હા ભણી.

શાળામાં જઈ બધાએ ભેગા મળી શાળામાં સ્થાપેલ ગણેશની આરતી કરી . ગણેશ તો મૂર્તિની બાજુમાં જ બેસી ગયો. આરવ મૂંછમાં હસી રહ્યો. ત્યારબાદ અભ્યાસ કાર્યનો આરંભ થયો. ગણેશ તો બેસીને આ બધું નિહાળતા રહ્યા. નાના નાના બાળમિત્રોને આ રીતે રૂબરૂ મળવાનો લ્હાવો એમના માટે પણ મજાનો હતો.

એટલામાં સાહેબે ગૃહકાર્ય બતાવવા કહ્યું. ગણેશ આરવને જોઈ રહ્યો. આરવે બહાનું વિચારી રાખ્યું હતું કે મને પેટમાં દુખતું હતું એમ કહીશ. પણ ગણેશ એની બાજુમાં આવ્યો ને કહ્યું, 'આરવ જુઠ્ઠુ બોલવું એ ખરાબ ટેવ છે. ભૂલનો સ્વીકાર કરવો, સજા ભોગવવી પણ જૂઠું બોલવું નહિ.' તેથી આરવે સાહેબ પાસે જઈ આરવે સાહેબની માફી માંગી અને ફરી આવું ક્યારેય ન કરે નું વચન પણ આપ્યું. આરવની વાતથી ગણેશ ખુશ થઈ ગયા.

રીસેસમાં આરવે ટિફિન ખોલી ગણેશને બોલાવ્યા. ડબ્બામાં રોટલી શાક સાથે મસ્ત મજાના માલપુઆને લાડુ દાદી એ ભર્યા હતા. ગણેશના મોઢામાં તો પાણી આવી ગયું. બન્ને એ ધરાઈને બધી ઝાપટી નાખ્યું.

બધા મિત્રો મેદાનમાં રમવા ગયા. ત્યારે આરવને પણ બોલાવ્યો પણ આરવને ગણેશ પાસે રહેવું હતું. તેથી તે વર્ગમાં જ બેસી રહ્યો. ગણેશ જ ઉભા થયા એટલે પાછળ આરવ પણ મેદાનમાં ગયો.

રમતા રમતા મિહિર જે વર્ગનો સૌથી તોફાનો છોકરો હતો તેણે આરવની મશ્કરી કરવા જાણી જોઈને ધક્કો મારી પાડી નાખ્યો. આરવ અને મિહિર વચ્ચે બરાબરની લડાઈ થવાની શક્યતા હતી. ઝગડો મારામારી સુધી પહોંચવા પર હતો ત્યાજ ગણેશ જી બધા સમક્ષ પ્રગટ થયાને મિહિરને ઠપકો આપ્યો. અને લડાઈ ના કરી શાંતિથી ઝગડાનો નિકાલ લાવવા સમજાવ્યું.

સૌ બાળમિત્રો દશ્યમાન ગણેશને જોઈ આશ્ચર્ય પામ્યા. બધા ગણેશને જોઈ જ રહ્યાં. આરવ પોતાના મિત્રોને ગણેશની મિત્રતા વિશે જણાવ્યું. બધા ખુબ ખુશ થઈ ગયા. એટલામાં રિસેસ પૂરી થતાં સાંજે મળવાનું કહી બધા વર્ગમાં ગયા. ગણેશ ફરી અદશ્ય થઈ ગયા.

બધાને શાળા છૂટવાની તાલાવેલી હતી. શાળા છૂટતા જ બધા ભેગા મળી આરવના ઘરે રમવા ખાસ તો ગણેશને મળવા ગયા. બધાએ ભેગા મળી ખુબ વાતો કરી. ગણેશ સાથે વાતો કરવાની સૌને મજા પડી. બધાએ ભેગા મળી ગણેશને ભાત ભાતના અવનવા નાસ્તા કરાવ્યા. ગણેશજીને તો અહી ખુબ ગમ્યું. બધા બાળકો રમતો પણ રમ્યા. ગણેશ તો જાડો જાડો હતો એટલે બહુ દોડાય પણ નહિ છતાં તેને મજા આવી ગઈ.

સોસાયટીના મંડપમાં વાગ્યા ડીજેના ફિલ્મી ગીતો સાંભળી આરવના મિત્ર સ્વ્યમે ગણેશને પૂછ્યું 'ગણેશ તને ક્યું ગીત ગમે આમાંથી ?'

ગણેશ જોર જોરથી હસવા લાગ્યા. 'અરે મારા મિત્રો મને તો એકેય ગીત સમજાતા નથી તો ગમવાની વાત ક્યાં. આ ઘોંઘાટ લાગે મને તો. પણ આ બધાને સમજાવે કોણ ? આ જોરજોર થી બરાડા પડાય છે એ મને સાંભળવું ના ગમે.

'તો ગણેશ તને શું ગમે ?'

દર્શન બોલ્યો: 'લાડુ બીજું શું....' સૌ હસી પડ્યા.

આરવના મગજમાં એક આઈડિયા આવ્યો.તે ગણેશને કઈ આપવા માંગતો હતો. તેણે ગણેશ સિવાયના બધા મિત્રોને એ અંગે વાત કરી . બધાએ ભેગા મળી ગણેશને ભેટ આપવા પ્લાન બનાવી દિધો. રાત પડી હોવાથી બધા કમને છૂટા પડયા. ગણેશને ગૂડનાઈટ બોલતા પણ શીખવી ગયા.રાતે આરવ અને ગણેશ પણ જમવાનો સમય થઈ ગયો હોવાથી ઘરે ગયા.

'આરવ ક્યાં હતો ક્યારની બૂમો પાડતી હતી. સોસાયટીમાં રાતે કેટલું રમાય.' મમ્મી બોલી. પપ્પા પણ સોફા પર જ હતા.

'મમ્મી હુ નીચે બધા સાથે રમતો હતો.'

'અને લેસન કોણ કરશે ? ચાલ જમી લે. પછી લેસન કરવા બેસ.'

અણગમાથી આરવ મમ્મી બાજુ જોઈ રહ્યો. ગણેશ હસતો રહ્યો.

'મમ્મી હુ લેસન કરીશ પેલા થોડું ટીવી જોઈ લઉં. પછી જમી લઈ ને લેસન કરીશ.'

'ચાલ ગણેશ બેસ અહીંયા ટીવી જોઇએ. મસ્ત કાર્ટૂન આવતું હશે. આરવ ધીમેથી બોલ્યો જેથી મમ્મી પપ્પા સાંભળી ન જાય. ગણેશ આરવ પાસે ગોઠવાયો. ટીવીમાં બદલાતા દ્ર્શ્યોને જોઈ આરવને જોતો રહ્યો. આમને આમ એક કલાક થઈ ગયો. ગણેશ ને તો બહુ ભૂખ લાગી હતી.

'આરવ. મને આ ટીવી નથી ગમતું. અને સાંભળ તું પણ. ટીવી જોવું પણ માપસરનું. ટીવીમાં ખોવાય જઈ લેસન બાકી રહી જાય, જમવાનું બાકી રહે એ સારું ના કહેવાય. કાલથી પહેલા જમીને લેસન કરજે પછી ટીવી પણ જોજે. બરાબર ?'

'હા, ગણેશ... તારી વાત સાચી. દાદાજી પણ આવું જ કહે પણ મને ટીવી જોવું ગમે અને સમયનો ખ્યાલ જ ના રહે અને એમાં લેસન પણ રહી જાય.. કાલથી હુ તારી વાત માનીશ અને પહેલા લેસન પૂર્ણ કરીશ પછી જ ટીવી જોઈશ.ઓકે ..'

'હા...ઓકે ... ' ગણેશ જી હસી રહ્યા. ચાલ, હવે જમી લઈએ . પણ પેલા દાદા દાદીના રૂમમાં જઈએ.'

'દાદા દાદી તમે જમ્યા ?'

'હા, બેટા જમી લીધું. પણ તું ક્યારનો ટીવી જોઈ રહ્યો છે જમવાનું ક્યારે ?'

'દાદા, હુ જમવા જ બેસું છું. પછી આવું રૂમમાં.'

આરવ દોડતો દોડતો સીધો રસોડામાં ગયો. 'મમ્મી તે આજે શું બનાવ્યું બહુ જ ભૂખ લાગી છે.'

'કારેલાંનું શાક અને હા સાથે રોટલી...' મમ્મી હસતી હસતી જમવાનું કાઢવા લાગી.

'મમ્મી તને કેટલી વાર કહ્યું મને કારેલાં નથી ગમતા. તે તો જમવાનો મૂડ જ મારી નાખ્યો.'

ગણેશ આરવ પાસે ઉભો આ બધું જોઈ રહ્યો હતો. 'જા..ટેબલ પર બેસ હુ જમવાનું આપુ.'

'ના, મારે નથી ખાવું.' આટલું બોલી સીધો રિસાઈને આરવ રૂમ માં જતો રહ્યો.

ગણેશ પણ પાછળ પાછળ ગયો. આ મમ્મી પણ છે ને...

'અરે, આરવ ઘરનું જમવાનું તો પૌષ્ટિક કહેવાય. બધું જ ખાવાનું એમાં શું. મારી મમ્મી તો જે બનાવે હુ બધુજ ઝાપટી જાઉં. હા, લાડુ હોય તો કોઈ 'ના ભાગે જ ના આવે. ગણેશ બોલ્યો.'

એટલામાં....... ગરમા ગરમ મંચુરિયન અને સાથે પુલાવ લઈ મમ્મી આરવના રૂમમાં આવી.

'બેટા, આજે તારા માટે મે જાતે આ બનાવ્યું જ હતું પણ મજાક કરતી હતી . ચાલ હવે જમી લે. અને પછી લેસન કર હો.'

'હા,' હસતા હસતા આરવે ડિશ લઈ લીધી. 'જા મમ્મી તું તારું કામ કર. હુ જમી લઈ 'ને લેસન કરવા બેસુ.'

ગણેશ અને આરવે ધરાઈને મંચુરિયન ખાધા. પૂલાવ ની જગ્યા તો હતીજ નહિ બન્ને ના પેટમાં છતાં ગણેશે તો પુલાવ પણ ખાધા. આરવ લેસન કરવા બેઠો અને ત્યાં સુધી ગણેશ આરવના કમ્પ્યુટર પર ગેઇમ રમ્યા. ગણેશજીને તો ગેઇમ રમવાની મજા પડી. બન્ને વાતો કરતા કરતા ઊંઘી ગયા.

બીજે દિવસથી જ આરવની ટોળકી સક્રિય થઇ. દાદા દાદીને વાત કરી આરવ અને એના મિત્રો એ પોતાના કામ માટે જરૂરી ફાળો ઉઘરાવવાનો શરૂ કર્યો. ગણેશને તેઓ અમે તારા માટે એક મસ્ત વસ્તુ લેવાના છે એમ કહી વાત છુપાવતા રહ્યા. બધાએ પોતાના મમ્મી પપ્પા પાસે પણ પૈસા ઉઘરાયા.

ગણેશ પણ સાથે જતો એ ટોળકીમાં. પણ કોઈ મોટું એને જોઈ શકતું નહીં. ગણેશજીની તાલાવેલી વધતી જતી હતી.આરવ પૈસાથી તું શું લેવાનો મને કે ને ગણેશે આરવને પૂછ્યું.

'યાર, તું જોજે..તું ખુશ થઈ જઈશ. તારા માટે મસ્ત મજાની વસ્તુ છે એ તો.' આરવ ગણેશ ને ભેટ આપવા તત્પર હતો.

આજે નવ દિવસ થઈ ગયા હતા. શાળામાં આજે આરવે અને મિત્રોએ રજા પડી હતી. અને શિક્ષકો, મમ્મી પપ્પા બધાને બોલાવ્યા હતા. બધા માટે આશ્ચર્યની વાત હતી કારણ કાર્યક્રમની વિગતની જાણ માત્ર બાળ ટોળકીને જ હતી. છતાં સૌ કોઈ હાજર રહ્યા. થોડીવારમાં જ ગણેશ અને આરવ અને એના મિત્રો પણ સોસાયટીના મેદાનમાં ભેગા થયા. થોડી વારમાં એક બસ ભરીને કોઈ આવ્યું. બસમાં સ્કૂલનો ડ્રાઇવર હતો ને એની સાથે ઘણા બાળકો હતાં. બધા નીચે ઉતર્યા. કોઈના કપડા ગંધાતા તો કોઈના તો કપડાં ફાટેલા. અરે એમાના કેટલાકના તો કપડાં જ નહોતા એવા ય હતા. વાળ તો જાણે કેટલાયે દિવસોથી કોપરેલ વિનાના વેરવિખેર.

ત્યાં હાજર સૌને નવાઈ લાગી. શું હતું કંઇક ખબર પડે તો ને. એટલામાં આરવ ઉભો થયો. એણે જાહેરાત કરી કે, 'ગણેશોત્સવ દરમિયાન અમે સૌ એ ઉઘરાવેલ જૂના કપડાં, રમકડાં, અને પૈસા આ ગરીબ બાળકો માટે છે. અમે તો રોજ નવું ખાઈ શકીએ છીએ પણ આમની પાસે તો ખાવા રોટલો પણ નથી ને કપડાં રમકડાં તો વાત જ શી. તેથી બાળમંડળ દ્વારા બધા ગરીબ બાળકોને આ બધું આપીશું. તેમજ પૈસા દ્વારા સુંદર છપ્પન ભોગ તૈયાર કરેલ છે તેનાથી એમને જમાડીશું.' તાલીઓના ગડગડાટથી સૌ એ નાના કર્મ વીરોને વધાવી લીધા. ને આગામી ગણેશોત્સવમાં મંડપ, લાઇટ, ડેકોરેશન નો ખર્ચ ન કરીને આવા જરૂરિયાત મંદોને મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી. બાળકોની આ પહેલ નાના મોટા સૌ કોઈએ આવકારી. બધાના મો પર એ ગરીબ બાળકોની ખુશી આપ્યાનો અહેસાસ વરતાતો હતો.

ગણેશની આંખો પણ ભીની થઈ ગઈ. સાચા અર્થમાં સુંદર ભેટ મળી હતી. નાના બાળમિત્રોની આ ભેટથી તેઓ રાજી થઈ ગયા. બાળકો સાથે આ દસ દિવસ ગણેશ માટે ખૂબ યાદગાર રહ્યા. આજે વિસર્જનનો દિન હતો. છૂટા પડવાનું હતું... વિદાયની વસમી વેળા. બધા બાળમિત્રો ખાસ કરીને આરવ ખુબ નિરાશ હતો. ગણેશે બધા મિત્રોને લાડુ ભરેલ બોક્સ આપ્યું ને આવતા વર્ષે ફરી ચોકકસ આવવાનું વચન આપ્યું.

'આરવ, મને બાય કહેવા નઈ આવે ?'

આરવ રડી પડ્યો. ફરી આવશે એવું પાક્કું પ્રોમિસ લીધા બાદ જ તેણે ગણેશને પરવાનગી આપી.

શાળામાં બનાવેલ માટીની પ્રતિમાને સૌ એ કુત્રિમ કુંડ માં વિસર્જિત કરી એ પાણી બગીચામાં રેડ્યું. હસતા હસતા ગણેશજી એ વિદાય લીધી. થોડા દિવસોમાં એ સ્થાને છોડ ઊગ્યો. તેના પર સુંદર ફૂલ આવ્યું. આરવ એ ફૂલ ને જોઈ હસી રહ્યો. સાચા અર્થમાં ગણેશોત્સવ ઉજવાયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Children