ગાયનો અબોલ પ્રેમ
ગાયનો અબોલ પ્રેમ
પ્રેમ એટલે
જીવંતનો જીવંત પ્રત્યે,
જીવંતનો નિર્જીવ પ્રત્યે.
જીવંત એટલે માનવનો માનવ પ્રત્યે.
માનવનો પશુ- પ્રાણી, જીવ- જંતુ પ્રત્યે.
વૃક્ષ પ્રત્યે પ્રેમ સમગ્ર માનવજાતિ એ રાખવો જ જોઈએ.
મારી વાત કરુ તો હું શહેરમાં જન્મેલ, મોટી થયેલ છોકરી. ભણતર પણ શહેરમાં જ.
મારા સસરાના ઘરે પહેલાં ગાય હતી. પણ ક્યાંક ચાલી ગયેલી. મારા સંબંધની વાત થઈ તે જ દિવસે ગાય મારા સસરાના ઘરે આવી. મારા સાસુ તો ખુશ ખુશ થઈ ગયા.અને મને જોવા આવ્યા. મારો સંબંધ નક્કી થઈ ગયો. મારા લગ્ન પછી પંદર દિવસમાં વાછડીનો જન્મ થયો.
લગ્ન પછી ઘણીવાર ગામડે રોકાવાનું થતું. ગાયની સેવા સાસુમા એ શીખવાડી. એક દોહવાનું કામ તેઓ કરી આપતાં. બાકીનું તમામ કામ મેં હરખથી કર્યુ. સવારે ચાર વાગ્યે ગાય માટે ખાણ પલાળવું, નીણ નાખવી, પાણી પાવું, છાશ વાસીદા કરવા, ગાયને ધણમાં મુકવા જવી, જેમ નાનકડાં બાળકને નિશાળે મુકવા જઈએ તેમ હું પણ હરખથી મુકવા જતી. હા,પાછી ગાયને લેવા ન જવી પડે હો ! સમયસર ઘરે આવી જાય. ન ક્યાંય રોકાય કે ન કોઈ'દિ મોડી પડે. ગાય આવે એટલે શીંગડું ડેલાને અડાડે, હું તરત જ ડેલો ખોલી અંદર લઈ લઉ. અમારા બેયનો મૂક પ્રેમ. હું સાકળ ગળે નાખું તો તરત ડોક નમાવી નીણ ખાવા લાગે. મને ખુબ અચરજ થતું. હા,પોતાની વાછડીને જોવાનું ન ભૂલે. મને ખુબ જ ગમતી ગાય વાછડીની જોડી. મેં ઘણાં બધા ફોટોગ્રાફ અલગ અલગ મુદ્રામાં ગાય -વાછડી ના પાડ્યા હતા. ગાય તો ચરવા જતી રહે પણ વાછડી ઘરે હોય એટલે નીણ ખવડાવવી, બે-ત્રણ વાર પાણી પીવડાવવું, નવડાવવું વગેરે કામ કરી લઈએ ત્યાં ગાય આવી જાય. પછી એની સેવામાં લાગી જાઉ. સાંજ માટે ખાણ ભુલ્યા વગર પલાળી દઉ. ઘરકામ કરતા કરતા ગાય વાછડીની સેવા ઉત્સાહથી કરતી. ગાયની સેવા ક્યારેય અફાળ નથી જતી.
હું માનું છું કે મારા પતિની ઊંચી પદવી ને વેતન ગાયની સેવાને જ આભારી છે.
---લગ્ન પહેલાની વાત કરું તો
મેં ગાયને ક્યારેય નજીકથી રોટલી આપી નહોતી. બીક પણ લાગતી ને રોજની ટેવ પણ ન હતી. હું મમ્મીને કહેતી તમે રોટલી ખવડાવવા જાવ,હું વાસણ સાફ કરી લઈશ. ત્યારે વાસણ કરવા સહેલાં લાગતા. હવે આજે બધું યાદ કરુ છે તો હસવું આવે છે.
વાછડીને બાળકની જેમ પંપાળીએ અને ગાયની માતા સમાન સેવા કરીએ તો કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. ગાય એની જાતે પાછી જતી રહી ત્યારે મને ખૂબ ખૂબ દુઃખ થયું હતું. જાણે એટલી જ સેવા મારા ભાગ્યમાં હતી.
અમારો કુલ ચાર -છ મહિનાઓનો જ સંબંધ છતાં આજે પણ આંખ ભીની થઈ જાય છે. મારા સાસુ પાસેથી ગાયના સમાચાર જાણવાની કોશિશ હંમેશા કરતી. ત્યારે ફોન ન હતા એટલે રુબરુ જ વાત થતી. એમને પણ આશ્ચર્ય થતું કે આટલી માયા ! એક દિવસ સમાચાર આપ્યા કે ગાય તો મરી ગઈ. હું તો ખુબ રડી તે દિવસે.
તેઓ (મારા સાસુ) વાડીએ જતા'તા ત્યારે રસ્તામાં ગાયને જોઈ, સાંજે આવ્યા તો ગાય માતા પરલોક સિધાવી ચૂક્યા ના સમાચાર એમને મળ્યા હતાં.
મને ગાય અને વાછડી કાયમ યાદ રહેશે. જેમ માતાને બાળકના આવવાના એંધાણ તો મળે પણ જન્મી ન શકનાર બાળકની યાદ હોય જ એવી જ રીતે....
હે પરમાત્મા ! મને સતત ગાય - વાછડીના આશીર્વાદનો અનુભવ થતો રહે અને તેમના ઉપકારને સુખ દુઃખમાં યાદ રાખી શકું એવા આશીર્વાદ આપજો.
