Sachin Soni

Inspirational

4.8  

Sachin Soni

Inspirational

ગામડાની છોકરી

ગામડાની છોકરી

6 mins
1.6K


સંધ્યા સમયે ગામનાં ચોરે વાગતી ઝાલર અને નોબતન સુરો હવા સંગે આખા ગામનાં ઘરે પહોંચતો હતો, પંખીઓ પણ પોતપોતાના માળા પર જઈ રહ્યાં હતાં, આટલાં સુંદર વાતાવરણની વચ્ચે ફળિયામાં ખાટલો ઢાળી સુતેલાં સવિતાબહેન એટલાં ઊંડા વીચારોમાં ખોવાઈ ગયાં હતાં, કે ડેલીએ પડતો ખટુકાનો અવાજ એનાં કાનમાં પડતો ન'હતો.

અંતે ડેલી ખોલી સવિતાબહેનના શેઢા પાડોશી કાનભાઈ ફળિયામાં આવ્યા અને મોટેથી બૂમ પાડી જમનીયા ત્યાંતો સવિતાબહેન ઝબકી ગયાં ખાટલેથી બેઠા થઈ બોલ્યાં 

"એ..આવો..કાનભાઈ આજે તો તમે ભુલા પડ્યા"

"કાનભાઈ : મોટી તું હવે બહેરી થઈ ગઈ એ નક્કી ક્યારનો ડેલીનો ખટુકો ખખડાવતો હતો જમનીયાના નામનો સાદ પાડ્યો છતાં કેમ બોલી નહીં., શેની ચિંતામાં પડી ગઈ મોટી ?

મારો ભાઈ ક્યાં ગયો જમન ?"

"સવિતાબહેન : તમારા ભાઈ દૂધ ભરવા ડેરીએ ગયા છે આવતા હશે હમણાં તમે બેસો, ભાઈ બહેરી તો હજુ નથી થઈ, પણ જો જો મારા છોકરા પવલાની ચિંતામાં ગાંડી જરૂર થઈ જઈશ. કાનભાઈ એકતો મારો દીકરો ઓછું ભેણેલો, ઉપરથી ખેતીનું કામ કરે અને અહીં ગામડે રહે, અને બત્રીસ વર્ષનો થઈ ગયો હવે આપણી નાતમાં કોણ દીકરી આપે, હું પણ હવે થાકી છું મારાથી કામ પણ થતું નથી, અને મારા ગયાં પછી બાપ દીકરાનું કોણ, કાનભાઈ મેં તો પવલાને ખૂબ સમજાવ્યો કે પર નાતમાં કરી લે પણ મારું તો એ ક્યાં માને જ છે, હવે તમે સમજાવો તો તમે મારા ભગવાન ભાઈ."

"કાનભાઈ : મોટી જો તમારે પર નાત કરવું હોય તો મારી પાસે ઠેકાણું છે આપણાં ગામમાં પણ ઘણા છોકરા લગ્ન કરી આવ્યા છે, તને પણ ખબર છે તમે ત્રણેય હા પાડો તો મારી વાડીએ ગયા વર્ષે મજૂરીકામ કરવા આવેલ સુખાની દીકરી શાંતા છે, સુખો ગયો ત્યારે મને કહેતો ગયો હતો મારી દીકરીનો સંબંધ કરવો છે સારો છોકરો હોય તો કહેજો.

એ લોકો ગરીબ છે એટલે લગ્નનો ખર્ચો આપણે આપવો પડે બાકી બીજી પૈસાની કોઈ લેતી દેતી નહીં. મોટી તું અને મોટો  કહોતો વાત આગળ વધારું આટલું કહી કાનભાઈ ચૂપ થઈ ગયા"

"સવિતાબહેન : કાનભાઈ તમારા ભાઈ સાથે વાત કરી હું તમને જણાવીશ, પણ પ્રવિણને તમારે મનાવો પડશે એ તો ના કહે છે."

"કાનભાઈ : પ્રવિણને તો હું મનાવી લઈશ મોટી તું ચિંતા ન કરતી.ચાલો ત્યારે હું નીકળું જમનભાઈ તો હજુ આવ્યો નહીં મારે મોડું થાય છે આટલું કહી કાનભાઈ ત્યાંથી નીકળી ગયા."

પણ અહીં સવિતાબહેનના મનમાં ઘણાં સ્વપ્ન કાનભાઈ રોપી ગયાં એ તો બસ એમના પતિ અને દીકરાની રાહ જોવા લાગ્યાં, એટલામાં જમનભાઈ આવી ગયા અને સવિતાબહેન એ કાનભાઈ એ કહેલી વાત કરી, જમનભાઈને પત્ની સવિતાની વાત ગમી એટલે હા ભણી અને કહ્યું " આપણે કાનાને ફોન કરી જણાવી દઈએ કે તું પેલાં લોકો સાથે વાતચીત કરીલે પછી આગળ જેવી ભગવાનની મરજી."

"જમનભાઈએ કાનભાઈને ફોન કરી વાત જણાવી કાના તું એ લોકો સાથે ફોન પર વાત કરી લે તો આપણે હું તારી ભાભી તું અને પ્રવિણ આપણે જઈ આવીએ, પ્રવિણની ચિંતા ન કરતો એને હું સમજાવી લઈશ."

"કાનભાઈ : સારું મોટા હું હમણાં જ ફોન કરું છું આટલું કહી ફોન કટ કરી કાનભાઈએ સુખા સાથે વાતચીત કરી લીધી સુખાએ એ બે દિવસ પછી આવવાનું કહ્યું."

બીજે દિવસે સવારમાં કાનભાઈ જમનના ઘરે પહોંચી ગયા અને બધી વાત જણાવી આવતી કાલે આપણે એ લોકોના ગામ સંતરામપુર જવાનું છે, તો તૈયાર થઈ જજો આજે, મેં તો તમને પૂછ્યા વગર આપણાં ચારની બસની ટીકીટ પણ બુક કરાવી લીધી છે."કાનભાઈ : મોટી બધી તૈયારીમાં લાગી જા હવે, બે જોડી કપડાં તમારા ત્રણેયના લઈ લેજો, સાથે થોડું ભાથું પણ અને પચાસહજાર રૂપિયા રોકડ લેજે ન હોય તો હું લઈ લઉં."

"સવિતા : હા કાનભાઈ હું તૈયારી કરી લઈશ, પૈસા પણ પડ્યાં છે એટલે ચિંતા કઈ નથી. કાલે આપણે કેટલા વાગે નીકળવાનું એ કહો."

"કાનભાઈ : બપોર પછી ચાર વાગ્યાનો બસનો સમય છે, એટલે ઘરેથી સાડા ત્રણે નીકળી જશુ, હવે હું ઘરે જાઉં છું કંઈ કામકાજ હોય તો ફોન કરજો."

બીજે દિવસે બધી તૈયારી કરી ચારેય જણા સંતરામપુર જવા રવાના થઈ ગયા. બીજે દિવસે સવારે સાત વાગ્યે સંતરામપુર બસસ્ટેન્ડ જેવા ઉતર્યા કે સામે સુખો અને એની પત્ની રડી ઊભા હતા, સુખો એના શેઠ કાનભાઈને જોઈ બહુ ખુશ થઈ ગયો અને બોલ્યો "આવો.. શેઠ રોમ રોમ ચાલો અહીંથી આપણે મારા ખેતર પર જશું" આમ પગપાળા ચાલતાં વાતો કરતાં કરતાં ખેતરે પહોંચ્યા.

સખાએ શેઠને ખેતર બતાવ્યું ખેતરમાં સામે ઉભેલી નાનકડી રૂમ બતાવી. આ બધું જોઈ સવિતાનું મોઢું બગડી ગયું મનોમન બોલી " આ લોકો એક તો સાવ નાના ગામડાનાં અને મકાન પણ ઝુંપડી જેવું તો આની છોકરી કેવી હશે ?"

સુખાએ ખાટલો ઢાળી દીધો અને ત્યાં બેસવાનું કહી તે એના ઘરમાં ગયો, અને સવારથી તૈયાર બેઠેલી શાંતિ થોડી ભીનેવાન છવીસ વર્ષની હતી પણ નાની છોકરી જેવી દેખાતી એકદમ સુકલકડી કાયા મોટી મોટી આંખો ગુલાબી કલરનો કમખો,પીળો ચણીયો, માથે લાલ કલરનું ઓઢણું ઓઢી એના પિતા સાથે મહેમાનો માટે પાણી લઈ આવી શાંતિએ મહેનનોને પાણી આપ્યું બધાને રોમ રોમ કહ્યું.

"સુખો : શેઠ આ મારી પોયરી શાંતિ છે" શાંતિ પાણી આપી ઘરમાં ચાલી ગઈ. "સુખાએ શેઠને પૂછ્યું આ તમારો પોયરો છે ?" "કાનભાઈ : મારો ભત્રીજો થાય આ જમનભાઈ અને સવિતાભાભીનો દીકરો પ્રવિણ છે. કેવો લાગ્યો અમારો પ્રવિણ ?"

"સુખો : શેઠ તમે ઠેકાણું બતાવ્યું એમાં કહેવું પડે કઈ પોયરો સારો છે, પણ શેઠ મારી પોયરી શાંતિ તમારા દીકરાને કેવી લાગી એ કહો."

પ્રવિણ કઈ બોલે એ પહેલા તો સવિતાએ માથું હલાવી શાંતિ માટે હા ભણી દીધી. અને સુખો ઘરમાં જઈ એક વાટકીમાં સાકર લઈ આવ્યો બધાનાં મોઢા મીઠા કરાવ્યાં, વાત પાકી થઈ ગઈ ફરી શાંતિને બહાર બોલાવી સવિતાએ એક લાલસાડી નાકનો દાણો અને પગની પાયલ હાથમાં આપી ઓવારણાં લીધાં. અને લગ્ન સવારે શિવમંદિરે રાખવાનું નક્કી કર્યું. આવેલા મહેમાનોને રાત્રી રોકાણ શિવમંદિરે રાખ્યું, સવારે વિધિસર લગ્ન થઈ ગયાં, બપોરે બે વાગ્યે શાંતિએ ભીની આંખે વિદાય લીધી.

વહેલી સવારે પ્રવિણના ઘરે પહોંચી ગયા, ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે પ્રવિણ વહુ લઈ આવ્યો, પ્રવિણની વહુને જોવા ગામ ઉમટી પડ્યું આજે સાંજ ક્યારે પડી ગઈ ખબર નથી, સાંજ પડતાં સવિતા રસોઈમાં કરવામાં વ્યસ્ત થઈ ગઈ અને શાંત ફળિયામાં એકલી બેઠી હતી અચાનક બોલી,

"મા દાડીયો આયો...મા દાડીયો આવો" બોલવા લાગી સવિતા બહાર આવી પણ એ કઈ સમજી નહીં ફળિયામાં બિલાડો હતો એટલે થયું બિલાડાને દાડીયો કહેતી હશે.

અને શાંતિ પગથિયાં ચડી અગાશી એ ગઈ એક કલાક પછી નીચે આવી, ત્યાં પ્રવિણ આવ્યો એને જોઈ "શાંતિ બોલી આવો ઘણી જય શ્રી કૃષ્ણ".

પ્રવિણ આ સાંભળી ખડખડાટ હસવા લાગ્યો બોલ્યો "મમ્મી તે શીખડાવ્યું લાગે " ત્યારે શાંતિ બોલી " સવારે કાનબાપો આયો તારે મા બોલી એટલે મું પણ બોલી" આમ શાંતાનો એક દિવસ પસાર થઈ ગયો, બીજે દિવસે સંધ્યા સમયે ફરી બોલી "મા દાડીયો આયો...મા દાડીયો...આયો"

"આજે સવિતા એ પૂછ્યું શું કહે છે તું કોણ આવ્યું ?"

શાંતિએ આભ સામે આંગળી ચીંધી બતાવ્યું, ત્યારે સવિતા હસતી બોલી ગાંડી એને દાડીયો નહીં ચાંદો કહેવાય. શાંતિ અગાસી પર રોજ એના દાડીયા સાથે સુખ દુઃખની વાતો કરતી. સમય પસાર થવા લાગ્યો એક વર્ષમાં તો શાંતિની પેરઓઢ બદલી ગઈ, મા ને મમ્મી કહેતી થઈ ગઈ ભાષા પણ આવડી ગઈ, ઘરનું બધું કામ પણ શીખી ગઈ, અને જાણે કોઈ શહેરની છોકરી હોય એવી લાગવા લાગી. એ જોઈ લોકો પણ શાંતાને કહેતાં તારી બહેન હોય તો કહેજે. શાંતા કઈ જવાબ આપતી નહીં એટલે લોકો કુંવારા દીકરાનું ઘર બંધાઈ જાય એ આશાએ લોકો કાનભાઈને આવી વહુ શોધી આપવા માટે ભલામણ કરતાં પણ કાનભાઈ બધાને કહેતા દુનિયામાં એક કોહિનૂર છે જે સવિતાને મળી ગયો. હવે શાંતિ જેવી વહુ મળવી મુશ્કેલ છે. શાંતાને જે પણ જોતા એ સવિતાને પૂછતાં શું આ ગામડાની છોકરી છે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational