એકતા નગરમાં ડ્રામા
એકતા નગરમાં ડ્રામા


ઘોષબાબુના ઘરે સવારથી જ ઉધમ મચી હતી. એ જોઈ પેસ્તનબાબા બોલ્યા, “ઘોષબાબુ, આ સેની ધમાલ મચાવી છે ની બાબા...”
ઘોષબાબુ બોલ્યા, “પેસ્તનબાબા... અમારા બાબા ચતુરંગની સ્કુલમાં ડાન્સ કોમ્પિટિશન આસ્છે...”
નાયરે પૂછ્યું, “અય્યો! તો તમારા ચતુરંગ કયો રંગ દેખાડવાનો છે... એટલે એ કયો ડાંસ કરવાનો છે જી?”
ઘોષબાબુ બોલ્યા, “હજુ કંઇ વિચાર્યું નથી.”
પટેલભાઈ બોલ્યા, “તેને ગરબો કરાવો... તેને કુર્તા પાયજામાં હું સ્પોન્સર કરીશ.”
નાયરે કહ્યું, “અરે! શું ગરબા જી... ચતુરંગ તારે ભારત નાટ્યમ કરવાનું જી... હું તને એ શીખવાડીશ... જો... તાના... તાનના...”
આ જોઈ બલ્લુભાઈથી નહીં રહેવાયું તેઓ બોલ્યા, “અરે! બસ કર યાર... બેટા ચતુર... ભાંગડા કરશે... સરળ પણ અને મજેદાર પણ... આ જો બલ્લે .... બલ્લે...”
“નહીં ગરબા”
“નહીં ભારત નાટ્યમ”
“નહીં ભાંગડા.”
ચતુરંગના ડાંસ કોમ્પિટિશનની વાતથી એકતા નગરમાં નવો જ ડ્રામા શરૂ થયો.
આ જોઈ ઘોષબાબુ રોષે ભરાઈને બોલ્યા, “તમે બધા મારા ચતુરંગને ડીસ્ટોબના કરો... એ કંઇ નહીં કરે એ જ ભાલો આસ્છી.”
ઘોષબાબુના આ નિવેદન સાથે સહુ મંડળી વિખરાઈ.
આ વાતને થોડાક દિવસ વીત્યા નહીં હોય ત્યાં ચતુરંગ વસ્તીમાં એવોર્ડ સાથે દોડી આવ્યો. તેની પાછળ પાછળ આખી વસ્તી દોડી આવી.
ચતુરંગ હર્ષથી ચીચીયારીઓ પાડતા બોલ્યો, “પાપા... આમ્હી જીતબો.... આમ્હી ડાંસ કોમ્પિટિશન જીતબો...”
આ સાંભળી સહુ ખુશ થયા.
મુસ્તાકભાઈ બોલ્યા, “વાહ બેટા, તેં તો વસ્તીનું નામ ઉજાળ્યું.”
બલ્લુભાઈ બોલ્યા, “જરૂર અમારા ચતુરંગે ડાંસ કોમ્પિટિશનમાં ભાંગડા કર્યો હશે.”
નાયર બોલ્યો, “અય્યો... તારા ભાંગડાને કૌન ઇનામ આપશે જી... ચતુરંગે ડાંસ કોમ્પિટિશનમાં જરૂર ભારત નાટ્યમ કર્યું હશે.”
પટેલભાઈ બોલ્યા, “ગરબા કરવાથી માતાજી પ્રસન્ન થયા હશે જેથી ચતુરંગ સ્પર્ધા જીત્યો.”
ઘોષબાબુ શાંતિથી બોલ્યા, “ચતુરંગે આમાંથી કશું કર્યું નથી.”
બધા એકીસાથે બોલ્યા, “તો તેણે શું કર્યું?”
ઘોષબાબુ બોલ્યા, “મેં ચતુરને પટેલભાઈએ આપેલો કુર્તા પાયજામો પહેરાવ્યો. ત્યારબાદ તેને ભારત નાટ્યમનો સાજ શૃગાર કરાવ્યો. પછી હિન્દી ગીત પર એણે ભાંગડા કર્યા. વિવિધતાના આ અનોખા સંગમે જ મારા ચતુરંગને સ્પર્ધા જીતાડી છે.”
બલ્લુભાઈ બોલ્યા, “પણ ચતુરંગે ક્યાં હિન્દી ગીત પર ડાંસ કર્યો હતો?”
ચતુરંગે ભાંગડા કરતા કરતા લલકાર્યું, “સુનો ગોર સે દુનિયા વાલો... બુરી નજર ન હમપર ડાલો... ચાહે જીતના જોર લગાલો... સબ સે આગે હોંગે...”
સહુ એકસાથે બોલ્યા, “હિંદુસ્તાની”
આમ ઘોષબાબુની ચતુરાઈથી સુખદ અંત આવ્યો એકતાનગરના ડ્રામાનો.
*****