એકસૂત્ર
એકસૂત્ર


"અનાયસા....મીટ જુબીન, એવણ મારી ફ્રેન્ડ રુબીનો સન છે " મમ્મીએ દીકરીને એક યંગ-સ્માર્ટ છોકરાની ઓળખાણ કરાવતા કહ્યું ને પછી પોતે ત્યાંથી સરકી લગ્નવિધિ ચાલતી હતી ત્યાં પહોંચી ગયાં. મમ્મીની ખૂબ જ ઇચ્છા હતી કે દીકરી હવે પોતાના સમાજમાંથી જ કોઇ લાયક છોકરાને પરણી જાય એટલે પોતાનાજ સંસ્કાર અને ધર્મ પ્રમાણે વંશ આગળ વધે. ચારે બાજુ રંગીન માહોલ હતો. કેટલાય સ્ટાર્ટર્સ ને ડ્રીન્ક ફરી રહ્યાં હતાં. લેટેસ્ટ ફેશનના કપડાંમાં હરએક વયના લોકો લગ્ન માણી રહ્યાં હતાં. એકબાજુ સંગીતની ધૂન પર કેટલાય કપલ્સ ડાન્સ કરી રહ્યાં હતાં. જુબીને અનાયસાને ડાન્સ માટે આમંત્રણ આપ્યું, ને બંને એકબીજાની કમરમાં હાથ નાખી થીરકવા લાગ્યાં..
અનાયસાને અચાનક થોડા દિવસ પહેલાં થયેલી ઓફિસની પાર્ટી યાદ આવી ગઇ. ત્યારે પણ ખૂબ ડાન્સ કરેલો અનીસ સાથે અને બેસ્ટ ડાન્સર કપલનું પ્રાઈઝ પણ જીતેલું .અનીસ ....એનો કલીગ ને સારો ફ્રેંડ. બંને એમબીએ અને એફિસીયન્ટ. પોતાની ટીમને એ બંનેજ લીડ કરતાં ને એમ કરતાં અનાયસા પર કોઇ જાતનો વર્ક સ્ટ્રેસ ન આવે એનું અનીસ પૂરેપૂરું ધ્યાન રાખે. કામમાં મોડું થાય તો હીફાજતથી અનાયસાને ઘરે પહોંચાડવાનું કામ પણ અનીસનું જ. બંન્ને એકબીજાનું ધ્યાન રાખે . અનીસે તો મનથી અનાયસાને એક ખાસ સ્થાન આપી જ દીધેલું. પણ અનાયસા, હજી કન્ફ્યુઝ જ હતી. એનો ને અનીસનો ધર્મ સાવજ જુદો હતો ! અને પોતે જો પોતાના સમાજની બહાર લગ્ન કરે તો રિવાજ -નિયમ મુજબ એ એમનાથી પણ દૂર થઇ જાય.પરાઇ થઇ જાય. મમ્મીએ બતાવેલ છોકરાઓને મળવાની ગડમથલ કરતાં -કરતાં ક્યારે અનીસ ગમતીલો થઇ ગયો એ ખબર જ ન પડી ! પ્રેમ પાસે બીજું બધું ગૌણ લાગતા બન્ને પરણી ગયાં. ત્રીસી વટાવી ચૂકેલા -સ્વતંત્ર એવા બન્નેને, કુટુંબે પણ હસતું મોઢું રાખી આશીર્વાદ આપી દીધાં.
અનીસનું કુટુંબ ખૂબ ફોરવર્ડ ને પૈસાપાત્ર હતું. ઘરમાં બધી જ સુવિધા ને છૂટ હતી. અનાયસાને પણ એ લોકોએ પ્રેમથી જ અપનાવેલી. પોતાના ધર્મ ને એના રસમ-રિવાજ ને પણ એ લોકો ખૂબ ચુસ્તીથી પાળતા. અનાયસા માટે આ બધું તદ્દન જ અલગ હતું. એ પ્રયત્ન પૂર્વક પણ એમના કોઇ ધાર્મિક પ્રસંગનો હિસ્સો ન બની શકતી.એની આસ્થા -માન્યતા-ઇષ્ટદેવ તો અલગજ હતાં. સાસરામાં એ પોતાને એક પરાઇ વ્યક્તિ મહસૂસ કરતી. ને જ્યાં એને પોતાપણું લાગતું એ જન્મથી અત્યાર સુધીના દેવ કે દેવસ્થાને તો એની એ બધાં સાથે જોડાયેલી જન્મનાળ, પરનાતમાં લગ્ન સાથેજ છેદી નાંખી હતી. એ સ્થાનક કે દેવ હવે એને માટે દોહ્યલાં થઇ ગયાં હતાં. અનાયસા કંઇ બહુ ધાર્મિક હતી એવું તો નહોતું ! પણ હરએક વ્યક્તિ ને પોતાની આસ્થા-પ્રાર્થના ને આશાને ટાંગવા એક દેવરુપી ખીંટીની જરુર પડે ! ને હવે એની એ ખીંટી ઉખડી ગઇ હતી. એની અણીયાળી ધાર અનેક સવાલો પૂછતી જાણે એના અસ્તિત્વને લોહીલુહાણ કરતી હતી !
ખૂબ સ્વાભિમાની ને વિચારશીલ એવી અનાયસાની વ્યગ્રતા એના ઓફિસકામમાં-સ્વભાવમાં પણ ડોકાવા લાગી. એનાં મનમાં ચાલતાં આ તોફાનથી અનીસ વાકેફ હતો. એ કહેતો 'હવે આપણે એક બાળકનાં માતા-પિતા બનીએ. એક બાળકના આવતાં આપણી દુનિયામાં બધું જ સુંદર થઇ જશે" પણ અનાયસા 'બાળક ' શબ્દથી જ ભડકતી એ કહેતી "જ્યાં મારીજ પ્રાર્થના ને પહોંચાડવાનો કોઇ રસ્તો મારી પાસે નથી. મારા અસ્તિત્વની ઓળખાણ જ ભૂલાઇ ગઇ છે ત્યાં મારા બાળકને હું શું ઓળખાણ આપીશ ? મારી પાસેજ માથું ટેકવાય એવું કોઈ સ્થાનક --કોઇ ધર્મ નથી તો મારા બાળકને ક્યો ધર્મ શીખવાડીશ ? જે ઘર્મએ મને છોડી દીધી એ ? કે જેને હું સમજી કે અપનાવી નથી શકતી એ ? ના ! હું 'મા'તો કદાપી નહીં બનું." પોતાનો સંપૂર્ણ સ્નેહ ને સાથ જો પત્નીને આપી શકાય તો કદાચ એની પીડા ઓછી થાય. એવું વિચાર અનીસ અનાયસાને લઇ એમના થોડે દૂરનાં વિસ્તારમાં આવેલા નાનકડા બંગલામાં રહેવા ગયો. ને ખરેખર બંને એકબીજામા
ં ઓતપ્રોત હસીખુશી -થોડી કેર ફ્રી જીંદગી જીવવા માંડ્યા.
થોડો વખત ગયો ને એક સાંજે બહાર ગયેલી અનાયસા એ આવતાં વેંત અનીસને વળગી રડવા માંડ્યું. બહુ પૂછતાં થોડીવારે ડૂસકાં ભરતાં બોલી "આઇ એમ પ્રેગનન્ટ" અનીસ ને તો થયું ખુશીથી નાચે ! પત્નીનો મૂડ જોતાં એ એને વહાલ કરતાં બોલ્યો "શુક્રિયા પરવરદિગાર..નું અવર લાઈફ બી કમ્પ્લીટ"
ઝાટકો લાગ્યો હોય તેમ એનાથી દૂર જતાં અનાયસા બોલી, " ધીસ ઈઝ એ મીસ્ટેક. તને ખબર છે મારે કોઇ બાળકને જન્મ આપવોજ નથી. થોડા દિવસમાં આપણે એબોરશન કરાવી દેશું" અત્યારે કંઇ બોલવું વ્યર્થ લાગતા અનીસ શાંતજ રહ્યો.
અનાયસા-અનીસ હજી એક કંપનીમાંજ હતાં પણ અલગ પ્રોજેક્ટ પર કામ કરતાં હોવાથી બન્નેના ટાઇમ અલગ હતાં. આજે રોજની જેમ ઓફિસ જતા અનાયસાનું ધ્યાન ફૂટપાથ પર, ઉભેલા વૃક્ષ નીચે બેઠેલી એક ગાંડી સ્ત્રી પર ગયું. પહેલાં પણ એકાદ વાર એને જોયેલી પણ આજે ખબર નહીં કેમ નજર ત્યાં જ અટકી ગઇ. જોતાં સમજાયું કે આ તો પ્રેગનન્ટ લાગે છે ! ઓહ ! બિચારી.....! એણે ગાડી રોકી સામેની દુકાનથી થોડા ફળ ખરીદ્યાને ડ્રાઇવરની સાથે પેલી ગાંડીને પહોંચાડ્યા.પછીના થોડા દિવસ આ રોજનો ક્રમ થઇ ગયો.
આજે એની ગાડી ત્યાં પહોંચી ત્યારે પેલી સ્ત્રી લાંબી થઇ સૂતેલી. કંઇક ચિંતા ને કંઇક જીજ્ઞાસાથી અનાયસા પોતે જ એની પાસે ગઇ.પેલી સ્ત્રી પોતાના પેટ પર હાથ રાખી આંખો બંધ કરી શાંતિ થી પડેલી ......એના ચહેરા પર એક અજીબ તૃપ્તિ-શાંતિ ને ખુશી પથરાયેલ હતાં. પગરવ સાંભળતા જ એણે આંખો ખોલીને અનાયસાના હાથમાંથી ફળો લેતાં બીજા હાથે પોતાનું પેટ પંપાળતાં મીઠું હસી. કોણજાણે કેમ ? અનાયસાને થોડી બેચેની થઇ આવી !
એ આખી રાત અનાયસા ની નજર સામે પેલી ગાંડીનો ભાવભર્યો ચહેરો તરવર્યા કર્યો. આટલાં અભાવમાં પણ એ ગાંડીના મુખ પર કેવી આભા હતી ! માતૃત્વની આભા !હા....એમ જ. તો પછી હું એ મહામૂલા તત્વ ને કેમ નકારું છું ?
આ ગાંડી સ્ત્રીને પોતાની જાતનું જ ભાન નથી તો એને પોતાના ઘર્મ કે મજહબ સાથે તો કોઇ નિસ્બત જ શું હોય ? અરે !! એને તો પોતાના પેટમાંના બાળકનો -ભગવાન કોણ ? એ પણ ખબર નથી કારણ, આ કોનું બાળક છે ?? એજ એને ક્યાં ખબર હશે !
જો માતૃત્વ એક ગાંડી સ્ત્રીને આટલી તૃપ્તિ-શાંતિ આપે તો હું તો કહેવાતી ડાહી છું ! ના, હવે કોઈ સવાલ નહીં. માતૃત્વ જ મારો ધર્મ.ને આ સૃષ્ટિને એકસૂત્રે બાંધતું કોઇ અકળ તત્વ .કોઇ સારપજ મારા બાળકનો ધર્મ. હા.....માય ચાઇલ્ડ વીલ વરશીપ (પૂજા) હ્યુમાનીટી......(માણસાઈ) પણ, તો પછી, એ સારપ-માણસાઇની શરુઆત તો મારે કરવી પડે. આજથી એ ગાંડી ને એના બાળકની સંભાળ હું લઇશ.
અનાયસાએ ગાઢ નીંદરમાં સૂતેલા અનીસ ને હલબલાવતાં, એ બેબાકળો ઉઠ્યો ને એની વાત -એનો નિર્ણય સાંભળતાજ ખુશીથી ઉછળી પડ્યો. બાકી રહેલી રાત, બંનેએ વાદળાશી હળવાશ માણતાં પૂરી કરી.
બીજે દિવસે બંગલાના આઉટહાઉસમાં પેલી ગાંડી બાઇને રાખવા થોડી તૈયારી કરી, અનાયસા એને લઇ આવવા નીકળી. એ પેલા ઝાડ નીચેજ બેઠી હતી. અનાયસા ને જોતા એણે કંઇક મળવાની આશાએ હાથ લંબાવ્યો .એનો એ હાથ પકડી લેતા અનાયસા એને પોતાની સાથે આવવાનું સમજાવવા કંઇ બોલી, વ્યર્થ પેલીની સમજમાં કંઇ જતું હોય એવું ન લાગ્યું, એ તો એના હાથને તરછોડી જરા ખસીને બેઠી. અનાયસા એ નજીક જઈ એને કાર તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો તો એ તો ઓર વિફરી ! હવે ? આને કેમ વિશ્વાસમાં લેવી? અચાનક અનાયસાને એક વિચાર આવ્યો
એ પેલી ગાંડી પાસે ધૂળમાં બેસી ગઇ--- પોતે પેલી સ્ત્રી નાં પેટ પર નાજુકાઇથી હાથ મૂકી, એનો હાથ લઇ ધીમેથી પોતાના પેટ પર મૂક્યો. થોડી ક્ષણો વીતી. પેલા આખી સૃષ્ટિના ચાલક એવા અકળ તત્વએ, જાણે બેઉ 'મા'ના દિલને એકસૂત્રે બાંધ્યા.
ને લો, પેલી ગાંડી અનાયસાનો હાથ પકડી ચાલવા માંડી.