એક સ્ત્રીની મનોદશા
એક સ્ત્રીની મનોદશા
કહેવાય છે કે એક સ્ત્રી જે ઘરમાં પગ મુકે તે ઘર સ્વર્ગ બની જાય છે. સ્ત્રીમાં ઘરને સ્વર્ગ બનાવવાની તાકાત રહેલી છે. પરંતુ સ્ત્રી ઘરને સ્વર્ગ ત્યારે જ બનાવી શકે જ્યારે તેને તે પ્રેમ, માન-સન્માન, અધીકાર મળે જેની તે હકદાર છે.
એક સ્ત્રીની સામે તમે ખોબો પાણી ધરશો ને તો તે આખો દરિયો તમારી સમક્ષ લાવી આપશે. સ્ત્રીનો જન્મજાત સ્વભાવ લાગણીશીલ હોય છે. તે તો પ્રેમની ભૂખી હોય છે. પરંતુ તમારે ટીપું પણ પાણી આપવું નથી અને ફક્ત મેળવવાની જ આશા રાખશો તો તે સ્ત્રી સાવ ભાંગી જશે. તેના મનમાં પ્રેમ નહીં પરંતુ નફરતના બીજનું વાવેતર થશે. ઘરને સ્વર્ગ બનાવવા માટે લાગણીનો વરસાદ વરસાવવો પડે છે. તેમાં બધાને પૂરેપૂરા ભીંજવવા પડે છે. ફક્ત પતિનો સાથ સહકાર જરૂરી નથી. દરેક વ્યક્તિ જે ઘરમાં એકસાથે રહે છે. તે બધાનો ડગલે ને પગલે સહકાર અને પ્રેમ જરૂરી છે. જયારે એક સ્ત્રીને તે બધા જ અધિકાર મળશે જેની તે હકદાર છે ત્યારે તે પોતાના ઘરને સ્વર્ગ બનાવવામાં કોઈ કસર નહીં છોડે. પરંતુ સ્ત્રીની વેદના સમજવા વાળા આ સમાજમાં ઘણા ઓછા છે.
સ્ત્રી એટલે જાણે કે એક જીવતું જાગતું મશીન. દિકરાને પરણાવ્યો અને વહું ઘરે આવી એટલે હાશ હવે મારા માથેથી કામનો બોજો ગયો. મારી બધી જવાબદારી પૂરી. હવે તો વહું આવી ગઈ એટલે હું તો આરામ કરીશ. આવું ૭૦ થી ૮૦ ટકા લોકો વિચારતા હોય છે. જે દિકરી ૨૦ વર્ષ સુધી પોતાની માતાપિતાની છત્રછાયામાં રહી છે. જેને જવાબદારીનો પૂરો અર્થ પણ ખબર નથી. જેને કદી કોઈએ રોકટોક કરી નથી. જેના સપના પૂરા કરવામાં મા બાપે પાછી પાની નથી કરી. અચાનક જવાબદારી નામનો શબ્દ જાણે એક ભારીખમ પથ્થરની જેમ આવી પડે ત્યારે તેની શી મનોદશા થાય છે તે ફક્ત સ્ત્રી જ સમજી શકે છે. સ્ત્રી જવાબદારી નિભાવવા પણ તૈયાર થઈ જાય છે પરંતુ તેને ઘરના દરેક વ્યક્તિની પ્રેમ ભરી હુંફ જોઈએ છે. જો તેને ઘરના દરેક વ્યક્તિ એમ કહેશે ને કે બેટા તું મુંઝાતી નહીં. અમે તારી સાથે જ છીએ. તો તે સ્ત્રી કોઈ પણ કામ કરવામાં હિચકિચાહટ નહીં અનુભવે.
મા બાપના ઘરે રહેતી દિકરીને મા રોજ પુછે છે બેટા આજે જમવામાં શું બનાવું ? દિકરી પ્રેમથી માંને કહે છે કે તું જે બનાવીશ ને તે બધું જ મીઠું લાગશે. જ્યારે સાસરે પહોંચતા જ તે જ દિકરીને ઘરના દરેક વ્યક્તિની પસંદ નાપસંદ જાણી રસોઇ બનાવવી પડે છે. નવી વહું તો બીતા બીતા બધું કરે છે. કયાક મારાથી ભૂલ ના થઈ જાય. આવા સમયે ઘરના વડિલ તેની માથે હાથ ફેરવી એટલું જ કહી દે કે બેટા ભૂલ થાય તો કંઈ વાંધો નહીં. ન આવડે તો શું થઈ ગયું. હું છું ને. હું તને બધું શીખવાડીશ. ત્યારે વહુને પોતાની માંની ઓછપ નહીં વર્તાય.
એક સ્ત્રી ને તમે તમારી મરજી મુજબ ના નચાવી શકો. પરણીને આવી તો શું થઈ ગયું. તેની પોતાની પણ જિંદગી છે. તેના પોતાના સપનાં છે. તેને પુરેપુરો હક છે પોતાના સપનાને પૂરા કરવાનો. તેની પોતાની પસંદ નાપસંદ છે. જો કોઇ વખત સાસું વહુંને કહે બેટા તને શું ભાવે છે. ચાલ આજ તો હું તારી માટે તારી પસંદ ની રસોઇ બનાવું. અને પોતાના હાથથી પોતાની વહુંને જમાડે તો તે સ્ત્રી હમેંશા તે ઘરની દિકરી બનીને જ રહેશે. વહું નહીં. તેના ઘરના વડીલો તેને કહે બેટા તારી ઉંમર તો હજી આગળ વધવાની છે. સપના પૂરા કરવાની છે. તારી પગભર થવાની ઈચ્છા હોય તો અમે
બધા તારી સાથે જ છીએ. તું ચિંતા ના કર. જવાબદારી નિભાવવા માટે હજી અમે બેઠા છીએ. તુ તારા સપના પૂરા કર. ત્યારે તે સ્ત્રીને હકીકતમાં ભગવાનના સ્વરૂપમાં બીજા માતા પિતા મળી જશે. તેને પિયરની યાદ કદી નહીં આવે.
એવું કહેવાય છે કે એક સાસું વહુંના સબંધોમા મીઠાશની હમેંશા ઉણપ જોવા મળે છે. સમાજ એવું કહે છે કે વહું કદી દિકરી નથી બની શકતી અને સાસું કદી માં નથી બની શકતી. ફક્ત સાસું વહુંના સબંધો બંધાવાથી આમ નથી બનતું. આવુ ત્યારે થાય છે જ્યારે એકબીજાની ઈચ્છા ને માન નથી અપાતું. એકબીજાની લાગણી ને નથી ઓળખાતી . એકબીજાની વાતને કોઈ નથી સમજતું.
અર્થ નો અનથઁ કરવામાં આવે છે. પરિણામે તિરાડ પડવાની શરુ થાય છે.
એક દિકરી જ્યારે પોતાનું ઘર છોડીને એક નવા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શું અનુભવે છે તે હું ખુબ સારી રીતે સમજૂ છું. કારણ કે હું પણ આ સમયમાંથી પસાર થઈ છું. આવા સમયે સાસું જો તેની માં બનીને રહે તો તેને તે ઘર પોતાનું જ લાગશે. સાસું પોતાની વહુંને બેટા કહી એક પ્રેમ ભર્યું હગ આપશે ને તો તે દિકરીને પોતાની માંની યાદ કદી નહીં આવે. એક વહું તરીકે તેને જતું કરવું, સહન કરવું, સમજુતી કરવી વગેરે સલાહ આપવામાં આવે છે. અને તે કરે પણ છે. પરંતુ તે મનથી વિખૂટી પડતી જાય છે. એકવાર મનમાં પડેલી ગાંઠ વધુને વધુ ગૂંચવાતી જાય છે. પરિણામે સબંધ ફક્ત કહેવા પૂરતા જ રહી જાય છે. નાની નાની બાબતો ઝગડાનું કારણ બની જાય છે. જવાબદારી એક ભારણ લાગે છે. ઘર જાણે તેને કરડવા દોડે છે.
ક્યાંથી બને ઘર એક સ્વર્ગ? જ્યાં પ્રેમ ની નીવ જ કાચી હોય. વહુંને દિકરી નહીં પરંતુ એક વહું તરીકે જોવાતી હોય. જ્યાં તેની ઈચ્છા અનિચ્છા ની કોઈ વેલ્યુ નથી. જ્યા તેને પ્રેમથી કદી બેટા કે દિકા ના શબ્દથી સંબોધવામાં ના આવ્યુ હોય. જ્યા તેના સપનાની કોઈ અહેમીયત ના હોય. જ્યાં તેને ડગલે ને પગલે એ જતાવવામાં આવતુ હોય કે તુ આ ઘરની વહું છો દિકરી નહીં. જ્યાં તેના માતાપિતા માટે કોઈ માન ના હોય. જ્યા તેની ગણતરી ફક્ત કામવાળીની થતી હોય. જ્યાં તેને પોતાનો હકક પણ ના મળતો હોય. કેવી રીતે એક દિકરી આ ઘરને સ્વર્ગ બનાવે?
ઉલટાનું સમાજ તો એમ જ બોલવાનો કે વહું તો જો કેવી મળી છે. સાસું સસરાને સાચવતી પણ નથી.
બસ હું સમાજને એ કહેવા માંગુ છું કે તમે દિકરાને પરણાવી દિકરી લાવો વહું નહીં. વહુંને તે બધા હકક આપો જેની તે હક્કદાર છે. પ્રેમથી તેની સાથે મીઠી વાત કરો. વહુંને પણ એવો હક્ક આપો કે તે દુઃખના સમયમાં સાસુના ખોળામાં માથું મુકી રડી શકે. તેને પ્રેમ ભર્યું એક હગ આપો. તેને તેના સપના પૂરા કરવાની આઝાદી આપો. તેને અહેસાસ અપાવો કે તેના દરેક ડગલે અમે તારી સાથે છીએ. કોઈક વાર
તેને કહો કે આજ હું તારી માટે જમવાનું બનાવીશ. તેમને સર્પ્રાઇઝ આપો. તેની માટે દુનિયા સાથે પણ લડો. તેની કાળજી તમારા દિકરા કરતા પણ વધારે રાખો. પછી જુઓ તમે તે દિકરી શું કરશે? જેનું તમને અનુમાન પણ નહીં હોય. તે દિકરી તમારા કુટુંબ ની તારણહાર બનશે અને ખરા અર્થમાં તમારું ઘર સ્વર્ગ બનશે. મેં શરુઆત માં જ કહ્યું હતું કે કે એક સ્ત્રી સામે તમે ખોબો પાણી ધરશો ને તો તે આખો દરિયો લાવી આપશે.
મારાથી કંઈ ખોટું લખાઈ ગયું હોય તો મને માફ કરશો.