એક સપનું લોકશાહીનું.
એક સપનું લોકશાહીનું.


આજના સાંપ્રત સમયમાં લોકશાહીની દશા સારી નથી. એના ઉપર અશુભ તત્વોના પડછાયા પડી રહ્યા છે. ચારે તરફથી લોકશાહીના ચિરહરણ કરવા માટે અનેક આધુનિક દુશાશનો તૈયાર જ છે. લોકશાહી બચી શકશે આવા નાપાક તત્વો સામે ? ભ્રષ્ટચારી એને પિંખી રહ્યા છે એની લાજ લૂંટવા અનેક પ્રયાસો કરી રહ્યાં છે અને આ બધાંથી બચવા એ દોટ લગાવે છે સ્વર્ગ તરફ.
એક સપનું લોકશાહીનું.
સ્વર્ગમાં ગાંધીજી, નેહરુ, સરદાર મહાદેવભાઈ આજે એકઠા થયા હતા. બાપુનો જન્મદિવસ મનાવવા માટે. ત્યારપછી તેઓ બધા ૨૦૧૯ના ભારતની દશા અને દિશા પર ચર્ચા કરવા લાગ્યા. બાપુને લોકશાહીની સતત ફિકર હતી. તેમણે ચિંતા જતાવી લોકશાહી ભારતમાં સ્વસ્થ તો હશેને ? કોઈ એને હેરાન તો નહી કરતું હોયને ? રેંટીયો કાંતતા તેમણે બધાને પૂછ્યું, ”મારી લોકશાહી દીકરીની મને બહુ ફિકર થાય છે.”
ત્યાં જ બાપુના કાને કોઈ વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગાઈ રહ્યું હોય એવો ભાસ થયો. અવાજ પૃથ્વી તરફથી આવી રહ્યો હોય એવું લાગ્યું. તેમણે મહાદેવ દેસાઈને તપાસ કરવા મોકલ્યા. તો ખબર પડી કે આજે ગાંધી જયંતી નિમિત્તે તેમની પ્રતિમાનું અનાવરણ થતું હતું તો ત્યાંથી આ અવાજ આવતો હતો. અચાનક જ આ ભજનમાં વિક્ષેપ પડ્યો. મારો કાપોના અવાજ સાંભળવા શરુ થયા. ભાગદોડ મચી ગઈ.
કેટલાક અસામાજિક તત્વો એક સ્ત્રીની લાજ લેવા દોડી રહ્યા હતા. એ સ્ત્રી નરાધમોથી બચીને બાપુ પાસે આવી ગઈ. ચીસ પાડીને બોલી, “બાપુ બાપુ બચાઓ.. આ લોકો મને મારી નાખશે ...આ પિશાચો મારું શિયળ લુંટવાનો પ્રયત્ન કરે છે બચાવો..” બાપુ એ કહ્યું, “શાંત થા દીકરી .. તું અહી સુરક્ષિત છે... તો કોણ છે વિગતે તારી વીતક કહે. મહાદેવ દીકરીને પાણી પા.” પેલી સ્ત્રી એ કહ્યું, “ બાપુ હું ભારતની લોકશાહી છું. મારી પાછળ ભ્રષ્ટાચાર, કોમવાદ નામના નરાધમો પાછળ પડ્યા છે. બાપુ હવે હું ભારતમાં સલામત નથી. મને ઉગારો, બચાવો. બાપુ હું છું હિન્દુસ્તાનની પ્રજાનો આત્મા લોકશાહી. હું તમારે શરણે આવી છું.” બાપુ એ પૂછ્યું,”દીકરી લોકશાહી તારા પર શું વિપદ આવી પડી ? વિગતે શાંત થઈને વાત કર.
મહાદેવ આ દીકરીની વીતક તારી ડાયરીમાં નોંધતો જજે.” લોકશાહીએ કહ્યું, ”મહાત્માજી મારી દશા અત્યારે ભારતમાં કૌરવોની સભામાં દ્રોપદી જેવી છે. એક નહી અનેક દુશાશનો મારું ચીર હરણ કરી રહ્યા છે. બાપુ, સરદાર, નહેરુજી હું આજે સલામત નથી. સત્તાના દલાલો પાટલી બદલું ઓ, માફિયાઓ, દાણચોરો ભ્રષ્ટાચારીઓ, ભેગા મળી મારું અસ્તિત્વ મીટાવવા માંગે છે. પૃથ્વીલોકમાં મારું રહેવું દુષ્કર થઈ ગયું છે. મને બચાવી લો અન્યથા મને અહી જ રહેવા દો આપની સમીપ”
બાપુ એ કહ્યું; “શાંત થા દીકરી, અમે કંઇક નક્કર પગલા લઈશું જ. તારી લાજ નહી લુંટવા દઈએ.“ લોકશાહીએ કહ્યું; “બાપુ, અત્યારે મારે જરૂર છે તમારા ગાંધી વિચારોની, આપ મારી સાથે હશો તો મને જીવવાની હામ મળશે. મારે ભારતમાં જ જીવવું છે. દુઃખ કષ્ટો વેઠીને પણ હું ભારતમાં જ રહીશ. રણચંડી બનીને હું શત્રુનો નાશ કરીશ. મહિષાસુર મર્દિની બનીને ભ્રષ્ટાચારના રાક્ષસને ખત્મ કરીશ, એને માટે મારે સરદાર મને તમારી લોખંડી તાકાત આપો. આ ભ્રષ્ટ લોકો સામે લડવા નહેરુજી આપ આપની લોક તાંત્રિક ભાવના આપો. તમારા આ શસ્ત્રો વડે જ હું મારી લડાઈ જાતે જ લડીશ.
બાપુ બોલ્યા, “દીકરી, લોકશાહી તું નિર્ભયા બનીને તારા સ્ત્રીત્વને અમર રાખજે. અમે તારી સાથે જ છીએ. જરૂર પડે તો હું “દાંડીકુચ” ની જેમ જ “પૃથ્વીકુચ” કરીશ. જા દીકરી જા.. તારો પથ પ્રસસ્ત થાઓ. જો નવો સૂર્ય ઉગવાની તૈયારીમાં છે જા દીકરી લોકશાહી જા.”