એક સબંધ આવો પણ... (ભાગ - 8)
એક સબંધ આવો પણ... (ભાગ - 8)


ઈશા અને મયુરની ગાડી હજુ શહેરની બહાર પણ નહીં પહોંચી હોય ત્યાંતો એક ધડાકો થયો અને ગાડીનું પાછલું ટાયર ધડાકાભેર ફાટ્યું. ધડાકો સાંભળી ઈશા કે મયુર કાંઈ સમજે એ પહેલાં ગાડી બે ત્રણ પલટી ખાઈ રસ્તાની વચ્ચોવચ્ચ ઊંઘી પડી ગઈ. તરત જ આજુબાજુ જતા લોકો મદદે આવી ગયા અને ઈશા મયુર અને ડ્રાઈવર ને બહાર નિકાળ્યા. કોઈકે ૧૦૮ને ફોન કરી બોલાવી લીધી. સદનસીબે મયુર કે ડ્રાઇવરને ખાસ વાગ્યું નહિ પણ ઇશાની કમરે જોરદાર આંચકો આવ્યો અને પગમાં ફ્રેક્ચર થયું હતું. ઇશાને તરત જ હોસ્પિટલ એડમિટ કરી અને મયુર એની પાસે જ હતો એણે ફોન કરી ઘરેથી બધાને બોલાવી લીધા. ઈશા હજુ ભાનમાં નતી આવી પણ એ ભાનમાં આવશે ત્યારે શું કહીશું એ ચિંતા ને વિચારે ચડી જવાયું મયુરથી.
આખરે ઈશાના પાપાએ જવાબદારી સ્વીકારી અને ઈશા ભાનમાં આવતા જ સહુ પહેલા એમને જુએ એવી વ્યવસ્થા થઈ. ઇશાએ આંખ ખુલતા જ એના પાપાને જોયા અને ઉભી થવાની કોશિશ કરવા ગઈ ત્યાં એના પાપાએ એને પકડી સુવડાવી દીધી અને કહ્યું કે હમણાં એ આરામ કરે બે દિવસ પછી ઘરે આવે એટલે બહુ બધી વાતો કરીશું. ઈશા પરિસ્થિતિ સમજી ગઈ એટલે કઈ બોલી ન શકી પણ એના મનમાં એવી ઈચ્છા જરૂર થઈ કે પાપા એની પાસે જ અહીં રહે. ઇશાના પાપાને એ શું ઈચ્છે છે એ સમજાઈ ગયું. એની આંખમાં જોતા જ એટલે એમને ઘરના બાકી સભ્યોને ઘરે જઈ આરામ કરવા કહ્યું અને આજની રાત એ અહીં રોકાશે એવું કહ્યું. ઈશા પાસે એના પાપા બેસી રહ્યા મોડી રાત્રે ઈશા સુઈ ગઈ છે એવું લાગતા તે હળવા પગલે ઉભા થયા અને બહાર જવા નીકળ્યા. ઇશાએ એમનો હાથ પકડી રાખ્યો હતો તે છોડાવવાની કોશિશ કરી ત્યાં ઈશા સળવળી અને ઇશાની ઊંઘ ખરાબ થશે એ ડરથી ત્યાંજ બેસી રહ્યા આખી રાત.
ઇશાનો એક નાનપણનો કિસ્સો યાદ આવી ગયો એમને. ઈશા નાની હતી ત્યારે બીમાર પડતી એટલે તેને બસ પાપા જ જોઈએ. મમ્મી સામે ન હોય તો પણ ચાલે બસ પાપા જોઈએ. એ વખતે ઇશાને સખ્ખત તાવ આવ્યો હતો ને ઊંઘમાં પણ પાપા પાપા જ કરતી હતી ને તેના પાપા આમજ ઇશાનો હાથ પોતાના હાથમાં લઈ સતત બે રાત ને ત્રણ દિવસ સુધી બેસી રહ્યા હતા. એક આંસુ ઝળકી ગયું તેમની આંખમાં. એક બીજો કિસ્સો પણ યાદ આવી ગયો. ઈશા સ્કૂલેથી પ્રવાસમાં ગઈ હતી. હજુતો સ્કૂલબસ શહેરની બહા
ર જ નીકળી ત્યાં તો ઈશા રડવા લાગી હતી અને તેને તાવ આવી ગયો હતો ત્યારે તેના પાપાને ફોન કરી તાત્કાલિક બોલાવવા પડ્યા હતા અને પાપાને જોઈ ઈશા તરત જ સાજી થઈ ગઈ હતી. એ દ્રશ્ય આંખ સામે ફરી રહ્યું.
એમ ને એમ બે દિવસ વીતી ગયા અને ઇશાને હોસ્પિટલમાંથી રજા અપાઈ અને ઘરે લાવ્યા. ઘરે આવતા જ ઇશાને મળવા એક પછી એક બધા સગાંવહાલાં આવતા ગયા ને એમજ એક મહિનો ક્યાં વીત્યો એ ખ્યાલ પણ ન રહ્યો. એક દિવસ ઇશાને મળવા એની સાથે નાનપણથી ભણતી એની મિત્ર મિત્તલ આવી. એ દિવસ ઇશાને મિત્તલે બહુ બધી જૂની વાતો વાગોળી. વાતમાં ને વાતમાં ઇશાએ મિત્તલને પૂછ્યું "અરે મિત્તલ યાદ છે આપણા ક્લાસમાં એક છોકરો હતો બ્રિજેશ."
મિત્તલ "અરે હા યાદ આવ્યું. કેવો સરસ ને ફૂટડો હતો નહિ ! આખા ક્લાસની છોકરીઓ એની પાછળ ફરતી અને તે કોઈક બીજા જ વિશ્વમાં ખોવાયેલો રહેતો. એને આપણા કોઈની કશી જ પડી નહોતી. તને ખબર છે એની સાથે શુ બન્યું ?"
ઈશા: "મને ક્યાંથી ખબર હોય? તું જ કહે એ ક્યાં છે શું કરે છે? શું બન્યું એની સાથે?"
મિત્તલ: "એ આગળ અભ્યાસ કરી સાયન્ટિસ્ટ બન્યો હતો. એને નાસા તરફથી સરસ જોબ પણ મળી ગઈ છે. એ અત્યારે કેનેડા છે. હાય રે બિચારા નું નસીબ !"
ઇશા: "કેમ આવું બોલે?"
મિત્તલ: "અરે શું કહું તને. એક જ દિવસ! એક દિવસ શું એક કલાકનું લગ્નજીવન અને આખી જિંદગીનું દર્દ ભળ્યુ એના જીવનમાં."
ઈશા ચોકી ઉઠી: "હેં! શું વાત કરે છે? માંડીને વાત કર તો કંઈક સમજ પડે."
મિત્તલ: "વધુ તો મને પણ ખ્યાલ નથી. એટલું આછુપાતળુ ખબર છે કે એના લગ્ન થયા ને કલાક પછી એ અને એની વાઈફ જે કારમાં આવતા હતા એને અકસ્માત થયો અને એની વાઈફ એક્સપાયર્ડ થઈ ગઈ. હવે તો એ અહીં છે પણ નહીં એટલે વધુ શું ખબર પડે."
પછી ઘણી બધી વાતો થઈ અને સમય થતા જ મિત્તલ તો ચાલી ગઈ એના ઘરે. આ તરફ ઈશા વિચારવા લાગી. 'માણસનું નસીબ કેવા કેવા ખેલ ખેલે છે ! આપણે ધારીએ શું અને બને શું ! ક્યારેક હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય ને ક્યારેક ભર્યા પેટે પણ ખાવું પડે !' વિચારોમાં ક્યારે તેને ઊંઘ આવી ગઈ ખ્યાલ પણ ન રહ્યો. અચાનક જ તેની આંખ ખુલી ગઈ જ્યારે તેને...(ક્રમશઃ)