એક રૂપિયો
એક રૂપિયો


આજ હું મારી જ એક વાત રજૂ કરીશ. મારા મમ્મી- પપ્પાનું એક મધ્યમવર્ગીય કુટુંબ. એક સાંધો ત્યાં તેર તૂટે. પપ્પા ઘરખર્ચ માંડ માંડ પૂરો કરતા અને અમને બંને ભાઈ બહેનને ભણાવતા પણ.
મમ્મી પણ બહારનાં કામ કરતી. મમ્મી મને અને ભાઈને રોજ એક એક રૂપિયો આપે. માટીના બે ગલ્લા હતા. અમે હોંશે હોંશે ગલ્લામાં રૂપિયો નાખતા. અને કેટલા આનંદથી કહેતા કે આ પૈસા તો અમારા છે. રોજ ગલ્લો ઊંચકી જોઈએ કે કેટલો ભારે છે! બંને ઝગડતા. હું કહેતી કે મારો ગલ્લો ભારે છે. ભાઈ કહેતો કે મારો ગલ્લો ભારે છે. પણ જીત તો મારી જ થતી. હું ઘરમાં સૌથી નાની એટલે જ્યારે ઝગડો થાય મમ્મી એક સિક્કો વધારે આપે. લે બસ તારો ગલ્લો ભારી. બસ મારી માં !
મને યાદ છે એક વર્ષ દિવાળીમાં નવા કપડાં લેવા પૂરતા પૈસા નહોતા. અને ત્યારે તો એવું જ હતું કે વર્ષમાં એક જ વાર કપડાં લેવાના. કેટલી હોંશ હોય.
મમ્મી પપ્પાને મે વાત કરતા સાંભળી લીધા કે કપડાં લેવા માટે પૈસા નથી. મે ભાઈને વાત કરી. અમારા બંનેના ગલ્લા ભરેલા હતા. અમે બંનેએ ગલ્લા તોડી પૈસા મમ્મી ને આપ્યા અને કહ્યું,"મમ્મી પપ્પા અમારે આ વર્ષે કપડાં નથી લેવા. મમ્મી તારાં માટે એક સરસ સાડી લેવાની છે. અને પપ્પા તમારે માટે એક સરસ મજાના પેન્ટ- શર્ટ. અમારી પાસે આટલા પૈસા છે. વધારે નથી."
મમ્મી પપ્પા અમને બંનેને ગળે વળગાડી રડવા લાગ્યા.