એક પત્ર હતાશ વ્યક્તિને
એક પત્ર હતાશ વ્યક્તિને
હે લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવનાર મનુષ્ય,
હવે તને હું કયા નામે સંબોધન કરું?.
એક હતાશા ધરાવતા મનુષ્ય તરીકે...કે ..એક લાગણીશીલ વ્યક્તિ તરીકે !
હશે..પણ હું તને પ્રિય શબ્દથી સંબોધન કરીશ.
નવાઈ લાગી ને !પેલી કહેવત છે એ તને ખબર છે ! આવ ભાઈ હરખા આપણે બેઉં સરખા.
હવે તું સમજી ગયો હોઈશ કે તને પ્રિય કેમ કહ્યું.તારો લાગણીશીલ સ્વભાવ તેમજ સંવેદનશીલ કોમળ હ્રદય આ જ તારા દુશ્મન બની રહ્યા છે. તારી જીવન પ્રત્યેની કેટકેટલી આશાઓ, સ્વપ્નો હશે.કદાચ આ સ્વપ્નોને સાકાર કરવા સફળતા મળી નહીં હોય એવું મને લાગી રહ્યું છે.આ કારણે જ તું હતાશ થયો છું. તારો જીવન પ્રત્યેનો અભિગમ બદલાતો રહ્યો છે.
જીવનમાં સફળતા અને નિષ્ફળતા પણ મળતી જ હોય છે.પણ આમ નિરાશ થવું એ તને પાલવે નહીં.મનુષ્ય છે હિંમત રાખ.
તને ખબર છે કે એક હતાશ વ્યક્તિ પોતે તો હતાશા અનુભવે છે, સાથે સાથે પોતાના કુટુંબમાં પણ હતાશા વ્યાપી જાય છે અથવા ઘરમાં ક્લેશ, કંકાસ ઊભો થાય છે.
મને ખબર નથી કે તને હતાશા કેમ આવી. પણ જ્યારે કોઈ પોતાને અનુકૂળ રિઝલ્ટ ના મળે કે સ્વપ્નો ખંડિત થાય કે પછી સામાજિક ટિપ્પણીઓ કે પછી શંકાશીલ સ્વભાવ, આવા જ કોઈ કારણોસર જ હતાશા આવી જતી હોય છે.
તને ખબર નહીં હોય કે હતાશ વ્યક્તિને જો વધુ હેરાનગતિ થાય કે પછી એનું વારંવાર માનભંગ થાય તો એ વ્યક્તિ અંતે જીવનનો અંત આણવાનો આખરી માર્ગ પસંદ કરતો હોય છે.
શું તને જીવન પ્રત્યે પ્રેમ નથી ! તું તો લાગણીશીલ વ્યક્તિ છો.તારા કુટુંબનો પ્રિય વ્યક્તિ. તારા કુટુંબને વધુમાં વધુ પ્રેમ કરનાર પ્રેમાળ વ્યક્તિ.
બસ હવે નિરાશા ખંખેરી નાખ.
જીવન જીવવાની સાથે માણવા માટે પણ છે. જો કોઈ દિવસ કોઈ પશુને કે કોઈ પંખીને આત્મહત્યા કરતા જોયો છે ! પશુ કે પંખી એમનું જીવન કેવું આનંદમાં વિતાવે છે.
શું આપણે માણસ નથી ! પશુ કે પંખી કરતા પણ વધુ સમજુ, લાગણીશીલ તેમજ સુંદર અને સાચી અભિવ્યક્તિ કરનારા છીએ.
બસ ખુશ રહો.. આનંદમાં રહો..
પ્રેરણાદાયી વિચારો, સુવિચારો,કે એવો વિડિયો, ફિલ્મ જોવી કે પછી સારા પુસ્તકો વાંચવા. આ મારી સલાહ તને ઉપયોગી રહેશે.કારણકે ભૂતકાળમાં હું પણ હતાશ થયો હતો. ડિપ્રેશનનો ભોગ પણ બન્યો હતો. સમાજમાં આ વખતે સમજણ ઓછી થતી જતી હોય છે. સમાજની વ્યક્તિઓ મારાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા.
પણ કુટુંબનો સાથ અને સકારાત્મક અભિગમના કારણે જ એક સામાન્ય વ્યક્તિ બની શક્યો છું.
તને ખબર હશે કે મારા વિચારો હંમેશા પ્રેરણાદાયી જ હોય છે. જીવન જીવવાનો સકારાત્મક અભિગમ તને હતાશાથી દૂર રાખશે.
પછી તું જોજે જિંદગી જીવવી કેટલી આસાન તેમજ આનંદ આપે એવી છે.
મને લાગે છે કે હું બહુ સલાહ આપતો થયો છું.
મને કવિ નાનાલાલની કવિતા યાદ આવી ગઈ છે.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટાતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
બસ આ સાથે મારો તને સલાહો આપતો પત્ર પુરો કરું છું.
હિંમતે મર્દા તો મદદે ખુદા..
એજ તારી જેમજ ભૂતકાળમાં હતાશા પામેલો અને હવે જિંદગીને પ્રેરણારૂપ ગણીને જીવનાર એક લાગણીશીલ વ્યક્તિ...ના જય શ્રી કૃષ્ણ
