એક પત્ર એક વરસના દામ્પત્યને...
એક પત્ર એક વરસના દામ્પત્યને...
"દીપિકાનો સચીનને પત્ર"
"મારા વ્હાલમનું નામ મારું નાણું..."
'દીપિકા' = દીપ(દીવો)+ઇકા(એક)
જેના ભીતરમાં એક જ નામનો દીવો ઝળહળે છે...
'સચીન'=સચ(સત્ય)+ઈન(અંદર)
જેનું ભીતર સત્યથી ઝળહળે છે....
ડિઅર સચીન,
આજે આપણા લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે..ત્યારે આપણે આ સમગ્ર વર્ષની હરેક પળ વાસ્તવિકતાની તદ્દન નજીક સહજતાસભર જીવી ગયાનો વિશેષ આનંદ છે....આમ તો આપણી વચ્ચે કોઈ વાત એવી નથી રહી જે આપણે એકબીજા સાથે શેર ના કરી શક્યા હોય... છતાં મારી ભીતરે કેટલીક એવી લાગણીઓ તે જગાવી જે હું આજ સુધી તારી સામે પ્રગટ નથી કરી શકી..... એમ હતું કે, એનીવર્સરીએ કદાચ ઈશ્વર મને આ લાગણી વ્યક્ત કરવા શક્તિ આપશે... અને આપી પણ... છતા એ મુખેથી નહીં કહી શકાય એવું લાગ્યું એટલે એક પરબીડિયામાં એને સંકેલીને તારા મેજ પર મૂકી દેવાનો વિચાર આવ્યો... સાંજ સુધીમાં તારા હાથમાં પહેલા પરબીડિયું આવશે કે હું..એ વિચાર શ્વાસ અદ્ધર કરી જાય છે.
આ એક વર્ષમાં મેં તારી સાથે કેટલું જીવી લીધું એનું વર્ણન કરવા કદાચ હું સમર્થ નથી.
પણ હા એટલું જરુર કહી શકું કે.. હવે મને લગ્ન પહેલાના બહુ ગણ્યાં-ગાંઠ્યાં દિવસો યાદ રહ્યાં છે...
તારી સાથે મેં બાળપણ... યુવાની... ને વૃદ્ધત્વની પરિપક્વતા સુધીની બધી જ લાગણીશીલ ક્ષણો જીવી છે.
હા...ક્યારેક હું ગુસ્સે થાઉં તો તારી બાળસહજ નિર્દોષતા મારા બેઉ હાથની હથેળીમાં સમાઈ જાય એટલી નાની થઈ જતી મેં અનુભવી છે.
હું કોઈ બાબતે ભાંગી પડું... ત્યારે એક યુવાન ખભે માથું મૂકું ને હું રિચાર્જ થઇ જાઉં છું.
ને મારાથી અજાણતા પણ કોઈ ભૂલ થાય ને મને મારી જાત પર ગુસ્સો આવે ત્યારે એક પાકટ હાથ મારા માથા પર ફરે ને મારી ભૂલોને માફ કરી જાય.
એકબીજાને સમજવામાં એક વર્ષ બહુ ઓછું લાગે.. છતાં આપણે આજ સુધી એક જ સરખી ગતિએ એકબીજા તરફ દોડ્યા છીએ ને કદાચ સાચી દિશામાં આપણી દોડ રહી છે... એની સાબિતી એક વર્ષ પછી તારા સંગાથ
ના આ શબ્દાભિષેકમાં તને પ્રતીત થશે.
તારા મુખે રાત દિવસ કેટલીય દવાઓના નામ હું સાંભળું છું.
મને તો એકપણ નામ યાદ નથી રહેતું...અને આ દવાઓથી તું કેટલાયના રોગો.. પીડાઓ...થાક દૂર કરતો હોઈશ.... પણ સાચું કહેજે... આ બધી દવાઓ વચ્ચે તું થાકી-કંટાળી જાય ત્યારે તને એક ટોનિક સ્વસ્થ કરવા સક્ષમ છે... એ મેં અનુભવ્યું છે...
હું તો ફક્ત તારા માટે મારું સર્વસ્વ છોડીને આવી છું.. મારા માટે મારું સર્વસ્વ હવે તું જ છે.
જ્યારે તારા માટે?
તારા માટે પહેલા મમ્મી... પછી પપ્પા...પછી નિશા દીદી છે. ને મને તે છેક પાંચમાં ક્રમે રાખી છે.
તો સાંભળી લે...
હવે મારા માટે પણ પહેલા મમ્મી... પછી પપ્પા... પછી નિશા દીદી છે.
અને તું....?
અરે તને કોઈ ક્રમમાં મૂકવો એ મારા ગજા બહારની વાત છે.
તું મારા માટે ક્રમાંતિત છે!
તને કોઈ ક્રમમાં બેસાડીને હું મારી જાતને છેતરી રહી હોવ એવું લાગે.
પણ હા તે મને તારા કોઈ ક્રમમાં સમાવી એ મારું સૌભાગ્ય છે.
અને હા તું એ કેમ ભૂલી ગયો કે....
લગ્ન મંડપના ચોથા મંગળે જ તારે તારી જાતને પણ પાછળ રાખી મને આગળના ક્રમે રાખવી પડી'તી....
યાદ છે ને ડિઅર?
અંતમાં... આજે તે જે કંઈપણ વાંચીને અનુભવ્યું...એ મારા તારી સાથેના એક વર્ષની અનટોલ્ડ વાત છે... જે મેં મારી છાતીની ડાબી બાજુ તારા નામને સરનામે સંઘરીને રાખી હતી...જેના પર મારા એક એક ધબકારે મારા ધસમસતા રક્તમાં પીંછી બોળી સિગ્નેચર કરી એને મારા પ્રેમનો અમૂલ્ય દસ્તાવેજ બનાવી દીધો.
ગયા આખા વરસના મારા તોફાનો ભૂલી ના જતો....અને હું જરા પણ સુધરીશ એવી આશા પણ ના રાખીશ. પણ મારા વધુ તોફાન સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુપ્રાર્થના સાથે.... કલમ કાગળ મૂકવાનું મન નથી થતું આજે... કેટલુંય મારામાં બાકી રહી જાય છે હજી... છતાં આવતા વરસ માટે એને જમા લઈ મારી કલમ અટકાવું છું.
લિ. તારી દીપુ..(દીપિકા)