મારું ફળિયું
મારું ફળિયું
'પર્વ' એટલે અમારા જીવનનું પરમ પર્વ.
પર્વ એટલે અમારું અંગત આકાશ...
પર્વ એટલે મારું ફળિયું...
આજે મારું ફળિયું ચાર વર્ષનું થયું... સમજો કે, ચતુર્વેદી થયું... આ ચાર વર્ષ મારા ચાર વેદ છે...
હા, એક એવું ફળિયું જેમાં 'પપ્પા'ના સંબોધન સાથે સૂર્યોદય થાય...
હા, હવે મારે એલાર્મની જરુર જ નથી... શાળાએ જતાં પહેલા હું ને મારું ફળિયું આખાય દિવસનું ટાઈમટેબલ ગોઠવી દઈએ...
મારું ફળિયું એક ભરચક બાળપણ બેગમાં ભરીને શાળાએ જાય ત્યારે શાળાના ફૂલ-ઝાડ... ખુરશી... હીંચકા... લપસણી... બધા જ નાના બની જાય... ને વિદ્યામંજરી સ્કૂલની મંજરીઓ મહોરી ઊઠે છે...
સાંજના છ વાગ્યે તો કેટલીય ટ્રેનની વ્હીસલો મારા ઉંબર સુધી આવી મારા ફળિયાને આંગળી પકડીને સ્ટેશન સુધી લઈ જાય... સિહોરના રેલ્વે સ્ટેશનેથી કાનના પડદા ફાડી નાખે એવી વ્હીસલ સાથે તીવ્ર વેગે પસાર થયેલી આસનસોલ અને કાકીનાડા એક્સપ્રેસના પડઘા એક અઠવાડિયા સુધી મારા ફળિયામાં પડઘાતા રહે...
પાલિતાણા... મહુવા... સુરેન્દ્રનગર અને ઓખા જેવી લોકલ તો મારા ફળિયામાં આખો દિવસ આવ-જા કરે...
રોજની રેલ્વે સ્ટેશન પરની આવી સાંજે મારા ફળિયાને જીવનના ઘણા પાઠ શીખવ્યા છે...
ધીમી ગતિની લોકલ મારા ફળિયાને ધીરજ અને સૌને સાથે લઈને ચાલવાના પાઠ ભણાવે છે... તો...
તીવ્ર ગતિએ પસાર થતી ટ્રેન જીવનમાં ક્યાં અટકવું અને ક્યાં ન અટકવું એની સાથે સાથે સફળતાના નિર્ધારિત સ્ટેશને પહોંચવા ક્યારેક તીવ્ર ગતિથી દોડવું પડે છે...
ટ્રેનના આગમન પૂર્વે પડતો ફાટક મારા ફળિયાને પાણી પહેલા પાળ બાંધવાની સમજણ આપી જાય છે...
મારું ચાર વર્ષનું ફળિયું બિસ્કીટ-ચવાણુંના ખાલી પેકેટ્સ જ્યારે સ્ટેશન પરની કચરા પેટીને આપવા હોંશે હોંશે દોટ મૂકે ત્યારે મોદીજીનું સ્વચ્છ ભારત અભિયાન મારા ફળ
િયે ધસી આવે છે...
રાત પડતા ચાંદામામાની રાહ જોતું મારું ફળિયું રોજ ચાંદરણા ગણીને ચાંદામામાના ફોલોઅર્સની સંખ્યા નક્કી કરવામાં ઘણું ગણિત શીખી ગયું છે...
મારું ફળિયું મને વીંટળાઈને જંગલની રોમાંચક વાર્તાઓ સાંભળતું હોય ત્યારે અમારી ઓઢેલી રજાઈમાં આખુંય આકાશ છાનું છાનું અમારી વારતાઓ સાંભળી જાય છે, ને મારા ફળિયાને માથે મીઠો હાથ ફેરવી નીંદરની મીઠી પપ્પીની ગિફટ આપી જતું રહે છે.
બે વર્ષના મારા ફળિયાની ડિક્ષનરી Splender ,NXG, I Smart, TATA Magic જેવાં શબ્દો પૂરતી સિમિત હતી.
ચાર વર્ષના ફળિયાની ડિક્ષનરીમાં એડ થયેલાં - I20, BREZZA, CRETA, INNOVA, જેવા નવા શબ્દોએ મારી દોડવાની ગતિને વધુ તેજ બનાવી છે.
વિકેન્ડ મારા ફળિયા માટે યાદ ના રાખવા જેવો બની રહે છે!
શનિવારની રાત તો પડે છે પણ ચાંદામામા જાણે કે ઊગતા જ નથી! ચાંદરણાનો ઝગમગાટ મારા ફળિયાને જીભ બહાર કાઢી ઠેંગો બતાવી પઝવતો હોય એવું લાગે...
ફળિયું એકલું પથારીમાં પડખા ફેરવી ફેરવી ખાલીપણાને ભગાડવા વલખા મારે કોઈ રોમાંચક વારતા નહીં આકાશની હૂંફ નહીં.
રવિવારની સવારે પપ્પાના સંબોધન સાથે સૂર્યોદય તો થાય છે પણ ફળિયામાં પપ્પાની ગેરહાજરી ફળિયાને ખૂબ ખૂંચે છે. સૂર્યોદય સાથે જ ગ્રહણ લાગી જાય છે..
અને પપ્પાના નામનો સન્નાટો આખા ફળિયામાં કાળાશ ભરી દે છે.
વિકેન્ડની બધી ટ્રેનો ફળિયાની ગેરહાજરીમાં નમાઈ થઈને પરાણે પરાણે ચાલતી હોય એવું લાગે... એમની વ્હીસલોમાં એમના ડૂસકાં અનુભવાય.
પણ સોમવારની સવારે ફળિયું રાબેતા મુજબ જીવંત થઈ જાય.
આજે મારા ફળિયાના જન્મદિને ફળિયાની વ્યાવહારિક અને શૈક્ષણિક સિદ્ધિઓ પ્રકાશિત કરતા એક પપ્પાને કેવી લાગણી અનુભવાતી હોય એ દરેક પપ્પા સમજી શકે.
આજના આ બધા શબ્દો બધાં જ ખિલખિલાટથી ગૂંજતા ફળિયા અને એમના માળી (પપ્પા)ને સમર્પિત..