એક બૂંદ અર્પણ
એક બૂંદ અર્પણ


મંછી બા સવારે એક દ્રઢ નિશ્ચય સાથે ઉઠ્યા અને માટીના નાનાં ખોરડાં ને સાંકળ વાસી લાકડી નાં ટેકે ટેકે સરપંચ નાં ઘરે પહોંચ્યા અને બૂમો પાડી ને વેલજીભાઈ ને બહાર બોલાવ્યા..
સવાર સવારમાં બૂમો સાંભળી ને વેલજીભાઈ બહાર આવ્યા અને મંછી બા ને જોઈ ને કહ્યું કે બોલો માજી શું કામ પડ્યું...
મંછી બા સાડલાના છેડે બાધેલી બે સોનાની બંગડી અને થોડી ચોળાયેલી નોટો કાઢી અને ખોરડાં નો દસ્તાવેજ ( કાગળ ) વેલજીભાઈ નાં પગ પાસે મૂકીને કહ્યું કે આ મારી પાસે આટલી મૂડી છે એ દેશની સેવામાં મદદરૂપ થવા સરકાર ને એક બૂંદ અર્પણ કરું છું એ તમે પહોંચાડી દો એવું ઈચ્છું છું...
આ સાંભળીને વેલજીભાઈ ...
માજી.. આ તમારી જિંદગીભરની મરણમૂડી છે એ પણ આપી દેશો તો જીવશો કઈ રીતે ?
તમારો છોકરો તો પરણીને શહેરમાં ગયો એ વાત ને વીસ વર્ષ થયા કોઈ દિ' સામું જોવાં નથી આવ્યો.
તમે જીવશો ત્યાં સુધી એક ટંકનું ખાવાનું તો જોઈએ ને .. ?
તમે આ ઉંમરે બસસ્ટેન્ડમાં બેસીને પાણીનાં પાઉચ અને બોટલ વેચી ગુજરાન ચલાવતા એ પણ બંધ છે..
મંછી બા મારે હવે કેટલું જીવવું...!
હું તો કોઈ મંદિર નાં ઓટલે પડી રહીશ પણ આવડાં મોટાં દરિયા જેવડાં સેવાયજ્ઞમાં મારી એક બૂંદથી કોઈ એકનું જીવન બચશે તો મારો આ મનખો દેહ સફળ થશે...
આ સાંભળીને વેલજીભાઈ મંછી બા નાં ચરણોમાં ઝૂકી પડ્યા.