એક અધૂરો નિબંધ
એક અધૂરો નિબંધ
શહેરનાં મધ્ય વિસ્તારમાં આવેલ માધ્યમિક શાળામાં ભારદ્વાજ સર 10 વર્ષથી ગુજરાતીના શિક્ષક તરીકે નોકરી કરે. ભાષાનાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં ખાસ્સા લોકપ્રિય ખરાં. શાળાનાં દરેક કાર્યક્રમમાં તેમનું સંચાલન સારું રહેતું.ભારદ્વાજ સર ધો.૯ માં ગુજરાતીનો પિરિયડ લેવા વર્ગમાં ગયા.
તેઓ વર્ગમાં પ્રવેશતાં જ મનોમન 'છાત્ર દેવો ભવ:'બોલતાં. વિદ્યાર્થીઓને તેમને નિબંધ વિશે વાત કરતાં કહ્યું ,'આજે આપણે મા વિશે નિબંધ શીખીશું..
"સર,હું લખાવું નિબંધ...નિબંધમાળામાંથી.."
સર મનોમન હસ્યાં અને કહ્યું,"ના આજે આપણે નિબંધ લખવાનો નથી પણ આપણે નિબંધને અનુભવીશું.."
વિદ્યાર્થીઓ બરાબર સમજ્યા નહિ હોય એવું લાગ્યું.
"ચલો હું જેને કહું તે વિદ્યાર્થી મા વિશે જે આવડે તે બોલશે.~સર.
એક પછી એક વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક બોલ્યા..
સરે વચ્ચેની પાટલી પર છત સામે ટગર ટગર જોતાં વિદ્યાર્થીને બોલાવ્યો..પૂછ્યું..'નામ'?..'સર... માનવ.' વિદ્યાર્થીએ જવાબ આપ્યો કોરી આંખે..
"માનવ ચલ મા વિશે બોલ.."
....................................
"બોલને દીકરા.....સરે કહ્યું..
વર્ગમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ હતી..
વિદ્યાર્થીની આંખમાંથી અચાનક આંસુ ટપકવા માંડ્યા.
એ રડી પડ્યો..સર સમજી ગયા..એ ખુરશીમાંથી ઉભા થયા અને માનવના ખભા પર હાથ મૂકીને કહ્યું.."માનવ..
મા.."
માનવ રડતો રહ્યો..સમગ્ર વર્ગખંડમાં ઉદાસીનતા છવાઈ ગઈ.
માનવ ભારદ્વાજ સરના ખભે માથું મૂકીને રડી રહ્યો હતો.
સરે માનવને છાનો રાખ્યો..અને બેલ..રિસેસ..
સર નીકળી ગયા પણ કોઈ વિદ્યાર્થી બહાર ન નીકળ્યું.
આચાર્યશ્રી અને સ્ટાફને પણ નવાઈ લાગી.
ભારદ્વાજ સર વર્ગખંડ તરફ ગયા..બારીમાંથી જોયું.
તો કોઈ વિદ્યાર્થી માનવને નાસ્તો કરાવતું હતું તો કોઈ પાણીનો ગ્લાસ લઈને ઉભું હતું. બધા માનવની આસપાસ વીંટાઈ વળ્યા હતાં.
શિક્ષક જાણે નિબંધ જીવંત જોઈ રહ્યા હતાં.
દરેક વિદ્યાર્થી મા ની ભૂમિકામાં હતાં !