કથા કૃષ્ણની-વ્યથા
કથા કૃષ્ણની-વ્યથા


કરુણાશંકર શાળાએથી પહોંચીને સીધા કથા સાંભળવા બેઠા. મહારાજ કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા હતાં. કાનુડો કેટલી ધમાલ કરતો એની વાતો રસપ્રદ રીતે કરતાં હતાં. સાથોસાથ કૃષ્ણના સાહસની વાતો પણ. કરુણાશંકરને એમના વર્ગનો મોહન યાદ આવી ગયો.
આજે જ શાળાનાં આચાર્યએ એને બરાબર મેથીપાક આપ્યો હતો. વાત માત્ર એટલી જ મોહન શાળાના દાદરનાં બબ્બે પગથિયાં કૂદતો કૂદતો ઉતર્યો અને ઝડપાઇ ગયો. બસ..તોફાન માત્ર આટલું જ. મોહન તરવામાં પણ હોંશિયાર હતો એણે એક છોકરાને ડૂબતો પણ બચાવેલ. ત્યારે કરુણાશંકરે સંમેલનમાં એના વખાણ પણ કરેલ.
ગામડાં ગામની શાળામાં કે ગામમાં એને ઇનામ કોણ આપે !નોંધ માત્ર કરુણાશંકરે જ લીધી અને
સંમેલનમાં તાળીઓનાં અવાજ. કથામાં દાનની જાહેરાતો થઈ. એક સરસ મંદિર બનાવવા માટે ગોકુળશેઠે મોટું દાન કર્યું. જયજયકાર થયો..ધૂન..ભજન..આરતી.
કરુણાશંકર બીજે દિવસે શાળાએ આવ્યા. શાળાનું મકાન જર્જરિત હતું.. મોહનનાં ગાલ પર આચાર્યના તમાચાના નિશાન હતા. વર્ગમાં કરુણાશંકર ભણાવતાં હતા અને છતનો એક પોપડો પડ્યો. સિલિંગ ફેન લટકતો હતો. આભાર ભગવાનનો એ કોઈ વિદ્યાર્થી પર પડ્યો નહિ. કરુણાશંકરને ગોકુળશેઠે કથામાં કરેલી જાહેરાત યાદ આવી ગઈ. મોહન નિસરણી લાવીને પંખો ઉતારી રહ્યો હતો. અને કરુણાશંકરે થોડીવારમાં ભણાવવાનું શરૂ કર્યું,
કાવ્ય હતું..કૃષ્ણ - સુદામાનું.."તને સાંભરે રે..મને કેમ વીસરે રે.."