પભલીનો ચબૂતરો.
પભલીનો ચબૂતરો.


નામ એનું પ્રભા, પણ બધા એને પભલી કહીને બોલાવે. ઉંમર આશરે પાંત્રીસવર્ષ. સાસરેથી પાછી આવેલ પભલીનો ગામમાં વટ ખરો. કંઈ પણ ગામમાં સારો નરસો પ્રસંગ હોય પભલી હાજર હોય જ. અને ઘરમાં,પિયરમાં પણ એ સમજુ થઈને રહે. ભાઈ, ભાભીઓ ભત્રીજાઓ સાથે એની કોઈ કચકચ નહિ. ભગવાને રૂપ પણ આપેલું.પભલી ઢોરને ચારો ખવડાવે,ખેતરે જાય,પાણી ભરવા કૂવે જાય. ગામનાં જુવાનિયાઓ પણ પભલીથી ડરે.
એકવાર એ ખેતરે ગઈ. કોઈ બે ત્રણ બાજુનાં જુવાનિયાઓ સીમાડેથી ચાલતાં ચાલતાં ખેતરો તરફ જતાં હતાં અને મતિ મારી ગઈ હશે કે આ પભલીને છેડી. બસ થઈ રહ્યું. પભલીએ કડિયાળી ડાંગ હાથમાં લીધી અને ફરી વળી. જોવાનું શું ! કોકનાં પગ ભાંગ્યા તો કોકની કેડ. પણ એકને માથે મરણતોલ ઘા વાગ્યો અને રામ રમી ગયા.જોતજોતામાં વાત ફેલાઈ.
અને પભલીને ઘેર પોલીસનું ઘાડું. પભલી બોલી,"સાહ્યેબ એ લોકો મહકરી કરે, છેડતી કરે તે હું ઇમનીઇમ બેહી રહું ! હાથ મારો પકડીને, હું હમજી બેઠા સે.." પણ આ બધી ધમાલમાં તો એક ટોળું અચાનક ધસી આવ્યું અને ઘા કર્યો સીધી પભલી પર. પોલીસની હાજરીમાં જ. એ ત્યાંજ ઢળી પડી અને...
વર્ષો વીતી ગયા, કહેવાય છે કે એ ગામની એકે છોડીઓની ત્યારબાદ ઠઠા~મશ્કરી કે છેડતી નથી થઈ. વર્ષે એકવાર ગામની બધી છોડીઓ આ ચબૂતરે આવે અને છૂટથી રમીને ઘેર જાય, આ એમનાં વ્રત.