વિસામો
વિસામો


રતન માસ્તર ઘરેથી થેલીમાં ભાથું ભરીને નીકળ્યા. રતનની બહેને ટકોર પણ કરેલી જતાં,"એ વેલાહર આવી રેજો પાછા ભાષણ કરવા બેસી ન રેતા."
"એ હા ટાણાસર આવી જઈશ. જે રામજી"...કહીને પ્રાથમિક શાળામાં આવી પહોંચ્યા.. અને છોકરાઓનું ટોળું નાચતું કૂદતું આવી ગયું.
માસ્તરે થોડીવાર બધાય છોકરાઓને રમાડ્યાં..કબ્બડી,ખો ખો..ગિલ્લી દંડો..એમ ટીમ પાડીને ઓટલે બેઠા બેઠા આ બધા કનૈયાઓની રમત નિહાળવા માંડ્યા.
થોડીવાર રહીને છોકરાઓને સૌરાષ્ટ્રની પાળિયાઓની વાત કરી.
સામેથી ગામનાં સરપંચ ભાણાભાઈ રાજપૂત આવ્યા અને કહ્યું,"માસ્તર આજે રવિવારે પણ ભણાવો છો, ભલા માણહ હવે તો રીટાયર થયા છો..કંઈ જાતરા કરો ગોરાણી ને લઈને.."
"અરે સરપંચ સાહેબ, આ છોકરાઓને ભણાવું એ મારી પૂજા અને શેરનાં છોકરાઓ આગળ આ છોકરાઓ ઉણા ન ઉતરે એ મારે જોવું છે અને આજુબાજુના ગામની શાળાઓ એ મારું સાચું તીર્થ...એ જ મારી જાતરા છે..અને હા ઘર એ જ મારો વિસામો."
સરપંચ વિચારમાં પડી ગયા અને મનોમન બોલયાએ ખરા..
"યુગે યુગે એક કાંઈ ભગવાન જ થોડા અવતાર લે છે..નરસિંહ..કબીર..પણ અવતાર લેતા હોય છે."